બૈજ, રામકિંકર (જ. 1910, બાંકુડા, પ. બંગાળ; અ. 1980) : આધુનિક ભારતીય શિલ્પકાર. તેમનો જન્મ સાંથાલ આદિવાસી કુટુંબમાં થયો હતો. બચપણથી જ કલાનો નાદ લાગ્યો હતો અને ગામની ગારાની ભીંતો પર તેઓ ચિત્રો કરતા હતા. 1925માં ‘મૉડર્ન રિવ્યૂ’ના સ્થાપક રામાનંદ ચૅટર્જીએ એમની પ્રતિભા પિછાણી અને શાંતિનિકેતનના કલાભવનમાં બૈજને ઉચ્ચ શિક્ષણ માટે મૂકી આવ્યા. અહીં બૈજે શિલ્પકલામાં ડિપ્લોમા મેળવ્યો અને પછી શિલ્પકલા વિભાગના વડા બન્યા. તેમણે બંગાળ-શૈલીની કલાની અવગણના કરી હતી; છતાં બૈજ અવનીન્દ્રનાથ અને નંદલાલ બોઝના પ્રીતિપાત્ર બની શક્યા એ મોટી સિદ્ધિ કહી શકાય. બૈજ સારા ચિત્રકાર હતા. એમની મુખ્ય શિલ્પકૃતિઓની રચના 1935થી 1940ની વચ્ચે થઈ. ‘સાંથાલ પરિવાર’, ‘સુજાતા’ અને ‘કન્યા અને કૂતરો’ તેમની જાણીતી કૃતિઓ છે. 1940થી 1945ની વચ્ચે તેઓ અમૂર્ત અને પરાવાસ્તવવાદી કળા તરફ વળ્યા. 1942માં એમનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન નવી દિલ્હીમાં યોજાયું. 1960માં એમનાં વૈયક્તિક પ્રદર્શનો વિશ્વભારતી સંઘ દ્વારા શાંતિનિકેતનમાં તથા કલકત્તા કલા પરિષદ દ્વારા કૉલકાતામાં યોજાયાં. તેઓ ભારતનાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાનાં સમૂહ-પ્રદર્શનોમાં પોતાની કૃતિઓ મોકલતા રહ્યા; જેમાં ‘રિયાલિટિઝ નૂવેલ પારી’ સૌથી વધુ નોંધપાત્ર છે. નવી દિલ્હીની રિઝર્વ બૅંક ઑવ્ ઇંડિયા માટે 24 ફૂટ ઊંચી બે મૂર્તિઓ તેમણે બનાવી છે. રાષ્ટ્રીય લલિત કલા અકાદમી અને કૉલકાતાના ‘ઇંડિયન સ્કલ્પ્ટર્સ એસોસિયેશન’ના તેઓ સભ્ય હતા. ‘નૅશનલ ગૅલેરી ઑવ્ મૉડર્ન આર્ટ’માં તેમની ઘણી કૃતિઓ સંગ્રહાયેલી છે.
રામકિંકર બૈજનાં શિલ્પો બહુધા મહાકાય અને ખુલ્લા પરિવેશમાં (મકાન બહાર, પ્રાંગણમાં) ગોઠવાયેલાં હોય છે. તેમની સૌથી યશોદાયી કૃતિ ‘સાંથાલ પરિવાર’ છે. તેમાં એક સાંથાલ પરિવાર પોતાના કૂતરા અને મામૂલી સામાન સાથે સ્થળાંતર કરતો બતાવ્યો છે. શિલ્પમાંના દરેક પાત્રની દૈહિક ગતિમુદ્રાનું તેમજ પ્રસન્ન મુખમુદ્રાનું અંકન આકર્ષક છે.
અમિતાભ મડિયા