બૈકલ : અગ્નિ સાઇબીરિયામાં ઇર્કુટસ્કથી પૂર્વમાં આવેલું દુનિયામાં ઊંડામાં ઊંડું સરોવર. ભૌગોલિક સ્થાન : તે 54° ઉ. અ. અને 108° પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલું છે. તેની ઊંડાઈ 1,620 મીટર છે, વિસ્તાર 31,499 ચોકિમી. જેટલો છે, લંબાઈ આશરે 636 કિમી. અને તેની વધુમાં વધુ પહોળાઈ આશરે 79 કિમી. જેટલી છે. દુનિયામાં આવેલા સ્વચ્છ જળના કોઈ પણ સરોવર કરતાં તેમાં પાણીનો જથ્થો વધારે છે; અર્થાત્ દુનિયામાં ઠર્યા વગરના સ્વચ્છ જળનો 20 %થી વધુ જથ્થો એકલા બૈકલ સરોવરમાં રહેલો છે. માત્ર તેમાં સપાટી પરનો જળભાગ જાન્યુઆરીથી મે દરમિયાન ઠરેલો રહે છે. આ સરોવર દુનિયાનાં જૂનામાં જૂનાં સરોવરો પૈકીનું એક ગણાય છે, આશરે 2.5 કરોડ વર્ષ અગાઉ તે ભૂસંચલનક્રિયાથી તૈયાર થયેલું છે.
રશિયાના પ્રથમ નૅશનલ પાર્ક તરીકે બૈકલ સરોવર સહિત તેના આજુબાજુના વિસ્તારની 1967માં સ્થાપના કરવામાં આવેલી. સરોવર અને તેની આજુબાજુના પ્રદેશમાં વિવિધ જાતનું વન્ય જીવન જોવા મળે છે. સરોવરમાં ગોલોમિયાન્કા તથા અન્ય પ્રકારની માછલીઓ રહે છે. માત્ર બૈકલ સરોવરમાં જ જોવા મળતી બૈકલ સીલ, સ્વચ્છ જળમાં જીવી અને ટકી શકતી અમુક જ જાતની સીલ માછલીઓ પૈકીની એક ગણાય છે.
આ સરોવરમાં રહેલી પાણીની વિપુલતાને કારણે અહીંના નજીકના હવામાન પર નોંધપાત્ર અસર વરતાય છે. સરોવરના તદ્દન નજીકના ભાગોનું તાપમાન દૂરના વિસ્તાર કરતાં શિયાળામાં થોડું વધુ ઊંચું અને હવામાન હૂંફાળું રહે છે, ઉનાળામાં પાણીનો જથ્થો તાપમાનને નીચું અને ઠંડું રાખે છે. આ સરોવરમાં 336 જેટલી નદીઓ તેમનાં જળ ઠાલવતી રહે છે, માત્ર એક જ નદી–અંગારા નદી–તેમાંથી નીકળીને બહાર વહે છે.
સરોવરના કિનારા પરના ઉદ્યોગોમાંથી ફેલાતા પ્રદૂષણે સ્થાનિક વન્ય જીવનને ભયમાં મૂક્યું છે. આથી 1988માં અહીં સ્થપાયેલું બૈકલ ફાઉન્ડેશન અહીંનાં પર્યાવરણ અને પરિસ્થિતિના આરક્ષણ માટેની તકેદારી પણ રાખે છે.
ગિરીશભાઈ પંડ્યા