બેસિડિયોમાઇસિટિસ : હરિતદ્રવ્ય-વિહોણી ફૂગ (fungus) વનસ્પતિનો એક વિભાગ. બેસિડિયોમાઇસિટિસ પ્રકણીધાની (basidium) નામે ઓળખાતું એક અંગ ધરાવે છે. આ અંગને એક વિશિષ્ટ પ્રકારની બીજાણુધાની (sporangium) તરીકે વર્ણવી શકાય. આ અંગમાં પ્રકણીધાનીઓનાં 2 કોષકેન્દ્રોનું સંયોજન અને અર્ધસૂત્રી વિભાજન (reduction division) થતું હોય છે. આ જૈવી પ્રક્રિયાને લીધે સામાન્યપણે 4 પ્રકણીબીજાણુ (basidiospores) નિર્માણ થતાં હોય છે, જેમાંનો પ્રત્યેક પ્રકણીબીજાણુ એક વિશિષ્ટ ખાણામાં ઉદભવતો દેખાય છે.
આ ફૂગની અલિંગી (vegetative) અવસ્થા(stage)ને કવકજાલ (mycelium) કહે છે. સામાન્યપણે લિંગી પ્રજનન બે કવકજાલોના અથવા તો એક કવકજાલના બીજના બાહ્યરેણુ (conidium) સાથેના સંયોજનથી થાય છે. આ સંયોજનના અંતે કોષકેન્દ્રોની એક જોડ નિર્માણ થાય છે. આ જોડાણથી દ્વિતીયક (secondary) કવકજાલ ઉત્પન્ન થાય છે. આ દ્વિતીયક કવકજાલમાં પ્રકણીધાની અંગનું નિર્માણ થાય છે.
બેસિડિયોમાઇસિટિસ ચાર વર્ગમાં વહેંચાયેલું છે : ટેલિયો-માઇસિટિસ, ફ્રૅગ્મોસિડિયોમાઇસિટિસ, હાયમેનોમાઇસિટિસ અને ગૅસ્ટેરોમાઇસિટિસ. બિલાડીનો ટોપ (mushroom) એ બેસિડિયોમાઇસિટિસ ફૂગનો પ્રકાર છે.
મ. શિ. દૂબળે