બેલ, ચાર્લ્સ (સર) (જ. નવેમ્બર, 1774, એડિનબરો; અ. 28 એપ્રિલ 1842, નૉર્થહેલોવૉર્સેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) : પ્રખર શરીરવિજ્ઞાનશાસ્ત્રી (anatomist). મગજ અને મસ્તિષ્ક ચેતા અંગેનું તેમનું સંશોધન તબીબી ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન ગણાય છે. તેમનું પુસ્તક ‘New Concepts in Brain Anatomy’ ચેતાશાસ્ત્રનો ‘મૅગ્ના કાર્ટા’ લેખાય છે. 1830માં ‘Human Nervous System’ લખી ચેતા-જૈવ વિજ્ઞાન પરના સંશોધનનું તેમણે વિસ્તરણ કર્યું છે.
મગજમાં સંવેદના લઈ જનાર ચેતા અને મગજમાંથી પ્રતિભાવ રૂપે શરીરના સ્નાયુઓ પાસેથી કામ લેનાર ચેતાઓ વિભિન્ન હોય છે એવું તેમણે સૌપ્રથમ પુરવાર કરી બતાવ્યું. મગજમાં સંવેદના લઈ જનાર ચેતાને સંવેદી ચેતા (sensory nerve) જ્યારે પ્રતિભાવ દર્શાવતી ચેતાને ચાલક ચેતા (motor nerve) તરીકે તેમણે ઓળખાવી છે. ચાલક ચેતા કરોડરજ્જુના પૃષ્ઠ-પાર્શ્ર્વ (dorso lateral) ભાગમાંથી પ્રવેશે છે, જ્યારે સંવેદી ચેતા કરોડરજ્જુના વક્ષ-પાર્શ્વ ભાગમાંથી બહાર નીકળે છે તેની સાબિતી આપી.
બેલ એડિનબરો યુનિવર્સિટીમાંથી સ્નાતક બન્યા બાદ 1804માં લંડન ગયા અને ત્યાં તબીબી શિક્ષણ અને શલ્યવિજ્ઞાન(surgery)ના અધ્યાપક તરીકેની જવાબદારી સંભાળી. 1829માં ઇંગ્લૅન્ડની રૉયલ સોસાયટીએ તેમનું બહુમાન કર્યું. 1830માં તેમને ‘સર’નો ખિતાબ એનાયત થયો, જ્યારે 1836માં તે જ યુનિવર્સિટીમાં શલ્યવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બન્યા.
રા. ય. ગુપ્તે