બેલુરનું ચેન્નાકેશવ મંદિર

January, 2000

બેલુરનું ચેન્નાકેશવ મંદિર (ઈ. 1174) : કર્ણાટક રાજ્યના બેલુર(જિ. હસન)માં આવેલું ચેન્નાકેશવ નામનું પ્રસિદ્ધ મંદિર. હોયસળ શૈલીએ બંધાયેલ મંદિર ઊંચા પ્રાકાર વચ્ચે નિર્મિત છે. મંદિરનું તલદર્શન અષ્ટભદ્રાકૃતિ સ્વરૂપનું છે. ઊંચા સુશોભિત પીઠ પર પૂર્વાભિમુખ ઊભેલ મંદિરનું પીઠ સહિતનું તલમાન 58 × 50 મીટરનું છે અને તે ગર્ભગૃહ, અંતરાલ, વિમાન (મંડપ) અને નવરંગ મંડપ ધરાવે છે. નવરંગ મંડપની ત્રણેય બાજુએ પગથિયાંવાળાં પ્રવેશદ્વાર છે ને એ પગથિયાંની બે બાજુએ એક એક શિખરાન્વિત દેવકુલિકા કરેલી છે. આ રચના વાસ્તુકલાની ર્દષ્ટિએ મહત્વપૂર્ણ છે. દેવકુલિકાઓમાં દિવ્ય દ્વારપાલોની પૂરા મનુષ્યકદની પ્રતિમાઓ સ્થાપેલી છે. મુખ્ય મંદિરની ત્રણેય પ્રક્ષિપ્ત બાજુઓને અડીને એક એક મોટું ભવ્ય મંદિર બાંધેલું છે. મંદિરની દ્વારશાખાઓ, ઉદુમ્બર અને ઉત્તરાંગ શિલ્પપ્રચુર છે.

ચેન્નાકેશવ મંદિરનો શિલ્પવૈભવ શિલ્પીઓની નિપુણતાનો દ્યોતક છે. મંદિરમાં પીઠ, ગર્ભગૃહ અને મંડપની દીવાલોને શિલ્પથર ચારેય બાજુએથી આવરે છે. એમાં ગજથર, અશ્વથર, ગ્રાસપટ્ટી અને એના ઉપર રામાયણ-મહાભારતના પ્રસંગોનાં વિવિધ ર્દશ્યોને અંકિત કરતો પહોળો પટ ર્દષ્ટિગોચર થાય છે. તેની ઉપર વ્યાલથર અને હંસથર કરેલા છે. ગર્ભગૃહના મંડોવરના ગવાક્ષોમાં દેવદેવીઓની મનોહર પ્રતિમાઓ કંડારેલી છે. મંદિરમાં પથ્થરની વીસ જાળીઓ કરેલી છે, જેમાંની દસમાં ભૌમિતિક અને બાકીની દસમાં પૌરાણિક અંકનો નજરે પડે છે.

ચેન્નાકેશવ મંદિરનું તલદર્શન

આ મંદિરમાં સ્તંભોની ગોઠવણી વિશિષ્ટ પ્રકારની છે. સ્તંભ-સ્તંભ વચ્ચેનું અંતર ઘણું ઓછું હોઈને નવરંગ મંડપ જાણે કે સ્તંભોનું પ્રદર્શન ધરાવતો ખંડ હોય તેવો ભાસ થાય છે. આગળના નવરંગમાં 46 સ્તંભો કરેલા છે, જે પૈકીના 42ની રચના બિલકુલ ભિન્ન પ્રકારની છે. પ્રત્યેક સ્તંભ સ્વયંસંપૂર્ણ હોવા ઉપરાંત મૌલિક વિશેષતા પણ ધરાવે છે. નવરંગમાં એક વિશિષ્ટ સ્તંભ નજરે પડે છે, તેને નૃસિંહ સ્તંભ કહેવામાં આવે છે. આ સ્તંભની રચના એવા પ્રકારે કરી છે કે તેને પોતાની ધરી પર ફેરવી શકાય.

બેલુરનાં શિલ્પો પૈકી વેણુગોપાલ અને ગોવર્ધનધારી કૃષ્ણનાં શિલ્પો અતિ પ્રસિદ્ધ છે. મંદિર બંધાવનાર હોયસળ રાજા વિષ્ણુવર્ધન અને તેની રાણી શાંતલાનું ઉચ્ચમૂર્ત શિલ્પ પણ આકર્ષક છે.

ચેન્નાકેશવ મંદિર, બેલુર

પ્રવીણચંદ્ર પરીખ