બેલુર (Belur) : કર્ણાટક રાજ્યના હસન જિલ્લાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 13° 08´ ઉ. અ. અને 75° 15´ પૂ. રે. તેની વાયવ્યમાં 70 કિમી. અંતરે ચિકમગલુર, અગ્નિકોણમાં 50 કિમી. અંતરે હસન અને પશ્ચિમે 200 કિમી. અંતરે મેંગલોર શહેર આવેલાં છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : બેલુરનો પ્રદેશ પશ્ચિમઘાટની હારમાળામાં આશરે 600 મીટરની ઊંચાઈ ધરાવતી ગ્રૅનાઇટ ખડકોની ડુંગરધારોથી બનેલો છે. અહીંની આજુબાજુની ભૂમિ રાતી કાંપવાળી છે. આ પ્રદેશ પશ્ચિમઘાટની વર્ષાછાયાના વિભાગમાં આવેલો હોવા છતાં પ્રાદેશિક ઢોળાવને કારણે કાવેરીની પ્રશાખાઓ અહીંથી પસાર થાય છે.

બેલુર યોગાશી નદીને કિનારે વસેલું છે, બેલુરની દક્ષિણે હેમવતી નદી પણ વહે છે. આ બંને નદીઓ અગ્નિ દિશા તરફ વહીને તેમના હેઠવાસમાં કાવેરીને મળે છે. અહીંની આબોહવા ઋતુભેદે ઉષ્ણકટિબંધીય ભેજવાળી તેમજ સૂકી રહે છે; અહીંનું સરેરાશ વાર્ષિક તાપમન 22° સે. જેટલું રહે છે; જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 20°થી 22° સે. તથા 20°થી 25° સે. જેટલાં રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 800થી 1,100 મિમી. જેટલો પડે છે.

ખેતી-ઉદ્યોગો : ડેક્કન ટ્રૅપ ખડકોના ધોવાણ અને ઘસારાને પરિણામે અહીંની રાતી-કાંપવાળી જમીનો ખેતી માટે ફળદ્રૂપ બની રહેલી છે. શેરડી, બાજરી, જુવાર, રાગી, કઠોળ, કૉફી, કેળાં, મરી અને સંતરાં અહીંની મુખ્ય કૃષિપેદાશો છે. ખેતી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. બેલુરની વાયવ્યમાં બાબાબુદનની ટેકરીઓ આવેલી છે, ત્યાં લોખંડની ખાણોનો ઉદ્યોગ વિકસેલો છે, કેટલાક લોકો ત્યાં મજૂરી કરીને પણ આવક મેળવે છે.

પરિવહન-પ્રવાસન : બેલુર પાકા રસ્તાઓથી હસન, ચિકમગલુર, અલુર અને મેંગલોર સાથે જોડાયેલું છે. યોગાશી નદીનો કિનારો સહેલાણીઓ માટેનું સ્થળ બની રહેલું છે. અહીં ઘણાં કલાત્મક મંદિરો આવેલાં છે, તે પૈકી રતિ-મન્મથની મૂર્તિ અદભુત રીતે કંડારાયેલી છે. અહીં ચૈત્ર સુદ પૂર્ણિમાએ ‘ચેન્નાકેશવ’ની રથયાત્રા નીકળે છે. લોકો કન્નડ અને ઉર્દૂ ભાષાનો વધુ ઉપયોગ કરે છે.

ઇતિહાસ : બેલુર એ હોયસલ સમયની પ્રાચીન નગરી છે. નજીકમાં આવેલું ચેન્નાકેશવ ભગવાનનું મંદિર તેની કલાકારીગરીને કારણે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું હતું, તેને નષ્ટ કરવા મુસ્લિમોએ પ્રયાસ કર્યો હતો.

નીતિન કોઠારી