બેલિઝ : મધ્ય અમેરિકી સંયોગીભૂમિમાં કેરિબિયન સમુદ્રકાંઠે યુકેતાન દ્વીપકલ્પના અગ્નિ કિનારા પર આવેલો નાનો દેશ. ભૌગોલિક સ્થાન : તે લગભગ 15° 55´થી 18° 30´ ઉ. અ. અને 88° 10´થી 89° 10´ પ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 22,965 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે મેક્સિકો, પશ્ચિમે અને દક્ષિણે ગ્વાટેમાલા તથા પૂર્વ તરફ કેરિબિયન સમુદ્ર આવેલા છે. તેના અગ્નિભાગમાં કેરિબિયન સમુદ્રના ભાગરૂપ હોન્ડુરાસનો અખાત છે. કેરિબિયન સમુદ્રકિનારાની લંબાઈ આશરે 336 કિમી. જેટલી છે. કિનારાની નજીકમાં આવેલા ટાપુઓ તથા સમુદ્રખડકો(cays)નો પણ આ દેશમાં સમાવેશ થાય છે.

ભૂપૃષ્ઠ : બેલિઝનો સમુદ્રક્ધિાારા પરનો મોટાભાગનો વિસ્તાર નીચો તથા કળણભૂમિવાળો છે. ઑસ્ટ્રેલિયાની ‘ગ્રેટ બેરિયર રીફ’ પછીના ક્રમે ગણાતો દુનિયાભરનો અવરોધક પ્રવાળખડકોનો લાંબો ખરાબો અહીં આવેલો છે, તેને હજી સુધી નામ અપાયું નથી. દક્ષિણ તરફ અંદરના ભૂમિભાગમાં જતાં ભૂપૃષ્ઠ ધીમે ધીમે ઊંચાઈ પ્રાપ્ત કરતું જાય છે અને મય પર્વતોનાં શિખરોમાં ફેરવાય છે. તેનાં ‘ડેલ કૅરમૅન’ તથા ‘વિક્ટોરિયા પીક’ શિખરો અનુક્રમે 1,122 મીટર અને 1,112 મીટર ઊંચાઈ ધરાવે છે. પૂર્વના દરિયાકાંઠે મેદાનો પથરાયેલાં છે. ઉત્તરની નીચાણવાળી ભૂમિમાં સરોવરો, પંક તથા મંદગતિથી વહેતી નદીઓ જેવી લાક્ષણિકતાઓ જોવા મળે છે. દેશના પશ્ચિમથી પૂર્વ તરફ વહીને પસાર થતી 290 કિમી. લાંબી બેલિઝ નદી અહીંનો મુખ્ય જળમાર્ગ ગણાય છે. આ ઉપરાંત હોન્ડા, ન્યૂ, સિબન અન્ય મુખ્ય નદીઓ છે તે ઈશાન તરફ વહીને કેરિબિયન સમુદ્રને મળે છે. ઉત્તર વિભાગ સામાન્યપણે સપાટ ભૂમિ ધરાવે છે. દેશમાં જંગલ-વિસ્તાર પણ પ્રમાણમાં મોટો છે; પરંતુ લાકડાં તથા અન્ય વન્ય પેદાશો મેળવવા જંગલોનો મોટો ભાગ કાપી નાખવામાં આવેલો છે.

બેલિઝ દેશનું એ જ નામ ધરાવતું પ્રમુખ બંદર

આબોહવા : બેલિઝમાં ગરમ, ભેજવાળી, અયનવૃત્તીય આબોહવા પ્રવર્તે છે. અહીં લગભગ બારેમાસ સરેરાશ તાપમાન 26° સે. જેટલું રહે છે. કિનારા નજીક તાપમાનનો ગાળો 15.6°થી 32° સે. વચ્ચેનો રહે છે, પરંતુ અંદર તરફના ભાગોમાં તાપમાન ઊંચું જાય છે. ઊંચાઈ ધરાવતા પહાડી પ્રદેશમાં નરમ આબોહવા માનવવસવાટ માટે અનુકૂળ બની રહે છે. ઈશાનકોણી વ્યાપારી  પવનો જૂનથી જાન્યુઆરીના સમયગાળામાં વરસાદ આપે છે. ત્યારે અહીંની આબોહવા ગરમ ભેજવાળી અને રોગિષ્ઠ બની રહે છે, પરંતુ ફેબ્રુઆરીથી મેના સમયગાળામાં હવામાન આરોગ્યપ્રદ રહે છે. ઉત્તર તરફ સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 1,250થી 1,300 મિમી. જેટલું રહે છે, જે દક્ષિણ તરફ વધતું જઈને 3,800 મિમી.થી 4,600 મિમી. સુધી પહોંચે છે. ક્યારેક આવી જતાં હરિકેન (દરિયાઈ વાવાઝોડાં) કિનારા નજીક ત્રાટકે છે અને નુકસાન કરી જાય છે.

અર્થતંત્ર : ગરમ અને ભેજવાળી આબોહવાને લીધે દેશના અર્ધાથી વધુ વિસ્તારમાં જંગલો છવાયેલાં છે, તેથી દેશનું અર્થતંત્ર વનસંપત્તિ પર આધારિત છે. જંગલોમાંથી વ્યાપારી ધોરણે મેહોગની, લૉગવુડ, આયર્નવુડ, ચેચેમ, રોઝવુડ, સાન્તા મારિયા, સિડ્રેલા તથા પાઇનનાં લાકડાં આપે છે. જંગલોમાંથી અન્ય વન્ય પેદાશો પણ મળે છે. ઇમારતી લાકડાંની નિકાસ કરવામાં આવે છે.

દેશનો માત્ર 2 % ભૂમિવિસ્તાર ખેતી હેઠળ છે. ક્ધિાારાનાં મેદાનોમાં તેમજ નદીખીણોમાં શેરડી, ડાંગર, મકાઈ, કઠોળ, કેળાં, ખાટાં ફળોની ખેતી થાય છે. દેશના આંતરિક ભાગો પશુવાડા ધરાવે છે. કેરિબિયન સમુદ્રમાંથી શંખલાં, સાંઢિયો, શ્રીંપ મત્સ્ય મળી રહે છે

દેશમાં નાના પાયા પર કેટલાક ઉદ્યોગો વિકસ્યા છે. અન્ય દેશો (lobster) તરફથી વિકાસ માટે ઘણી સહાય મળે છે. અહીંની સરકાર લોકોને નોકરીઓ મળી રહે તે હેતુથી વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપે છે. અહીં લાકડાં કાપવાનો તથા વહેરવાનો મિલઉદ્યોગ અગ્રસ્થાને છે. બેલિઝ સિટીમાં ઉપભોક્તા ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતાં નાના પાયા પરનાં અનેક કારખાનાં આવેલાં છે. સ્ટૅનક્રીક નદીખીણ ફળોના રસ અને મુરબ્બાને વાતશૂન્ય ડબ્બાઓમાં પૅક કરવાના એકમો ધરાવે છે. શ્રીંપ મત્સ્ય અને સાંઢિયાનું પ્રક્રમણ થાય છે. આ ઉપરાંત ખાંડનાં કારખાનાં, પોશાકો, સિમેન્ટ તથા ઈંટોના એકમો પણ વિકસ્યા છે

મેક્સિકો અને ગ્વાટેમાલા જેવા પડોશી દેશોની જેમ આ દેશમાં પણ મય સંસ્કૃતિના અવશેષો ધરાવતાં કેટલાંક સ્થળો આવેલાં છે, ત્યાં પ્રવાસીઓની અવરજવર રહે છે. પ્રવાસન-ઉદ્યોગને વેગ મળી રહે તે માટે અહીં હોટેલો તથા અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

પરિવહન : પહાડી ભૂપૃષ્ઠ, જંગલો તથા પંકવિસ્તારોને લીધે આ દેશમાં જરૂરી પરિવહન-વિકાસ સધાયો નથી, તેમ છતાં બધી ઋતુઓમાં ઉપયોગી થાય એવા આશરે 2,637 કિમી. લંબાઈના સડકમાર્ગો આવેલા છે. બેલિઝ સિટી અને સ્ટૅનક્રીક એ બે મુખ્ય બંદરો છે. બેલિઝ સિટી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવે છે.

વસ્તી-વસાહતો : મધ્ય અમેરિકી દેશોમાં બેલિઝ ઓછી વસ્તી ધરાવતો દેશ છે. 1996 મુજબ આ દેશની વસ્તી લગભગ 2,30,000 જેટલી છે. દેશની 50 % વસ્તી કિનારા નજીકના વિસ્તારોમાં રહે છે. અહીં જુદી જુદી જાતિઓની મિશ્ર વસ્તી છે. 63 % ક્રિયોલ (નિગ્રો-મુલેટો જાતિઓનું મિશ્રણ), 17 % અમેરિન્ડિયન, 10 % કૅરિબ અને બાકીના યુરોપીય, ભારતીયો, ચીનાઓ તથા લેબેનોનવંશીઓ છે. અમેરિન્ડિયન લોકો મુખ્યત્વે મય અને કેકચી પેટાજાતિના છે. તેઓ દેશના અંતરિયાળ ભાગોમાં આવેલા અનામત-વિસ્તારોમાં વસે છે.

દેશની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. તેનો જ વધુ ઉપયોગ થાય છે. સ્પૅનિશ ભાષા બીજા ક્રમે આવે છે. વ્યવહારમાં આ બંને ભાષાઓ વપરાય છે. કેટલાક મય ભાષા પણ બોલે છે. દેશના આશરે 60 % લોકો રોમન કૅથલિક છે; બાકી પૈકી ઘણાખરા પ્રોટૅસ્ટંટપંથી છે. દેશની 50 % વસ્તી શહેરી અને 50 % વસ્તી ગ્રામીણ છે. શહેરોમાં બેકારીનું પ્રમાણ વધુ છે. મોટાભાગના નિવાસીઓ ગરીબ છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેતીનું પ્રમાણ તદ્દન ઓછું હોવાથી ગરીબી દેશની મોટી સમસ્યા બની રહી છે.

6થી 14 વર્ષ વચ્ચેનાં બાળકો માટે શિક્ષણ તથા શાળાહાજરી ફરજિયાત છે. ઉચ્ચ શિક્ષણ માટે અહીં ચાર કૉલેજો છે. દેશમાં ટૅકનિશિયનો તથા ડૉક્ટરોનું પ્રમાણ મર્યાદિત છે; તેમ છતાં જેઓ આ ક્ષેત્રમાં આગળ આવે છે તેઓ અહીંની બેકારીને કારણે વિદેશોમાં ચાલ્યા જાય છે.

અહીં 50 % જેટલી વસ્તી સમુદ્રકિનારે આવેલાં બેલિઝ સિટી, કોરોઝાલ, સ્ટૅનક્રીક અને પુન્તાગોર્ડા જેવાં બંદરોમાં અને બાકીની વસ્તી પાટનગર બેલ્મોપાન તથા પહાડી  ઢોળાવો પર વસે છે. ઈ. સ. 1961માં પાટનગર બેલિઝ સિટીમાં હરિકેનથી જાનમાલની ભારે ખુવારી થવાથી 1970માં ત્યાંથી પાટનગરના સ્થળને ખેસવીને અંદર તરફ આવેલા ધોરી માર્ગોના જોડાણવાળા બેલ્મોપાનમાં લઈ જવામાં આવ્યું છે.

વહીવટ : આ દેશમાં સંસદીય લોકશાહી પદ્ધતિ મુજબ બંધારણીય રાજાશાહી વ્યવસ્થા અસ્તિત્વ ધરાવે છે. બેલિઝ રાષ્ટ્રોના કૉમનવેલ્થનું સભ્ય પણ છે. વડાપ્રધાન સરકારના વડા તરીકે વહીવટ સંભાળે છે. 10 કૅબિનેટ પ્રધાનો વડાપ્રધાનને વહીવટમાં મદદ કરે છે. 28 સભ્યો ધરાવતી નૅશનલ એસેમ્બ્લી તથા 8 સભ્યોની સેનેટ હોય છે. તે દેશના કાયદા ઘડે છે.  લોકો આ સભ્યોને ચૂંટી કાઢે છે, બહુમતી ધરાવતા પક્ષમાંથી વડાપ્રધાન બને છે. ગવર્નર જનરલ બ્રિટિશ રાજાશાહીનું પ્રતિનિધિત્વ કરે છે, તે 8 સેનેટરોની નિમણૂક કરે છે, તે પૈકીના પાંચ બહુમતીધારક પક્ષમાંથી, બે ગૌણ પક્ષોમાંથી અને એક ગવર્નર જનરલની સલાહકાર સમિતિ તરફથી નિમણૂક પામે છે.

ઇતિહાસ : યુકેતાન દ્વીપકલ્પના ઉત્તર ભાગમાં જ્યાં આજે બેલિઝ આવેલું છે ત્યાં ઈ. પૂ. 1500થી ઈ. સ. 300 વચ્ચેના ગાળામાં ઇન્ડિયન મય સંસ્કૃતિ વિકસેલી હતી. આ સંસ્કૃતિ વિકસતી રહીને ઈ. સ. 900–1000 સુધી પ્રવર્તમાન રહી. છઠ્ઠી સદીના અરસામાં જ્યારે આ સંસ્કૃતિ તેની સમૃદ્ધિની ચરમ સીમા પર હતી ત્યારે અહીં 25,000 જેટલી વસ્તી હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

સોળમી સદીના પ્રારંભમાં સ્પેનવાસીઓ અહીંના કિનારાના વિસ્તારમાં આવ્યા ત્યાં સુધીના સમયના અહીંના લોકજીવન વિશે ઇતિહાસકારો બહુ જ ઓછી માહિતી ધરાવે છે. 1520ના  દાયકામાં સ્પેનના લોકો અહીં આવ્યા અને આ વિસ્તાર પર પોતાનો દાવો કર્યો, પણ વસવાટનો પ્રયાસ ન કર્યો. તેમણે બેલિઝને ગ્વાટેમાલાનો ‘કૅપ્ટન્સી જનરલ’નો એક ભાગ બનાવ્યું, પરંતુ આ વિસ્તાર પર સ્પેને શાસન  માટે કોઈ ખાસ પ્રયત્ન કર્યો નહિ. તેથી 1638માં અહીં આવેલા બ્રિટિશ નાવિકોએ બેલિઝ સિટીના સ્થળે પ્રથમ યુરોપીય વસાહત સ્થાપી દીધી અને ધીમે ધીમે પોતાનો કાબૂ જમાવતા ગયા. શરૂઆતમાં કિનારા નજીકનાં જંગલોમાંથી કાપડ રંગવા માટેનો રંગ (dye) મળી રહે એવી વનસ્પતિ અને પછીથી મેહોગની તેમજ અન્ય ઇમારતી લાકડાં કાપવાનું કામ ચાલુ રાખ્યું. 1798માં અંગ્રેજોને અહીંથી હઠાવવા માટે સ્પેનના લોકોએ ઘણા નિષ્ફળ પ્રયાસો અને જુલમો કર્યા. કિનારાનાં જંગલો ખલાસ થવાથી વસાહતીઓ અંદરના ભાગોમાં વસતા ગયા, પરંતુ ત્યાં વસતા ઇન્ડિયનો સાથે સંઘર્ષો થયા. લાકડાં કાપવાની પ્રવૃત્તિ સાથે ગુલામોની પ્રથા પણ સંકળાયેલી હતી. પરંતુ વેસ્ટ ઇન્ડિઝની શેરડીની બાગાયતોના નિગ્રો ગુલામો કરતાં અહીંના નિગ્રો ગુલામોની સ્થિતિ એકંદરે સારી હતી. 1838માં આ ગુલામીની પ્રથા છેવટે નાબૂદ થઈ.

1862માં બ્રિટને તેને બ્રિટિશ હૉન્ડુરાસની કૉલોની તરીકે નામ આપ્યું અને 1964માં સ્વશાસિત પ્રદેશ ઘોષિત કરીને બ્રિટનનું ‘સીધી સત્તા હેઠળનું સંસ્થાન’ (crown colony) બનાવી દીધું. બ્રિટન અને ગ્વાટેમાલા વચ્ચે થયેલા 1859ના કરારની શરતોનો ભંગ થતાં ગ્વાટેમાલાએ તેના પર પોતાનો હક-દાવો રજૂ કર્યો. 1973માં બ્રિટિશ હૉન્ડુરાસ નામ બદલીને બેલિઝ પાડ્યું. 1981ના સપ્ટેમ્બરની 21મી તારીખે તે સ્વતંત્ર બનતાં ‘બેલિઝ’ નામથી જાણીતું બન્યું. ગ્વાટેમાલાએ બેલિઝની સ્વતંત્રતા માટે ખૂબ જ વિરોધ કરેલો અને 1983 સુધી તેણે આ દેશ પર પોતાનો દાવો ચાલુ રાખેલો.

શરૂઆતમાં બેલિઝની સરહદોના રક્ષણ માટે બ્રિટિશ લશ્કર રાખવામાં આવતું હતું; પરંતુ 1990થી બેલિઝ-ગ્વાટેમાલા વચ્ચેના સંબંધો સુધરતાં 1994થી અહીંથી લશ્કરને ઉઠાવી લેવાયું છે. આજે તે એક સ્વતંત્ર દેશ તરીકેનો દરજ્જો ભોગવે છે.

બેલિઝ સિટી : બેલિઝ દેશનું સૌથી મોટું શહેર તથા ત્યાંનું 1970 સુધીનું પાટનગર. તે બેલિઝના દરિયાકાંઠે વસેલું છે. તે મત્સ્યપ્રવૃત્તિ તથા વહાણવટાનું મુખ્ય મથક છે. દેશનું અગત્યનું બંદર હોવાથી અહીંથી લાકડાં, નાળિયેર, કેળાં, ખાટાં  ફળો, ખાંડ તથા લૉબ્સ્ટરની નિકાસ થાય છે. દેશની કુલ વસ્તીના 25 % જેટલા લોકો આ શહેરમાં રહે છે.

સત્તરમી સદીના બીજા ચરણમાં અંગ્રેજો લાકડાં મેળવવા માટે આ સ્થળે આવીને વસ્યા. 1803માં બંધાયેલા ‘ફૉર્ટ જ્યૉર્જ’ કિલ્લો હજી આજે પણ અહીં જોવા મળે છે. 1961માં આ શહેર પર ફૂંકાયેલા હરિકેનથી શહેરનો મોટો ભાગ તારાજ થઈ ગયેલો. 300 લોકો મૃત્યુ પામેલા અને હજારો ઘરવિહીન થઈ ગયેલા. આ કારણે 1970માં પાટનગરના અહીંના સ્થાનને ખેસવીને અંદરના ભૂમિભાગમાં આવેલા બેલ્મોપાન ખાતે લઈ જવાયું છે. આજે આ શહેર બંદરી સેવાઓ આપે છે.

બીજલ પરમાર