બેલારુસ (બાઇલોરશિયા) : અગાઉના સોવિયેત સંઘ- (યુ.એસ.એસ.આર.)ના તાબામાંથી અલગ થતાં સ્વતંત્ર બનેલું પૂર્વ યુરોપનું રાષ્ટ્ર. સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક સંઘનાં રશિયા સહિતનાં 15 ઘટક રાજ્યો પૈકીનું ત્રીજા ક્રમે આવતું સ્લાવિક રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 51° 30´થી 56° 10´ ઉ. અ. અને 23° 30´થી 32° 30´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલું છે. અગાઉ (1919થી 1991 સુધી) તે ‘બાઇલોરશિયા’ કે ‘શ્વેત રશિયા’ નામથી ઓળખાતું હતું; પરંતુ 19 સપ્ટેમ્બર 1991ના રોજ યુનાઇટેડ નેશન્સને જાણ કરીને બેલારુસ અથવા બેલારુસનું પ્રજાસત્તાક નામ રાખ્યું છે. પૂર્વ યુરોપમાં તે ‘બેલોરશિયા’ કે ‘બાઇલોરુસ’ નામથી પણ જાણીતું છે. 1991માં સોવિયેત સંઘમાં થયેલી પ્રાદેશિક વિભાજનની ઊથલપાથલ દરમિયાન બાઇલોરશિયાએ પોતાના વિસ્તારને સ્વતંત્ર જાહેર કરી દીધો; પરંતુ સાથે સાથે અગાઉના સોવિયેત પ્રજાસત્તાક સમવાયતંત્રમાં એક ભાગરૂપ રહેવા માટે સંમતિ પણ દર્શાવી. તે યુનોનું અધિકૃત સભ્ય પણ બન્યું છે.

બેલારુસની ઉત્તર અને વાયવ્યમાં લૅટવિયા-લિથુઆનિયા, પૂર્વ અને ઈશાનમાં રશિયા, અગ્નિ, દક્ષિણ અને નૈર્ઋત્યમાં યુક્રેન તથા પશ્ચિમે પોલૅન્ડની સરહદો આવેલી છે. તેનો કુલ વિસ્તાર આશરે 2,07,600 ચોકિમી. જેટલો અને વસ્તી આશરે 1 કરોડ 3 લાખ 32 હજાર (1995) જેટલી છે. મિન્સ્ક (53° 56´ ઉ. અ. અને 27° 30´ પૂ. રે.) તેનું પાટનગર છે.

પ્રાકૃતિક રચના-જળપરિવાહ : દેશનો 50 %થી વધુ ભૂમિભાગ નીચાં સપાટ મેદાનોનો બનેલો છે. આ મેદાનો પ્લાયસ્ટોસીન કાલખંડ દરમિયાન થયેલી હિમનદીજન્ય નિક્ષેપરચનાથી બનેલાં છે. મેદાનોની વચ્ચે વચ્ચે 200 મીટરથી વધુ ઊંચાઈના પહાડી પ્રદેશો આવેલા છે. અહીં બેલોરશિયન ડુંગરધાર ઈશાન ખૂણાથી મિન્સ્ક સુધી લંબાયેલી છે, તેનું સર્વોચ્ચ શિખર ‘ઝેરઝિન્સ્કાયા’ (Dzerzhinskaya) માત્ર 345 મીટરની ઊંચાઈ ધરાવે છે. દેશનું 10 % જેટલું દક્ષિણ તરફનું ભૂપૃષ્ઠ પ્રિપ્યાત નદીએ રચેલી વિશાળ પંકભૂમિથી તથા જંગલથી છવાયેલું છે.

દ્વિતીય વિશ્વવિગ્રહ દરમિયાન સારા પ્રમાણમાં તારાજ થયા બાદ પુનર્નવીકરણ પામેલું મિન્સ્ક

આ દેશમાં આશરે 20,800 જેટલાં નાનાંમોટાં ઝરણાં તથા નદીનાળાં છે, તેમની સામૂહિક લંબાઈ 90,600 કિમી. જેટલી થાય છે. આ ઉપરાંત લગભગ 10,800 જેટલાં નાનાં-મોટાં સરોવરો પણ આવેલાં છે, તે પૈકી આશરે 80 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતું નારોચ સરોવર સૌથી મોટું છે. દેશનો સમગ્ર વિસ્તાર વાયવ્ય તરફ બાલ્ટિક સમુદ્ર અને અગ્નિકોણ તરફ કાળા સમુદ્ર વચ્ચે વહેતી અને તેમાં જળ ઠાલવતી વેસ્ટર્ન ડિવીના, બેરેઝિના, નીપર, પ્રિપ્યાત, નેમન, બગ તથા સોઝ નદીઓની આસપાસ પથરાયેલો છે. વેસ્ટર્ન ડિવીના દેશના ઉત્તર ભાગમાં થઈને વહે છે અને બાલ્ટિક સમુદ્રને મળે છે. પશ્ચિમમાં નેમન તેમજ દૂર  નૈર્ઋત્યમાં બગ નદીની ઉપનદી મુખાવેટ્સ પણ બાલ્ટિક સમુદ્રને મળે છે. દેશના દક્ષિણ અને મધ્ય ભાગમાંથી પસાર થતી નીપર તથા તેની ઉપનદીઓ – બેરેઝિના, પ્રિપ્યાત તથા સૉઝ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. વધુ આગળ જતાં નીપર નદી કાળા સમુદ્રને મળે છે. સામાન્ય રીતે આ બધી નદીઓ ડિસેમ્બરથી માર્ચના અંત સુધી થીજેલી રહે છે. આ પૈકીની મોટા ભાગની નદીઓ ઉત્તર-દક્ષિણના પ્રદેશોના માલસામાનની, વિશેષે કરીને લાકડાંની, હેરફેર માટે ઉપયોગી બની રહેલી છે.

આબોહવા : આ દેશ વિષમ પ્રકારની ખંડીય આબોહવા ધરાવે છે. આ વિસ્તારની આબોહવા પર મુખ્યત્વે બાલ્ટિક સમુદ્રની અને અમુક અંશે ઍટલાન્ટિક મહાસાગરની અસર પ્રવર્તે છે, તેથી તેની આબોહવા નરમ બને છે. અહીંની આબોહવા ઠંડા શિયાળા, નરમ ઉનાળા અને મધ્યમસરના વરસાદની લાક્ષણિકતા ધરાવે છે. જાન્યુઆરીનું સરેરાશ તાપમાન –7° સે. રહે છે, પરંતુ સ્થાનભેદે નૈર્ઋત્ય ભાગોમાં તે –4° સે.થી લઈને ઈશાન ભાગોમાં –8° સે. જેટલું થાય છે. નૈર્ઋત્યમાં વર્ષના  170થી વધુ દિવસો તેમજ ઈશાનમાં 130થી વધુ દિવસો હિમમુક્ત રહે છે. જુલાઈનું સરેરાશ તાપમાન 17° સે.થી 19° સે. રહે છે. મેદાનો અને ટેકરીઓ પર સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 533 મિમી.થી માંડીને 693 મિમી. વચ્ચેનું રહે છે. વર્ષનો મોટાભાગનો વરસાદ જૂનથી ઑગસ્ટ દરમિયાન પડી જાય છે.

વનસ્પતિજીવન : બેલારુસ મિશ્ર જંગલોનો પ્રદેશ છે. દેશનો આશરે 30 % જેટલો ભાગ જંગલોથી છવાયેલો છે. સ્કૉચ પાઇન અને સ્પ્રૂસનાં શંકુદ્રુમ વૃક્ષો ઉત્તર તરફ વધુ પ્રમાણમાં છે; જ્યારે બર્ચ, ઍલ્ડર, આસ્પેન-ઓક અને હૉર્નબીમ દક્ષિણ તરફ વધુ મળે છે. સ્કૉચ પાઇન ઇમારતી લાકડાં માટે, સ્પ્રૂસ માવો બનાવવા માટે, બર્ચ, ઍલ્ડર અને ઓક પ્લાયવુડ તેમજ વિનિયર માટે તથા આસ્પેન દીવાસળી માટે ઉપયોગમાં લેવાય છે. અહીંનાં જંગલો, નદીઓ તથા સરોવરો અનેક પ્રકારની જીવસૃષ્ટિનું આશ્રયસ્થાન બની રહેલાં છે. બેલારુસ અને પોલૅન્ડ વન્યજીવન-જાળવણીમાં સહભાગી બની રહેલાં છે. આજે લગભગ વિલુપ્ત થતા જતા યુરોપિયન જંગલી બળદ (bison) ટકી રહે તે માટે પૂરતું ધ્યાન અપાય છે.

જમીનો અને ખેતી : અહીંના ઊંચાણવાળા ભાગોમાં તથા હિમ અશ્માવલીવાળા ભાગોમાં માટીયુક્ત ગોરાડુ જમીનો અને મધ્યમ ફળદ્રૂપતા ધરાવતી પોડસોલ પ્રકારની જમીનો છે. ટેકરીઓના ઢોળાવો પર તથા થાળાંઓમાં રેતાળ અને રેતાળ-ગોરાડુ જમીનો છે. ઊંચી ટેકરીઓવાળા ભાગોમાં પવનનિર્મિત બારીક માટીકણોવાળી જમીનો આવેલી છે. પોડસોલ પ્રકારની જમીનોને ખેતીયોગ્ય બનાવવા તેમાં ચૂનો તથા ખાતરો ઉમેરવામાં આવે છે અને સિંચાઈની મદદથી વધુ ઉત્પાદન લેવાય છે. કુલ જમીનોનો 33 % ભાગ ખેતી હેઠળ છે, 20 % ભૂમિ ગોચરો માટે તથા ઢોરોના ખોરાક માટે સૂકું ઘાસ તૈયાર કરવામાં વપરાય છે.

આ દેશમાં મિશ્ર ખેતીપદ્ધતિ પ્રચલિત છે. રાજ્યનો ખેડાણયોગ્ય વિસ્તાર મર્યાદિત છે; જ્યારે ગ્રામીણ પ્રજાની જનસંખ્યા વધુ છે, તેથી વધુ ભૂમિને નવસાધ્ય કરવામાં આવે તો તેને ખેતી હેઠળ લઈ શકાય, બેકારીને પ્રવૃત્તિમાં ફેરવી શકાય, વધુ પેદાશોની ઊપજ લઈ શકાય. સમગ્ર સોવિયેત સંઘમાં થતો ફ્લેક્સ(રેસા)નો 10 % ભાગ બેલારુસમાં ઉત્પન્ન થાય છે, તેથી ફ્લેક્સની ખેતી પર અને તે સાથે પશુસંવર્ધન પર વધુ ધ્યાન અપાય છે. હલકી કક્ષાનું શણ (ભીંડી) પણ અહીં ઉગાડાય છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં રાય, જવ, ઘઉં, બકવ્હીટ (ઘઉં સમકક્ષ અનાજ), ઓટસ, બટાટા તથા શણનો સમાવેશ થાય છે. સોવિયેત સંઘના પ્રદેશો પૈકી બેલારુસ વધુ પ્રમાણમાં સૂવર(hog)નો ઉછેર કરે છે. બટાટા સ્ટાર્ચ-ઉદ્યોગ, આલ્કોહૉલ તથા સૂવરોના ખોરાક માટે ઉપયોગમાં લેવાય છે. લોકો તેમના રોજિંદા ખોરાકમાં પણ રાયના અનાજનો અને બટાટાનો ઉપયોગ કરે છે. મિન્સ્કની આજુબાજુના ભાગોમાં ડેરીઉદ્યોગ તેમજ ફળો અને શાકભાજીની ખેતી મહત્વ ધરાવે છે.

ખનિજ સંપત્તિ : આ દેશ ચૂનાખડકો, કાચ માટે ક્વાર્ટ્ઝ રેતી, પીટ (કનિષ્ઠ કોલસો), પોટૅશિયમના ક્ષારો, ખનિજ તેલ જેવી ખનિજસંપત્તિ ધરાવે છે. જોકે પશ્ચિમ સાઇબીરિયામાં પાઇપલાઇન મારફતે મેળવાતા ખનિજ તેલ-વાયુ દ્વારા તાપવિદ્યુતનું ઉત્પાદન કરવામાં આવે છે. વળી આ ખનિજ તેલને રિફાઇનરીઓમાં લાવવામાં આવે છે.

બેલારુસનો 33 % ભૂમિભાગ, ખાસ કરીને દક્ષિણનો પ્રિપ્યાત પંકભૂમિવિસ્તાર, પીટ અને કળણથી છવાયેલો છે. રાજ્ય તરફથી કળણ દૂર કરવાની યોજના અમલમાં મુકાઈ છે; જેથી ભૂમિને નવસાધ્ય કરી વધુ જમીન ખેતી હેઠળ લાવી શકાય, તે ઉપરાંત નદીપ્રવાહો નિયંત્રિત થશે. પીટ અહીંની મુખ્ય ખનિજ સંપત્તિ ગણાય છે, તેનો અનામત જથ્થો કરોડો ટનનો છે. તે ઊર્જા-ઉત્પાદન માટે, ખાતરો બનાવવા માટે, ઢોરોનાં મળમૂત્રના નિકાલમાં પાથરવા, રાસાયણિક ઉદ્યોગમાં કાચા માલ તરીકે તેમજ ઘરવપરાશના ઇંધન માટે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત અહીં ખડી (ચૉક) અને મૃદ જેવી ખનિજપેદાશો પણ મળે છે. NaCl અને KClના વિશાળ જથ્થા મોઝીરથી ઈશાનમાં તથા સ્ટૅરોબીન નજીક મળે છે.

ઉદ્યોગો : આ દેશ મોટા પાયા પરના અનેક ઉદ્યોગો ધરાવે છે. મિન્સ્કમાં ભારે વાહનો, ખેતીનાં ઓજારો, ટ્રૅક્ટરો વગેરે; ઝોડીનો ખાતે ડમ્પ-ટ્રક; મોગીલ્યોવ ખાતે ધાતુ કાપવાનાં મશીન-ટૂલ્સ અને બૉલબેરિંગ; નોવો પોલોત્સ્ક તથા મોઝીર ખાતે રિફાઇનરી તથા પેટ્રોરસાયણ-ઉદ્યોગો તેમજ સોલીગોર્સ્ક ખાતે પૉટાશ ખાતરનાં કારખાનાં છે. ગ્રોડનો ખાતે કુદરતી વાયુના ઉપયોગથી નાઇટ્રોજન ખાતરોનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત અહીં રેડિયો, ટેલિવિઝન, ઘડિયાળો, સાઇકલ, કમ્પ્યૂટરો, રાચરચીલું, દીવાસળી, કાગળ, કાપડ, કપડાં, લાકડાં, ખાદ્યપ્રક્રમણ વગેરેને લગતા અનેક ઉદ્યોગો પણ છે.

પરિવહન : બેલારુસ ઉત્તમ કક્ષાની રેલ પરિવહન-સેવા ધરાવે છે. અહીં રેલમાર્ગો બધી દિશાઓમાં ફેલાયેલા છે, તેથી આ દેશ બર્લિન, વૉર્સો, મૉસ્કો, પીટર્સબર્ગ, કીવ વગેરે સાથે સંકળાયેલો રહે છે. મિન્સ્ક પૂર્વ-પશ્ચિમ ધોરી માર્ગથી જોડાયેલું છે. પશ્ચિમ ડિવીના તથા નીપર નદીના જળમાર્ગો દેશ માટે ઉપયોગી બની રહ્યા છે. મુખાવેટ્સ તથા પ્રિપ્યાત નદીઓને જોડતી નહેરોમાં જહાજસેવાઓ ચાલે છે. આ નહેરથી બાલ્ટિક સમુદ્ર અને કાળો સમુદ્ર અન્યોન્ય સંકળાયેલા રહે છે. મિન્સ્ક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવે છે.

વસ્તી-વસાહતો : બેલારુસની વસ્તી 1,03,32,000 (1995) જેટલી છે. અહીં જાતિગત બેલારશિયન લોકોનું પ્રમાણ 80 % જેટલું છે. તેઓ રશિયન-યુક્રેનિયન ભાષાઓને મળતી આવતી પૂર્વ-સ્લાવિક ભાષા બોલે છે. બાકીના 20 % લોકો રશિયન, યહૂદી, પોલિશ અને યુક્રેનિયન છે. મોટાભાગની વસ્તી મૂળ ખ્રિસ્તી ધર્મના રૂઢિચુસ્તોની છે; બાકીના રોમન કૅથલિક, કૅથલિકતરફી રૂઢિચુસ્તો તથા યહૂદીઓ છે. અહીં શિક્ષણ-સંસ્થાઓનું પ્રમાણ પણ સારું છે.

પાટનગર મિન્સ્ક અત્યંત ઝડપી વિકાસ પામતું જતું દેશનું મુખ્ય શહેર તથા ઔદ્યોગિક મથક છે. દેશની મોટાભાગની રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક વગેરે પ્રવૃત્તિઓનું તે મુખ્ય મથક છે. આ ઉપરાંત ગોમેલ, મોગીલેવ, બ્રેસ્ટ, વાઇટેબ્સ્ક, ગ્રોડનો બીજી અગત્યની શહેરી વસાહતો છે. 60 % વસ્તી શહેરી અને 40 % ગ્રામીણ છે.

ઇતિહાસ : ઈ.સ.ની છઠ્ઠી અને આઠમી સદીના ગાળા દરમિયાન આ પ્રદેશમાં સ્લાવિક જાતિઓ વસવાટ કરતી હતી. નવમી સદીના મધ્ય-ભાગમાં નાનાં નાનાં સ્થાનિક રાજ્યો (જાગીરો) કીવ મુખ્ય મથકવાળા રશિયન તાબા હેઠળ આવ્યાં. 1240માં મૉંગોલોએ કીવને જીતી લીધું; પરંતુ બાઇલોરશિયાનો મોટો ભાગ લિથુઆનિયા પાસે રહ્યો. આમ બાઇલોરશિયનોએ વાસ્તવિક રીતે સ્વાયત્તતા પ્રાપ્ત કરી. 1386માં જાગીલન (Jagiellon) રાજવંશના શાસનમાં લિથુઆનિયા સાથે પોલૅન્ડનું જોડાણ થયું, તેથી બાઇલોરશિયામાં મુખ્યત્વે પોલિશભાષી રોમન કૅથલિક વર્ગના જાગીરદારોનો ઉદય થયો. એ વખતે અહીં ખાસ કરીને રશિયન રૂઢિચુસ્તતાને વળગી રહીને ખેતી-પ્રવૃત્તિ થતી હતી, પણ સોળમી સદીમાં ખેડૂતોની ગુલામ જેવી હાલતમાં સુધારો થયો.

અઢારમી સદીના ઉત્તરાર્ધમાં પોલૅન્ડનું ત્રણ ભાગોમાં વિભાજન થતાં રશિયાએ તેના ભાગે આવતો પોતાના પ્રશાસન હેઠળનો બાઇલોરશિયાનો બધો જ પ્રદેશ લઈ લીધો. ઓગણીસમી સદીની શરૂઆત સુધી તો આ પ્રદેશ આર્થિક ર્દષ્ટિએ વિકસિત ન હતો. 1918–21માં જર્મનોએ રશિયાની બૉલ્શેવિક સરકાર ધરાવતા બાઇલોરશિયાને હરાવ્યું અને પોલૅન્ડની પુનર્રચના થતાં બૉલ્શેવિકોએ બાઇલોરશિયા પોલૅન્ડને સોંપ્યું. આ દરમિયાન 1919માં બૉલ્શેવિકોએ તેમના તાબાના વિસ્તારને ‘બેલારશિયન સોવિયેત સામ્યવાદી પ્રજાસત્તાક’ (Belarussian Soviet Socialist Republic) તરીકે જાહેર કર્યું. આમ 1922માં તે સોવિયેત સંઘનો એક ભાગ બન્યું. 1930–1940 દરમિયાન તેણે ઝડપી ઔદ્યોગિક વિકાસ સાધ્યો, પણ બીજા વિશ્વયુદ્ધમાં તેને જાનમાલની ભારે ખુવારી વેઠવી પડી. 1921માં પોલૅન્ડે લઈ લીધેલો તેનો પશ્ચિમ ભાગ પરત મળ્યો. વિશ્વયુદ્ધ બાદ મિન્સ્ક એક મોટા ઔદ્યોગિક મથક તરીકે વિકાસ પામતું ગયું.

1980 પછીના દાયકાઓમાં સોવિયેત સંઘની મધ્યસ્થ સત્તા નબળી પડતાં ‘બેલારશિયન સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાકે’ (B.S.S.R.) જુલાઈ 1990માં તેના સાર્વભૌમત્વની જાહેરાત કરી અને ક્રમશ: ઑગસ્ટ 1991માં સ્વાતંત્ર્ય પણ મેળવ્યું. 1991ના ડિસેમ્બર માસમાં સોવિયેત સંઘનું વિભાજન થતાં બાઇલોરશિયા તેનાથી અલગ થયું અને એક રાષ્ટ્ર તરીકે તેણે સંપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું. તે દરમિયાન તેણે દેશનું નામ બદલીને બેલારુસ રાખ્યું, જે આજે પ્રચારમાં છે.

બીજલ પરમાર