બેલારી : કર્ણાટક રાજ્યના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 15° 0´ ઉ. અ. અને 76° 30´ પૂ. રે.ની આજુબાજુનો 9,885 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તુંગભદ્રા નદી કુદરતી રીતે જ જિલ્લાની પશ્ચિમ અને ઉત્તર સરહદ રચે છે. તેની ઉત્તર તરફ રાયપુર જિલ્લો, પૂર્વ તરફ આંધ્રના અનંતપુર અને કૂર્નુલ જિલ્લા તેમજ રાજ્યનો ચિત્રદુર્ગ જિલ્લો, પશ્ચિમે ધારવાડ જિલ્લો તથા દક્ષિણે ચિત્રદુર્ગ જિલ્લો છે. જિલ્લાની પશ્ચિમ સરહદ પ્રમાણમાં સાંકડી અને કમાન આકારની છે, પૂર્વ અને દક્ષિણ સરહદ અણિયાળા ભાગોવાળી છે.
જિલ્લામાં આર્થિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતા ત્રણ મુખ્ય સ્રોત છે : (1) ખેતીયોગ્ય જમીનો, (2) તુંગભદ્રા નદી અને (3) વિપુલ ખનિજનિક્ષેપો. તુંગભદ્રા નદી પર હૉસ્પેટ નજીક બંધ બાંધ્યા પછી બેલારી અને રાયચુર બંને જિલ્લાઓ માટે તેનાં જળ આશીર્વાદ સમાન નીવડ્યાં છે. 1975 પછી ખનિજ-ઉત્પાદનક્ષેત્રે જિલ્લાએ વિકાસ સાધ્યો છે.
વનસ્પતિજીવન : જિલ્લાનો આશરે 12 % વિસ્તાર જંગલ-આચ્છાદિત છે. અહીં બે પ્રકારનાં જંગલો જોવા મળે છે : પૂર્વ તરફ બાવળનાં, અન્ય કાંટાળાં તથા ઝાંખરાંવાળાં જંગલો આવેલાં છે; સંદુર અને કુદલિગી તાલુકામાં સૂકાં પર્ણપાતી જંગલો છે, ત્યાં લાકડાં અને ઇંધન આપતાં વૃક્ષો છે. આમલી અને સીતાફળ તથા રૌસા ઘાસ, બીડીઓ વાળવા માટેનાં તુપ્રા પાંદડાં, અરીઠાં અને લીંબોળી જેવી પેદાશો અહીંનાં જંગલોમાંથી મળી રહે છે.
જળપરિવાહ : તુંગભદ્રા આ જિલ્લાની મુખ્ય નદી છે. તેને જિલ્લાના પૂર્વ ભાગમાંથી હગારી અને પશ્ચિમ ભાગમાંથી ચિક્કા હગારી શાખાનદીઓ મળે છે. આ ઉપરાંત ટેકરીઓ પરથી નીકળતાં ઘણાં નદીનાળાં તુંગભદ્રાને મળે છે.
ખેતી : ખેતીની જમીનો જિલ્લાના અર્થતંત્ર માટે કરોડરજ્જુ સમાન છે. ખેતી ગ્રામીણ અને શહેરી લોકોનો મુખ્ય વ્યવસાય છે. તુંગભદ્રા-યોજનામાંથી મળી રહેતી સિંચાઈની સુવિધાથી અહીં ડાંગર, સંકર ઘઉં, સંકર મકાઈ, બાજરી અને રાગી જેવાં ખાદ્યાન્ન તથા શેરડી અને મગફળી જેવા રોકડિયા પાકો લેવાય છે. આ ઉપરાંત વરસાદ-આધારિત જુવારની ખેતી પણ થાય છે. જિલ્લાના બધા જ તાલુકાઓમાં કાળી માટીની ફળદ્રૂપ જમીનોમાં કપાસનું વાવેતર થાય છે. આ સિવાય તમાકુ અને મરચાં પણ અહીંના અન્ય રોકડિયા પાક છે. મોટા કદની ડુંગળી માટે બેલારી જિલ્લો ભારતમાં જાણીતો બનેલો છે.
પશુપાલન : ખેતી સાથે પશુપાલન અહીં ગાઢ રીતે સંકળાયેલું છે. અહીંનું પશુધન મધ્યમ કક્ષાનું છે. બળદો ખેતરોમાં ખાતર લઈ જવા માટે ઉપયોગમાં લેવાય છે. જિલ્લામાં ઢોર અને ઘેટાંબકરાંનું પ્રમાણ અનુક્રમે 46 % અને 39 % જેટલું છે. ડુક્કરનું પ્રમાણ ઓછું છે. મરઘાંપાલન અહીંની ઘરઘરાઉ પ્રવૃત્તિ ગણાય છે. જિલ્લાની આબોહવા લગભગ આખું વર્ષ સૂકી અને ગરમ રહેતી હોવાથી ઢોરઉછેર માટે અનુકૂળ નથી.
ઉદ્યોગો : આ જિલ્લામાં લોહ, મૅંગેનીઝ અને સીસાનાં અયસ્ક તથા ચિરોડી, મૅગ્નેસાઇટ, કૅલ્સાઇટ, ક્વાર્ટ્ઝ, કોરંડમ, સોપસ્ટોન, શ્વેત મૃદ અને સુઘટ્ય મૃદ જેવાં ખનિજો તેમજ બાંધકામ માટેના સુશોભન-પથ્થરો મળે છે. આ પૈકી લોહનાં (અનામત જથ્થો અંદાજે 125 ટન) અને મૅંગેનીઝનાં અયસ્ક મુખ્ય છે. બેલારી અને હૉસ્પેટ ખાતે લોહ-અયસ્કને દળીને ભૂકો બનાવવાની મિલો આવેલી છે. અહીંના મોટા પાયા પરના ઉદ્યોગોમાં પીગ આયર્ન યુનિટ, મૅંગેનીઝ ઍન્ડ આયર્ન ઓર્સ લિ., તુંગભદ્રા સ્ટીલ પ્રૉડક્ટ્સ લિ.નો સમાવેશ થાય છે. શટર મૅન્યુફૅક્ચરિંગ કંપની, ઑટોમોબાઇલ્સ કંપની (ગાડીના ડબાઓ માટે), ડીલક્સ અને લક્ઝરી બસોનાં માળખાં બનાવવાનું કારખાનું, બેલારી સ્પિનિંગ ઍન્ડ વીવિંગ કંપની લિ., ગોળ બનાવવાના એકમો અહીંના અન્ય મહત્વના ઉદ્યોગો છે. જિલ્લામાં 200થી વધુ નાના પાયા પરના એકમો આવેલા છે; તે પૈકી કપાસ લોઢવાનાં જીન, પોશાક-એકમો, પ્લાસ્ટિકની બંગડીઓના અને અન્ય મનપસંદ વસ્તુઓ બનાવવાના એકમો, સીંગતેલની મિલો, ખોળના અને બીડીના એકમો, જંતુનાશકો તેમજ સાબુ બનાવવાના એકમો, મિશ્ર ખાતરો, રેડ ઑક્સાઇડ, મીણબત્તી, અગરબત્તી તથા પાનમસાલા અને ધોવાના સાબુ બનાવવાના એકમો મુખ્ય છે. ઇજનેરી તેમજ સુથારીકામની કાર્યશાળાઓ પણ છે. હૉસ્પેટ ખાતે આવેલી ઇન્ડિયન હ્યુમ પાઇપ કંપની લિ. તથા બેલારી નજીક કૅલ્શિયમ કાર્બાઇડના એકમો ખાસ ઉલ્લેખનીય છે. કુટિરઉદ્યોગક્ષેત્રે હાથસાળનું કાપડ, ઊનના બરછટ કામળા, ચામડાંનાં પગરખાં, માટીનાં વાસણો અને પાત્રો, ટોપલીઓ અને સાદડીઓ તથા શેતરંજીઓ બનાવવાના એકમો વિકસ્યા છે.
વેપાર : આ જિલ્લામાં ખાંડ, સીંગતેલ, બીડીઓ, પોશાકો, દીવાસળી, સિમેન્ટ પાઇપો, લાકડાના પાટડા અને પટ્ટીઓ વગેરેનું ઉત્પાદન લેવાય છે. અહીંથી ખાદ્યાન્ન, કપાસ, શેરડી, આમલી જેવી ખેતીની પેદાશોની જિલ્લા બહાર નિકાસ થાય છે; અન્ય જરૂરી ખાદ્યાન્ન, ઉપભોક્તા ચીજવસ્તુઓ, કાપડના ટુકડા, તમાકુનો ભૂકો, પોલાદનાં પતરાં વગેરેની આયાત થાય છે.
ઘણા જૂના વખતથી બેલારી વેપારી મથક બની રહેલું છે. દાવણગેરે, હૉસ્પેટ, અડોની, અનંતપુર, ગુંટકલ વગેરે જેવાં વેપારી મથકોની જેમ બેલારી પણ મોકાનું સ્થાન ધરાવે છે. આ બધાં સ્થળોમાં અરસપરસના વેપારી સંબંધો જળવાતા આવ્યા છે. હૉસ્પેટ અને કોત્તુર તેમજ બધાં તાલુકામથકો પણ અહીંનાં મહત્વનાં વેપારકેન્દ્રો છે. જિલ્લાની જુદી જુદી પેદાશોનાં તે છૂટક તથા જથ્થાબંધ વેપારી મથકો બની રહેલાં છે.
પરિવહન : સમગ્ર દક્ષિણ ભારતમાં બેલારી જિલ્લો મધ્યમાં આવેલો હોવાથી વાહનવ્યવહાર ક્ષેત્રે મહત્વનું સ્થાન ભોગવે છે. માર્ગગૂંથણી અહીં પૂરતા પ્રમાણમાં છે. રઝાક, પાઇસ, નિકોલો કોન્ટી અને બાર્બોસા જેવા સફરખેડુઓએ વિજયનગર સામ્રાજ્યકાળની માર્ગવ્યવસ્થા વિશે તેમના અહેવાલોમાં સારા અભિપ્રાયોની નોંધ કરેલી જોવા મળે છે. પરંતુ ઓગણીસમી સદીના મધ્યકાળમાં આ વ્યવસ્થામાં ઓટ આવી. 1852માં બેલારી જિલ્લાના તત્કાલીન સિવિલ ઇજનેર મેજર હૅન્ડરસન લખે છે કે અહીંના માર્ગો પડી ભાંગ્યા છે; માત્ર કેડીઓ જ રહી છે. ત્યારપછી ફરીથી માર્ગ-બાંધણીનું કામ શરૂ થયું. ઈ. સ. 1980 દરમિયાન અહીં 2,352 કિમી.ના રસ્તા હતા. આજે ગ્રામીણ વિસ્તારોમાં દર 100 ચોકિમી. દીઠ 24 કિમી. લંબાઈના માર્ગો છે. અહીં છેલ્લાં સો વર્ષથી રેલસુવિધા ચાલુ છે. અહીંનાં બેલારી-હૉસ્પેટ પૂર્વ તરફ ગુંટકલ અને પશ્ચિમ તરફ હુબલી સાથે રેલમાર્ગોથી સંકળાયેલાં છે. અહીં 4 મીટરગેજના અને 1 બ્રૉડગેજના રેલમાર્ગો આવેલા છે. રેલમાર્ગોથી અહીંનું અર્થતંત્ર ધબકતું રહે છે.
પ્રવાસન : (1) બેલારી : આ શહેર ફૉર્ટહિલ અને ફેસહિલ નામની બે ઉજ્જડ અને ખડકાળ ટેકરીઓની આજુબાજુ વસેલું છે. ઉપરનો કિલ્લો નગરદુર્ગ સહિતનો છે. તેની કિલ્લેબંધી વિસ્તરેલી છે. નીચેનો કિલ્લો પથ્થરની આડી દીવાલો, બુરજો તથા ખાઈઓથી રક્ષિત છે. આ બંને ટેકરીઓ પ્રાગ્-ઐતિહાસિક વસાહતનાં સ્થળો હોવાનું મનાય છે. (2) દોનીમલાઈ નગરવસાહત : લોહઅયસ્ક નિક્ષેપોના ખનનને કારણે સંદુર તાલુકાનું આ ખાણમથક જાણીતું બનેલું છે. અહીં રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ દ્વારા ખનનકાર્ય ચાલે છે. (3) હદાગલ્લી (હાવિના હદાગલ્લી) : આ પ્રાચીન નગરમાં ચાલુક્ય કાળનાં કલ્લેશ્વર અને કેશવસ્વામી નામનાં અધૂરાં છોડેલાં બાંધકામવાળાં બે મંદિરો આવેલાં છે. અહીં જ્યારે જૂનો કિલ્લો તોડી પડાયેલો ત્યારે બીજાં બે મંદિરો પણ મળી આવેલાં છે. તે પૈકીનું એક યોગ-નરસિંહ સ્વામીનું છે. લોકવાયકા મુજબ મંદિરોને તથા વિજયનગરને અહીંથી પુષ્પો પૂરાં પાડવામાં આવતાં હતાં. અહીં આવેલા બગીચા તેમજ જૂના કૂવા આ હકીકતની સાક્ષી પૂરે છે. (4) હમ્પી : ચૌદમી, પંદરમી અને સોળમી સદી દરમિયાન સમૃદ્ધિના શિખરે પહોંચેલા વિજયનગર સામ્રાજ્યનાં ખંડિયેરો આ ગામ રૂપે જળવાઈ રહ્યાં છે. લોકવાયકા મુજબ, વાલી અને સુગ્રીવનું કિષ્કિંધાનું વાનર સામ્રાજ્ય આ સ્થળે હતું. નજીકનાં સ્થળનામો પણ રામાયણમાં દર્શાવ્યા મુજબ મળતાં આવે છે. હેમકૂટ, ઋષ્યમૂક, માતંગ અને મલયવંત નામની ટેકરીઓ પણ અહીં આવેલી છે. તુંગભદ્રા નદી નજીકના અનેગોંડી પાસે પંપા નામનું સરોવર પણ છે. અહીંથી મળેલાં પ્રાગ્-ઐતિહાસિક કાળનાં ચમક ધરાવતાં પાષાણ-ઓજારો સૂચવે છે કે આ સ્થળ નવપાષાણયુગમાં એક વસાહત રહ્યું હોવું જોઈએ. પહેલી સદીના અરસાનો, બ્રાહ્મી લિપિમાં અંકિત, તૂટેલી સ્થિતિવાળો એક શિલાલેખ તથા ટેરાકોટામાંથી બનાવેલી મહોરો (seals) અહીંના એક ટેકરામાંથી મળેલાં છે. આ બાબતો દર્શાવે છે કે અહીં તે અગાઉનાં 2,000 વર્ષ પૂર્વે માનવવસવાટ હશે. તાજેતરનાં ઉત્ખનનોમાંથી ચાલુક્ય મંદિરનાં ખંડિયેર મળી આવેલાં છે. વિરૂપાક્ષનું મંદિર અને તેમાંની મૂર્તિ હોયસલ સમય દરમિયાન થયેલા તેના જીર્ણોદ્ધારનો ખ્યાલ આપે છે.
વિજયનગરનું સામ્રાજ્ય આજના હમ્પીના સ્થળે વિકસેલું. તે માટે હમ્પી દુનિયાભરમાં જાણીતું બનેલું છે. વિજયનગર એક કાળે અતિ સુંદર, સ્વચ્છ વસ્તીપ્રધાન અને સમૃદ્ધ શહેર ગણાતું હતું. આજે તેના ભગ્ન અવશેષો ઘણા મોટા વિસ્તારમાં પથરાયેલા મળે છે. તેનાં સ્મૃતિચિહ્નો રૂપે હજારા રામ, અચ્યુત રાય, વિજય વિઠ્ઠલ, લક્ષ્મી-નરસિંહની વિરાટ મૂર્તિ, કમળ મહેલ, માનવમિડિમ્બા નામથી ઓળખાતી સિંહાસનપીઠ, ઘણા સ્તંભો ધરાવતી ટંકશાળ અને હાથીના તબેલાના અવશેષો જોવા મળે છે.
વિરૂપાક્ષનું મંદિર ઘણું જૂનું ગણાય છે, વળી વખતોવખત તેનો જીર્ણોદ્ધાર પણ થયા કર્યો છે. આજનું તેનું ગોપુરમ્ શ્રી કૃષ્ણદેવરાયે યુદ્ધજીતની સ્મૃતિમાં બંધાવેલું. વિજયનગરનું આખુંય શહેર જ્યારે નાશ પામેલું ત્યારે પણ આ મંદિર અકબંધ રહેલું, આજે પણ તેનું ધાર્મિક સ્થળ તરીકે મહત્વ છે. પંપાપતિ-વિરૂપાક્ષ હરિહર અને રાઘવંક જેવા કવિઓના તે ઇષ્ટદેવ હતા. અહીંના નદીકાંઠે ખ્યાતનામ સંત પુરંદર દાસ એક મંડપમાં રહેલા. તેની સ્મૃતિ રૂપે દર વર્ષે ત્યાં સંગીત-જલસો યોજાય છે. આ સ્થળને પ્રવાસી મથક તરીકે વિકસવાની પૂરી શક્યતા છે. (5) હૉસ્પેટ : આ નગર કૃષ્ણદેવરાયે તેની પત્નીના માનમાં વસાવેલું. કૃષ્ણદેવરાય આ નગરમાં રહેતા હતા. તુંગભદ્રા બંધની તદ્દન નજીક આવેલું આ નગર વિજયનગર માટેનું પ્રવેશદ્વાર ગણાતું હતું. અહીં નજીકની ટેકરી પર જંબુનાથનું મંદિર આવેલું છે. (6) કમાલપુરમ્ : વિજયનગરનાં ખંડિયેરો જોવા જવા માટેનું પ્રારંભિક સ્થળ. વિજયનગર સામ્રાજ્યકાળની વિવિધ ચીજવસ્તુઓ અહીં આવેલા પુરાતત્વીય સંગ્રહાલયમાં રાખેલી છે. (7) કાંપલી : ચાલુક્ય અને તે પછીના કાળનું પાટનગર. કાંપલી અને ગોંડીના સેનાનાયકો મુસ્લિમ આક્રમણકારો સામે લડેલા તેનો ઐતિહાસિક ભૂતકાળ અહીં જળવાયેલો છે. અહીં તુંગભદ્રાને કિનારે કાળા પથ્થરોમાંથી બનાવેલો કિલ્લો પણ છે. (8) કોત્તુર : બસપ્પાલિંગસ્વામી અથવા કોત્તરા બસપ્પા અથવા કોત્તુરુસ્વામી નામના સંતની સમાધિ માટે આ સ્થળનું મહત્વ અંકાય છે. (9) કુદલીગી : આ નગરની નજીકમાં આવેલી ટેકરી પર સિદ્ધેશ્વરનું મંદિર છે. (10) સંદુર : સંદુરના દેશી રજવાડા વખતનું વહીવટી મથક. ત્યાં ઘોરપડે કુટુંબનું શાસન હતું. વિઠોબાના મંદિર તથા ભીમતીર્થ અને ભૈરવતીર્થ નામનાં બે ઝરણાં અહીંનાં જાણીતાં સ્થાનો છે. આ નગરથી આશરે 12 કિમી.ને અંતરે કુમાર કાર્તિકેયનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ કાર્તિકેય જ્યારે કૈલાસ પરથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા ત્યારે અગસ્ત્ય ઋષિ સાથે અહીં રહેલા. બીજી માન્યતા મુજબ કાર્તિકેયે આ સ્થળે તારકાસુરનો વધ કરેલો હોવાનું કહેવાય છે. પાર્વતી અને કાર્તિકેય બંનેનાં મંદિરો અહીં આવેલાં છે. પાર્વતીનું મંદિર આઠમી સદીના ચાલુક્ય કાળનું છે. અહીંથી નજીકમાં જ હરિશંકરની મૂર્તિ છે. ત્યાંથી વહેતા કાયમી ઝરણામાંથી એક ચોરસ આકારનું જળાશય તૈયાર થયેલું છે. ત્યાંથી તે આગળ વહે છે અને અગસ્ત્ય તીર્થ નામનું તળાવ બનાવે છે. સંદુર આ રીતે પ્રવાસીઓ માટેનું આકર્ષણ-સ્થળ બની રહેલું છે. (11) સિરુગુપ્પા : અહીં પ્રાચીન દુર્ગ તથા શંભુલિંગ નામનું મંદિર આવેલું છે. (12) તકલકોટ : પથ્થર પર કોતરેલા ઈ. સ. 1021ના એક શિલાલેખ મુજબ, આ સ્થળ અગાઉના વખતમાં પાપે કલ્લુ (Pape Kallu) નામથી ઓળખાતું હતું. અહીં પેલિયાગર દ્વારા બંધાયેલું અમરેશ્વરનું મંદિર આવેલું છે. વિજયનગરના પતન પછી અહીં પેલિયાગરનો અંકુશ હતો. આ સ્થળેથી માટીનાં પાત્રો, પથ્થરની અને તાંબાની કુહાડીઓ, અસ્થિ-ઓજારો, મણકા જેવા નવપાષાણયુગના અવશેષો મળી આવેલા હોવાથી પ્રાગ્-ઐતિહાસિક કાળમાં અહીં માનવવસવાટ હોવાનો નિર્દેશ મળે છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 18,90,092 જેટલી છે, તે પૈકી 9,61,989 પુરુષો અને 9,28,103 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 13,25,692 અને 5,64,400 જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 16,42,833; મુસ્લિમ : 2,28,231; ખ્રિસ્તી : 11,489; શીખ : 160; બૌદ્ધ : 144; જૈન : 5,436; અન્યધર્મી : 265 તથા ઇતર 1,534 જેટલા છે. જિલ્લામાં શિક્ષિત વ્યક્તિઓનું પ્રમાણ 30.64 % જેટલું છે. બધાં જ નગરોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ છે. અહીં કુલ 12 નગરોમાંથી 9 નગરોમાં પૂર્વ-યુનિવર્સિટી શિક્ષણની સગવડ છે; બાકીનાં 3 નગરોમાં 10 કિમી.ને અંતરે સ્નાતક કક્ષાની કૉલેજો છે. બેલારીમાં તકનીકી તેમજ વ્યાવસાયિક શિક્ષણની સુવિધા છે; ઉપરાંત ત્યાં 2 તબીબી કૉલેજો, 1 હોમિયોપેથિક કૉલેજ, 1 આયુર્વેદિક કૉલેજ અને 1 પૉલિટૅકનિક સંસ્થા છે. દાવણગેરે ખાતે ઇજનેરી કૉલેજ આવેલી છે. જિલ્લામાં 6,93,790 શિક્ષિતો છે, તે પૈકી 4,54,541 પુરુષો અને 2,39,249 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 4,07,453 અને 2,86,337 જેટલું છે. 1996 મુજબ બેલારી ખાતે કુલ 23 કૉલેજો છે. 591 વસ્તીવાળાં ગામડાંમાંથી 118 ગામડાંઓમાં એક કે બીજા પ્રકારની તબીબી સેવાઓ ઉપલબ્ધ છે; જ્યારે બધાં જ નગરોમાં તબીબી સેવા-સંસ્થાઓ આવેલી છે, જેનો આજુબાજુનાં ગામડાંઓને પણ લાભ મળે છે.
વહીવટી સરળતા માટે જિલ્લાને 8 તાલુકાઓમાં વહેંચેલો છે. અહીં કુલ 12 નગરો અને 617 (26 વસ્તીવિહીન) ગામડાં છે. બેલારી, હૉસ્પેટ, અમરાવતી, અનંથસેયાનગુડી, સંકલપુર અને કરીગાનૂર નગરો એક લાખથી વધુ વસ્તી ધરાવે છે; જ્યારે દેવગિરિ, દોનીમલાઈ, હદાગલ્લી, હરપનહલ્લી, કાંપલી, કોત્તુર, કમલાપુરમ્, સિરિગુપ્પા અને તકલકોટ એક લાખથી ઓછી વસ્તીવાળાં છે.
ઇતિહાસ : રામાયણ વખતે બેલારી વિસ્તાર વાનરરાજ્ય કિષ્કિંધા નામથી ઓળખાતો હોવાનું કહેવાય છે. તે પછી છેક ચૌદમી સદી સુધી તેની કોઈ ઐતિહાસિક તવારીખ ઉપલબ્ધ નથી. કેટલાક અભિલેખોમાંથી માહિતી મળે છે કે આ વિસ્તાર તે પછી ચાલુક્યો અને તેમના અનુગામીઓ – હોયશલો – ને હસ્તક રહેલો. 1336માં અહીં હમ્પીની નજીકમાં વિજયનગર સ્થપાયું, વિસ્તર્યું અને લગભગ બે સૈકાના ગાળા સુધી પાટનગર તરીકે વિકસીને સમૃદ્ધિ પામ્યું. ત્યારપછી દક્ષિણ ભારતના આ સમૃદ્ધ સામ્રાજ્યની સંપત્તિથી લલચાઈને ઉત્તરમાંથી અહીં મુસલમાનો આવતા ગયા. 1565માં તાલીકોટની લડાઈ થઈ, આ નગરી ખંડિયેરમાં ફેરવાઈ ગઈ. દખ્ખણના જુદા જુદા સુલતાનોનું વારાફરતી તેના પર આધિપત્ય રહેલું. તેમણે અહીંની ગરીબ પ્રજા પર ખૂબ કરવેરા ઝીંક્યા. છેલ્લે ઔરંગઝેબે દખ્ખણનો આ વિસ્તાર લઈ લીધો. ત્યારબાદ મરાઠાઓએ તથા હૈદરઅલી અને ટીપુ સુલતાને તેના પર કબજો રાખેલો. 1799માં ટીપુ અંગ્રેજોને હાથે હાર્યો અને આ આખો પ્રદેશ હૈદરાબાદના નિઝામને હસ્તક ગયો, પરંતુ 1800માં નિઝામે પણ બેલારી તેમજ આસપાસનો પ્રદેશ અંગ્રેજોને સોંપી દીધો.
આ પછી બેલારી મદ્રાસ ઇલાકાનો એક ભાગ બની રહેલું. ત્યારે તે 15 તાલુકાઓમાં વહેંચાયેલું હતું. 1882માં આ પ્રદેશ અનંતપુર (7 તાલુકાઓ) અને બેલારી(8 તાલુકાઓ)માં વિભાજન પામ્યો. સર ટૉમસ મનરો (મેજર મનરો) કડાપ્પા, અનંતપુર અને કૂર્નુલ સહિત બેલારીનો સર્વપ્રથમ કલેક્ટર બન્યો. તેણે અહીં શાંતિ સ્થાપવાનો પ્રયાસ કર્યો. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન બેલારી લશ્કરી છાવણીનું વ્યૂહાત્મક મથક રહેલું. આ સાથે તેને વેપાર-વણજના સ્થાન તરીકે પણ વિકસાવાયું. ત્યારબાદ સંદુરની આજુબાજુનો અહીંનો આશરે 400 ચોકિમી.નો વિસ્તાર અંગ્રેજોના વર્ચસ્ હેઠળનો એક સ્વતંત્ર રાજ્યવિસ્તાર બની રહેલો.
1947 પછી સંદુરના શાસકે 1949ના એપ્રિલની પહેલીએ વિલીનીકરણ પર સહી કરી આપેલી. તે પછી સંદુર રાજ્યમાં બીજાં કેટલાંક ગામડાં ભેળવવામાં આવેલાં અને બેલારી જિલ્લાની રચના કરવામાં આવેલી. 1953માં તત્કાલીન બેલારી જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું. 10 તાલુકામાંથી અડોની, ઍલુર અને બાયાદુર્ગ તાલુકાઓ આંધ્રપ્રદેશમાં મુકાયા જ્યારે 7 તાલુકાઓને તત્કાલીન મૈસુર રાજ્યમાં મૂકવામાં આવ્યા.
ગિરીશભાઈ પંડ્યા