બેલાડોના : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Atropa belladona var acuminata (હિં. अंगूरशेका, सागअंगूर, અં. બેલાડોના, ડેડ્લી નાઇટશેડ, ઇન્ડિયન બેલાડોના) છે. A. belladona યુરોપિયન બેલાડોના છે. તેનું મૂળ વતન મધ્ય અને દક્ષિણ યુરોપ છે અને તેનું વાવેતર ઇંગ્લૅન્ડ તથા મધ્ય અને દક્ષિણ યુરોપના દેશોમાં થાય છે. ભારતમાં કાશ્મીરમાં તે બારામુલ્લા, દરાંગ અને યરીકાહ વિસ્તારોમાં નાના પાયે ઉછેરવામાં આવે છે. તે લગભગ 1.5થી 2.0 મી. ઊંચી, ટટ્ટાર, બહુવર્ષાયુ શાકીય જાતિ છે. તેનું મૂળતંત્ર સોટીમય અને માંસલ હોય છે. તેનું પ્રકાંડ સીધું અને શાખિત હોય છે. તેનાં પર્ણો પાતળાં, બરડ, અંડાકાર, 5.0થી 25.0 સેમી. લાંબાં અને 2.5 સેમી.થી 12.0 સેમી. પહોળાં હોય છે. તેની પર્ણ-સપાટી લીસી હોય છે. પર્ણદંડ 4.0થી 5.0 સેમી. લાંબો હોય છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. બીજા અને ત્રીજા વર્ષે પર્ણો અને પુષ્પો સહિતનો પર્ણોવાળો ઉપરનો ભાગ તોડી છાયામાં સૂકવવામાં આવે છે. વર્ષમાં બેથી ત્રણ વાર પર્ણો તોડવામાં આવે છે. ત્રીજા વર્ષની લણણી બાદ મૂળ કાઢી લેવામાં આવે છે. તેનો પણ ઔષધ તરીકે ઉપયોગ થાય છે. પર્ણમાંથી મેળવવામાં આવતા ઔષધને બેલાડોના હર્બ કહે છે. તેનું અનષ્ઠિલ (berry) પ્રકારનું ફળ ઝેરી હોય છે.
બેલાડોનાના મુખ્ય રાસાયણિક ઘટકો ટ્રોપેન જૂથનાં આલ્કેલૉઇડ છે. તેમનું પ્રમાણ 0.15 %થી 0.6 % હોય છે. તેમાં હાયોસાયેમિન (કુલ આલ્કેલૉઇડના 75 %થી 99 %) મુખ્ય આલ્કેલૉઇડ છે. ઉપરાંત તે એટ્રોપિન, હાયોસિન, નૉર હાયોસાયેમિન, નૉરએટ્રોપિન, એપો-એટ્રોપિન અને બેલાડોનિન ધરાવે છે. તેમાં બાષ્પશીલ બેઝ પિરિડિન, એન-મિથિલ પાયરોલિન, N-મિથાઇલ પાયરોલિડિન અને ડાઇઍમાઇન હોય છે.
બેલેડોનિન. હાયોસાયેમિન અને હાયોસિન પરાનુકંપી ચેતાતંત્ર પર રોધક અસર દર્શાવે છે. તેથી શરીરના સ્રાવોમાં ઘટાડો થાય છે. તેનો ઉપયોગ ક્ષયરોગના દર્દીઓનો પ્રસ્વેદ ઓછો કરવામાં થાય છે. હાયોસાયેમિન શ્વાસનળીના સ્નાયુઓ પર શિથિલક અસર નિપજાવે છે. તેથી ખાંસી, દમ અને ઉટાંટિયામાં વપરાય છે. જઠરાંત્ર પર તેની રોધક અસર થતી હોવાથી જઠર અને આંતરડાના સ્નાયુઓનું હલન-ચલન ધીમું પડે છે અને સ્રાવ ઓછો થાય છે. તેથી તેનો ઍસિડિટી અને ચાંદાં(ulcer)માં ઉપયોગ થાય છે. બેલાડોના આલ્કેલૉઇડો શામક (sedative), ઉત્તેજક (stimulant), પરાનુકંપી વિભ્રમજનક (parasympholytic hallucinogen) અને પ્રતિઉદ્વેષ્ટી (antispasmodic) તરીકે વપરાય છે. એટ્રોપિનની આંખની કીકી પર વિસ્ફારક અસર હોવાથી આંખ તપાસવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. હાયોસાયેમિન સ્થાનિક નિશ્ચેતક અને પીડાશામક હોવાથી તે મલમ (liniment) અને પ્લાસ્ટરની સ્થાનિક પીડાનું શમન કરવામાં વપરાય છે.
કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ