બેર્ડે, લક્ષ્મીકાન્ત (જ. 19 ઑક્ટોબર 1951; અ. 16 ડિસેમ્બર 2004, મુંબઇ) : હિંદી અને મરાઠી ચલચિત્રો તથા મરાઠી રંગભૂમિના હાસ્યકલાકાર. ચલચિત્રોમાં હાસ્યકલાકારોની ભૂમિકાઓ નગણ્ય થવા માંડી હતી એવા સમયે પણ હાસ્યકલાકાર બનવાનું જ સપનું સેવનાર લક્ષ્મીકાન્ત બેર્ડેએ લાંબો સમય સંઘર્ષ કર્યો. એક એક ટંક જમવાના સાંસા હોય એવા પરિવારમાં સતત અભાવો વચ્ચે ઊછરેલા લક્ષ્મીકાન્તે સાત-આઠ વર્ષની ઉંમરે જ મરાઠી નાટકોમાં કામ શરૂ કરી દીધું હતું. સાર્વજનિક ગણેશોત્સવોમાં આ નાટકો ભજવાતાં. મુંબઈની ભવન્સ કૉલેજમાંથી સ્નાતક થયા બાદ સાહિત્ય સંઘની અમૃત નાટ્યભારતી શાળામાં તેઓ જોડાયા હતા. ત્યાં છ વર્ષ નાટકોમાં કામ કર્યા બાદ અને તાલીમ લીધા બાદ 1979માં આ સંસ્થા છોડીને વ્યાવસાયિક નાટકોમાં તેમણે કામ શરૂ કર્યું. ‘ઘરાત આસલે તારે’માં શ્રેષ્ઠ હાસ્ય-અભિનેતાનો ઍવૉર્ડ મળ્યો. એ દિવસોમાં મરાઠીમાં પણ દ્વિઅર્થી સંવાદોવાળાં નાટકોની ભરમાર વધી ગઈ હતી. તેમણે આવાં નાટકોથી દૂર રહેવાનું પસંદ કર્યું. પરિણામે લગભગ 18 મહિના ખાસ કંઈ કામ વિના બેસી રહેવું પડ્યું. 1983માં ‘ઉચ્છલ બંદગી’ નાટકે ફરી શ્રેષ્ઠ હાસ્ય-અભિનેતાનો એવૉર્ડ અપાવ્યો. એ પછીનાં બે નાટકો પણ સફળ થતાં ‘હસલી તી ફસલી’ મરાઠી ચલચિત્રમાં કામ મળ્યું. આ પ્રથમ ચિત્ર પૂર્ણ ન થઈ શક્યું. પણ મહેશ કોઠારેના ‘ધૂમધડાકા’ની સફળતા પછી ખ્યાતિ મળવા માંડી.
દિગ્દર્શક સૂરજ બડજાત્યાએ પોતાના પ્રથમ હિંદી ચિત્ર ‘મૈંને પ્યાર કિયા’માં તેમને પ્રથમ વાર તક આપી. આ ચિત્રની અભૂતપૂર્વ સફળતાને કારણે તેમને હિંદી ચિત્રોમાં પણ કામ મળવા માંડ્યું. સૂરજ બડજાત્યાના બીજા સફળ ચિત્ર ‘હમ આપકે હૈં કૌન’માં પણ તેમની નોંધપાત્ર ભૂમિકા હતી. જબ્બાર પટેલ-દિગ્દર્શિત મરાઠી ચિત્ર ‘એક હોતા વિદૂષક’માં એક વિદૂષકની અંતરંગ જિંદગી નિરૂપાઈ હતી. તેમણે આ ચિત્રમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. રંગમંચ સાથેનો તેમનો નાતો પણ અતૂટ રહ્યો છે. 400થી વધુ મરાઠી નાટકો, 150થી વધુ મરાઠી ચિત્રો અને 40થી વધુ હિંદી ચિત્રોમાં તેઓ કામ કરી ચૂક્યા છે.
હરસુખ થાનકી