બેરો (નદી) : આયર્લૅન્ડના મધ્યભાગમાં આવેલી, સ્લીવ બ્લૂમ પર્વતમાળામાંથી નીકળતી નદી. તે ત્યાંથી અગ્નિ દિશા તરફ 190 કિમી. લંબાઈમાં વહીને વૉટરફર્ડ બારામાં ઠલવાય છે. બારા નજીક તે નૉર (Nore) અને શુર (Suir) નદીઓને મળે છે. જ્યાંથી તે નીકળે છે તે પર્વતપ્રદેશના ઉપરવાસમાં લીક્સ (Leix) અને ઑફાલી (Offaly) પરગણાંઓમાં પૂર્વ તરફ કળણ-પંકભૂમિના વિસ્તારો બનાવે છે અને નીચાણવાળા ભાગમાં થઈને વહે છે. ત્યાંથી કૅસલ કોમર ઉચ્ચપ્રદેશના પૂર્વ ભાગ પર થઈને દક્ષિણ તરફ ફંટાય છે. નૉર નદીને મળતા અગાઉના તેના 24 કિમી. લંબાઈના માર્ગમાં તે જંગલ-આચ્છાદિત ઊભાં કોતરને વીંધીને પસાર થાય છે. ન્યૂ રૉસ નજીક તે પહોળો નીચાણવાળો ભાગ રચે છે. 1759થી તેને સેન્ટ મલિન્સ તરફ વાળીને ડબ્લિનની ગ્રાન્ડ નહેર દ્વારા શૅનૉન નદી સાથે જોડી હતી, પરંતુ 1954થી માલ ચઢાવઉતાર કરતી નૌકાઓનો જળવ્યવહાર અટકી ગયો છે. આ નદીને કાંઠે ઍથી, કાર્લો વગેરે જેવાં નગરો વસેલાં છે.
બેરો (નગર) : જુઓ ઉટકિઆવિક્
ગિરીશભાઈ પંડ્યા