બેરેન્સ પીટર (જ. 14 એપ્રિલ 1868, હૅમ્બર્ગ, જર્મની; અ. 27 ફેબ્રુઆરી 1940, બર્લિન, જર્મની) : આધુનિક શૈલીના જર્મન સ્થપતિ. 1886થી 1889 દરમિયાન ડસેલ્ડર્ફ નગરમાં કન્સ્ટ્શૂલેમાં, કાર્લ્સ્રૂલેમાં તથા જુદા જુદા ચિત્રકારોના સ્ટુડિયોમાં ચિત્રકલાનો તેમણે અભ્યાસ કર્યો. 1890માં નેધરલૅન્ડનો પ્રવાસ કર્યો તથા મ્યુનિક (મ્યુનિખ) પાછા ફરી 1893માં ‘મ્યુનિક સેસેશન ગ્રૂપ ઑવ્ પેઇન્ટર્સ’ની સ્થાપનામાં ફાળો આપ્યો. 1896માં વુડકર પ્રિન્ટ બનાવવાનું શરૂ કર્યું. એ જ વર્ષે મ્યુનિકમાં ‘આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ વર્કશૉપ’ની સ્થાપનામાં અગ્રેસર ભાગ લીધો. 1898માં ‘પાન’ સામયિકના સંપાદનકાર્યમાં સહયોગ આપ્યો. એ જ વર્ષે મ્યુનિકની કાચ બનાવતી ફૅક્ટરીઓ માટે ઘણી ડિઝાઇન તૈયાર કરી. 1899માં ‘ડાય સિપેન’ (ધ સેવન) નામના કલાજૂથમાં તેઓ જોડાયા. આ જૂથમાં જે. એમ. ઑલ્બ્રિખ્ત અને પી. હુપર સ્થપતિઓ હતા. એચ. ક્રિસ્ટિયન્સન અને પી. પુર્ક ચિત્રકારો હતા તથા એલ. હેબિખ, તથા આર. બૉલેલ્ટ શિલ્પીઓ હતા. 1900માં ડાર્મ્સ્ટાટમાં સ્થાપત્ય-કાર્ય શરૂ કર્યું.
1903થી 1907 દરમિયાન તેઓ ડસેલ્ડર્ફમાં કન્સ્ટ્ગેવર્પુશૂલેના દિગ્દર્શક રહ્યા. 1921થી 1922 સુધી ડસેલ્ડર્ફની એકૅડેમી ઑવ્ આર્ટ્સના નિયામક તરીકે કામગીરી બજાવી. 1922થી 1936 સુધી એકૅડેમી ડેર પિલ્ડેન્ડન કન્સ્ટેની માસ્ટર સ્કૂલ ઑવ્ આર્ટ્સના નિયામકપદે રહ્યા. 1936થી 1940 સુધી પ્રશિયન એકૅડેમી ઑવ્ આર્ટ્સના સ્થાપત્ય-વિભાગના અધ્યક્ષ રહ્યા. બર્લિન અને વિયેનામાં 1893માં, ઝ્યુરિકમાં 1897માં અને ડર્મ્સ્ટાટમાં 1899માં ‘સેસેશન એક્ઝિબિશન’માં તેમણે ભાગ લીધો. ઇટાલીના તુરિન ખાતે 1902માં યોજાયેલ એક્સ્પોઝિશન ઑવ્ ડેકોરેટિવ આર્ટ્સમાં તથા મિસૂરીના સેંટ લૂઈ ખાતે 1904માં યોજાયેલ વર્લ્ડ ફેરમાં પણ તેમણે ભાગ લીધો. કારકિર્દીની શરૂઆતમાં બેરેન્સે ચિત્રકાર, મુદ્રણક્ષમ કલાકૃતિના સર્જક તથા ગૃહોપયોગી અને ઔદ્યોગિક ઉપકરણોના ડિઝાઇનકાર તરીકે કામ કર્યું. આ કાર્યમાં જોનારને પ્રભાવિત કરે એવી આકૃતિ કે દેખાવ ઉપરાંત વસ્તુની કાર્યલક્ષિતા વધે અને વપરાશકારને તેના ઉપયોગમાં સવિશેષ સુવિધા વધે તેનું પણ તેઓ ધ્યાન રાખતા હતા. પાછળથી સર્જાનાર બાઉહાઉસ સંસ્થાના ધ્યેયને બાઉહાઉસની પૂર્વે જ પોતાના કાર્યમાં તેમણે આત્મસાત્ કરી આપ્યું હતું.
સ્થાપત્યમાં કૉંક્રીટ, કાચ, પોલાદ અને બીજી સિન્થેટિક સામગ્રીનો સૌપ્રથમ અસરકારક ઉપયોગ કરનારા તેઓ પ્રથમ સ્થપતિ હતા. આ ઉપરાંત તેઓ જુદી જુદી પ્રણાલીઓ અને અસરોને ગ્રહણ કરનાર હતા. ઉપયોગલક્ષિતા તેમના કાર્યમાં સતત ધ્યેયરૂપ બની રહેતી. તેમની ગૃહલક્ષી અને ઔદ્યોગિક સ્થાપત્યકલામાં ફેર પડે છે. ગૃહલક્ષી સ્થાપત્યકલામાં તેઓ પ્રણાલીઓને મહત્વ આપે છે, જ્યારે ઔદ્યોગિક સ્થાપત્યકલામાં તે પ્રણાલીઓના અભાવે ઉપયોગલક્ષિતાને મહત્ત્વ આપે છે.
1909–10માં બર્લિન ખાતે બંધાયેલી એ.ઇ.જી. (જર્મન જનરલ ઇલેક્ટ્રિક કંપની) ટર્બાઇન ફૅક્ટરી એ બેરેન્સનું સૌથી જાણીતું સ્થાપત્યસર્જન છે. વધુમાં વધુ પ્રકાશ અંદર પ્રવેશી શકે તે માટે કાચ અને પોલાદ વડે તેની રચના કરાઈ છે.
તેમનાં અન્ય નોંધપાત્ર સ્થાપત્ય-સર્જનો જર્મનીમાં આવેલાં છે, જેમાં ડર્મ્સ્ટાટ ખાતેનું બેરેન્સ હાઉસ (1901); સાપ્રુકેન (જર્મની) ખાતે ‘ઑપેનૉર હાઉસ’ (1905–06); ડેલ્સ્ટર્ન ખાતે ક્રેમટોરિયન (1907); નોસ ખાતે કૅથલિક ફેલોશિપ હાઉસ (1908–10); એપન્હૉસન ખાતે શ્રોડર હાઉસ (1909), બર્લિન ખાતે એ.ઇ.જી. મોટર ફૅક્ટરી (1910 –11) છે.
બર્લિન નજીક હેનિવસ્ડૉર્ફ ખાતે એ.ઈ.જી. વર્ક્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ્ઝ (1910–11); ઍપન્હૉસન ખાતે કુનો હાઉસ (1910–11); ઑસ્થાફન ખાતે ફ્રાંકફર્ટર ગાસ્ગેસેલ્શાફટ બિલ્ડિંગ્ઝ (1911–12); સટ પીટર્સબર્ગ, રશિયા ખાતે જર્મન એમ્બેસી ‘ઇસાક પ્લાટ્ઝ’ (1911–12).
એપન્હૉસન ખાતે ગૉડિક હાઉસ (1911–12), ડાહલેમ, બર્લિન ખાતે વિગાન્ડ હાઉસ (1911–12) (હવે ‘જર્મન આર્કિયોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ નામે ઓળખાય છે.)નો સમાવેશ થાય છે.
અમિતાભ મડિયા