બેરેન્ટ્સ સમુદ્ર : આર્ક્ટિક મહાસાગરનો પૂર્વ તરફનો સમુદ્રીય વિભાગ. આ સમુદ્ર આશરે 67°થી 80° ઉ. અ. અને 18°થી 68° પૂ. રે. આજુબાજુ વિસ્તરેલો છે. તેની પૂર્વ સીમા નોવાયા-ઝેમલ્યાના જોડકા ટાપુઓથી, દક્ષિણ સીમા ઉત્તર રશિયાના આર્કાન્ગેલ કિનારાથી, નૈર્ઋત્ય સીમા કોલા દ્વીપકલ્પના મર્માન્સ્ક કિનારાથી, પશ્ચિમ સીમા બિયર ટાપુથી સ્વાલબાર્ડ ટાપુઓ અને સ્પિટ્સબર્ગનની ભૂશિર તથા નૉર્વેની ઉત્તર ભૂશિરમાંથી પસાર થતી રેખાથી તથા ઉત્તર સીમા ફ્રેન્ઝ જૉસેફ લૅન્ડની રેખાધારથી પૂરી થતી ગણાય છે. તેની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ આશરે 1,408 કિમી. જેટલી, પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ આશરે 1,513 કિમી. જેટલી તથા કુલ વિસ્તાર આશરે 14,05,000 ચોકિમી. જેટલો છે. યુરેશિયાઈ ખંડીય છાજલીનો કેટલોક ભાગ તે આવરી લે છે, પરંતુ તે મહાસાગરીય ઊંડાઈ ધરાવતો નથી. અહીંનું સમુદ્રતળ સપાટ નથી. તેની સરેરાશ ઊંડાઈ 229 મીટરની છે. તેમાં 100 મીટર ઊંડાઈ ધરાવતી છીછરી જગ્યાઓ છે, તે 200થી 350 મીટર ઊંડાઈવાળાં કેટલાંક ગર્તથી ખંડિત બનેલી છે. આ સમુદ્રની મહત્તમ ઊંડાઈ નૈર્ઋત્ય તરફ 600 મીટર જેટલી છે.
આ સમુદ્રમાં ઘણી સંખ્યામાં ઉદભવતાં વમળો તથા સમુદ્રપ્રવાહો જટિલ પ્રકારનાં બની રહે છે. અખાતી પ્રવાહના ભાગરૂપ ઉત્તર ઍટલાન્ટિક અપવહન(drift)ના હૂંફાળા પ્રવાહો વાયવ્યમાંથી અહીં પ્રવેશે છે, તે અહીંનાં જળ અને હવા બંનેનું તાપમાન ઊંચું રાખવામાં મદદરૂપ બને છે, વર્ષોવર્ષ જળતાપમાન બદલાતું રહે છે, તેમ છતાં ઑક્ટોબરમાં હવામાન વધુ હૂંફાળું અને એપ્રિલમાં વધુ ઠંડું બની રહે છે. આ સમુદ્રનો પશ્ચિમી ભાગ ક્યારેય ઠરતો નથી; તેથી મર્માન્સ્ક બંદર બારેય માસ ખુલ્લું રહી શકે છે. ઈશાન તરફથી જામતું જતું જળસપાટીપડ ક્રમશ: આગળ વધે છે અને એપ્રિલમાં વધુમાં વધુ 80 % અને ઓછામાં ઓછો 40 % પાણીની સપાટીનો વિસ્તાર આવરી લે છે.
પ્રથમ વિશ્વયુદ્ધ બાદ રશિયાઈ આર્ક્ટિક વિભાગમાં આ સમુદ્રમાંથી મત્સ્યસંપત્તિ મેળવવા અનુકૂળતા ઊભી કરવામાં આવેલી છે. હેડ્ડૉક, કૉડ અને પ્લેઇસ માછલીઓ અહીંથી મોટી સંખ્યામાં પકડવામાં આવે છે.
સોળમી સદીમાં ડચ નૌકાયાત્રી વિલિયમ બેરેન્ટ્સે ઈશાનતરફી આ જળમાર્ગ શોધી કાઢેલો, તેના પરથી આ સમુદ્રને ઉપર્યુક્ત નામ અપાયેલું છે.
ગિરીશભાઈ પંડ્યા