બેરિયા, લૅવેન્ટી પૅવલોવિચ (જ. 1899, જ્યૉર્જિયા, રશિયા; અ. 1953) : રશિયાની ગુપ્તચર પોલીસના વડા. તેઓ કૉકેસસમાં ઓજીપીયુ સંસ્થાના સભ્ય હતા (1921–31). આ સંસ્થામાંથી જ છેવટે કેજીબી નામની વગોવાયેલી સંસ્થાનો ઉદભવ થયો. ત્યારપછી તેઓ જ્યૉર્જિયાના સામ્યવાદી પક્ષના પ્રથમ સેક્રેટરી બન્યા.
તેમના આશ્રયદાતા સમા સ્ટૅલિને તેમને 1938માં, આંતરિક બાબતોના પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રાજ્યની સંરક્ષણ માટેની સમિતિના ઉપાધ્યક્ષ તરીકે તેમણે કાર્યભાર સંભાળ્યો. આથી 1945માં તેમને માર્શલની પદવી અપાઈ. 1953માં સ્ટૅલિનનું મૃત્યુ થવાના પ્રસંગે, તેમણે સત્તા ઝડપી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ લશ્કરના અને પક્ષના ઉગ્ર પ્રકૃતિના નેતાઓએ તેમનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. તેમની ધરપકડ કર્યા પછી દેશદ્રોહના આરોપસર તેમના પર કામ ચલાવી 1953માં તેમનો વધ કરવામાં આવ્યો. પોતાની બેકાબૂ મહત્વાકાંક્ષા સંતોષવા તેઓ અત્યંત ઘાતકી અને નિર્દય કાવતરાં કરતા. પરાણે વેઠ કરાવવી, આતંક મચાવવો અને જાસૂસી જાળ બિછાવવી – આવી આવી તેમની કાવતરાંભરી હલકી કક્ષાની કામગીરીને લીધે તેઓ ખૂબ વગોવાયા હતા.
મહેશ ચોકસી