બેરિમોર, લિયૉનલ (જ. 1878, ફિલાડેલ્ફિયા, અમેરિકા; અ. 1954) : અમેરિકન ફિલ્મ અભિનેતા. તેમને ‘પીટર ઇબ્સ્ટન’ (1917) અને ‘ધ કૉપરહેડ’ (1918) ફિલ્મમાં ખૂબ ખ્યાતિ મળી. ત્યારપછી તેમણે સંખ્યાબંધ ચિત્રો અને રેડિયોનાટકમાં અભિનય આપ્યો. 1931માં ‘ફ્રી સોલ’ ચિત્રમાંના અભિનય બદલ તેમને ઑસ્કર ઍવૉર્ડ મળ્યો. તેમનાં બીજાં પ્રસિદ્ધ ચિત્રોમાં ‘ગ્રાન્ડ હોટલ’, ‘કૅપ્ટન કરેજિયસ’ (1937) તથા ‘ડ્યૂઅલ ઇન ધ સન’ (1947) ઉલ્લેખનીય છે. અકસ્માતમાં બે વખત થાપાનું હાડકું ભાંગ્યા પછી તેમને વ્હીલચેરમાં ફરવું પડતું હતું, પરંતુ હિંમત હાર્યા વિના ‘કિલ્ડર’ શ્રેણીમાં ડૉ. ગિલ્સ્પી તરીકે અભિનય આપતા રહ્યા અને ખૂબ નામના પામ્યા.

મહેશ ચોકસી