બેરિંગ સમુદ્ર : ઉત્તર પેસિફિક મહાસાગરને ઉત્તર છેડે આવેલો સમુદ્ર. તે અલાસ્કા અને સાઇબીરિયા વચ્ચે, એલ્યુશિયન ટાપુઓની ઉત્તર તરફ આવેલો છે. તેની ઉત્તર સીમા બેરિંગની સામુદ્રધુનીથી અને દક્ષિણ સીમા એલ્યુશિયન ટાપુઓથી પૂરી થાય છે. તેની પહોળાઈ આશરે 1,930 કિમી. જેટલી; લંબાઈ 1,530 કિમી. જેટલી તથા વિસ્તાર આશરે 23,00,000 ચોકિમી. જેટલો છે. તેની વધુમાં વધુ ઊંડાઈ 4,090 મીટરની છે, પરંતુ દક્ષિણ ભાગ 200 મીટરથી પણ ઓછી ઊંડાઈવાળો છે. વહાણોની અવરજવર માટે જરૂરી ઊંડા જળનો ભાગ નદીઓના ત્રિકોણપ્રદેશીય વિભાગોને બાદ કરતાં બાકીના કિનારા તરફ રહેલો છે. આ સમુદ્રમાં ઉનાળામાં પ્રસરી રહેતું ધુમ્મસ ક્યારેક વહાણો માટે ખતરનાક નીવડે છે. શિયાળામાં ઉત્તર તરફનો વિભાગ બરફથી થીજી જાય છે. સપ્ટેમ્બરમાં ઉત્તર કિનારા પરના પ્રવેશમાર્ગોમાં બરફ જામવાની ક્રિયા શરૂ થાય છે, પરંતુ સેન્ટ લૉરેન્સ ટાપુ જૂનના અંત સુધીમાં બરફમુક્ત બની રહે છે. અલાસ્કાના કિનારાથી દૂર સપાટી પરના જળપ્રવાહોની ગતિ ઉત્તર તરફની, જ્યારે સાઇબીરિયન કિનારાથી દૂર તરફના ભાગમાં પ્રવાહોની ગતિ દક્ષિણ તરફની બની રહે છે.
આ સમુદ્રનો સર્વપ્રથમ શોધક (1728) વિટ્સ બેરિંગ નામનો ડેનિશ હતો. 1741ની પછીની તેની સફર દરમિયાન તેણે નજીકના ઘણા ટાપુઓ તથા આ સમુદ્રના કિનારાના કેટલાક ભાગો પણ શોધી કાઢેલા. 1778માં અંગ્રેજ નૌકાસફરી કૅપ્ટન કૂકે પણ આ સમુદ્રનો કેટલોક ભાગ શોધી કાઢેલો. આ સમુદ્ર અને સામુદ્રધુની બંનેનાં નામ વિટ્સ બેરિંગ પરથી અપાયેલાં છે.
ઓગણીસમી સદીમાં આ સમુદ્ર પરના આધિપત્ય માટે યુ.એસ. અને બ્રિટન વચ્ચે વિવાદ ચાલેલો. આધિપત્ય માટેની તકરાર રુવાંટીધારક સીલના રક્ષણ માટે યુ.એસ.ના દાવામાંથી ઉદભવેલી. દુનિયાભરમાં અતિમૂલ્યવાન ગણાતી રુવાંટીવાળાં સીલનાં ટોળાં આ સમુદ્રમાં પ્રિબીલોફ ટાપુઓની આસપાસ રહે છે. 1867માં યુ.એસે રશિયા પાસેથી આ ટાપુઓનો કબજો મેળવેલો. 1870માં યુ.એસે દર વર્ષે મારી નંખાતી સીલની સંખ્યા પર મર્યાદા લાવવા, તેમને રક્ષણ આપવા તથા કોઈ એક જ કંપનીને પરવાનો આપવા પ્રયાસો કરેલા; પરંતુ યુ.એસ. પાસે તો આ ટાપુઓથી 5.5 કિમી. અંતરના જળ-વિસ્તાર પૂરતો જ અંકુશ હતો. કૅનેડા, મૅક્સિકો, રશિયા, જાપાન અને અમેરિકાના લોકો અહીં નજીકમાં વહાણો લઈને આવતા તથા જળસપાટી બહાર આવતી માદા સીલને મારી નાખતા. આ કારણે યુ.એસે બેરિંગ સમુદ્રના બધા જ વિસ્તાર માટે દાવો મૂકેલો. બ્રિટને તેનો વિરોધ નોંધાવેલો. આથી આ વિવાદ આંતરરાષ્ટ્રીય લવાદી સત્તાને સોંપવામાં આવ્યો. 1893માં લવાદી બૉર્ડે ચુકાદો આપ્યો કે યુ.એસ. આ જળ પર કાબૂ જમાવી શકે નહિ; પરંતુ સાથે સાથે મારી નંખાતી સીલની સંખ્યા પર મર્યાદા પણ મૂકી આપી.
1911માં યુ.એસ., રશિયા, ગ્રેટ બ્રિટન અને જાપાને ભેગા મળીને સીલનું રક્ષણ કરવાના કરાર પર સહીઓ કરી, તથા માત્ર યુ.એસ. જ સીલ પકડી શકે તેવી મંજૂરી આપી. 1941માં જાપાન આ કરારમાંથી નીકળી ગયું. 1957માં યુ.એસ., જાપાન, રશિયા અને કૅનેડાએ ફરીથી ઉત્તર પૅફિકમાં રુવાંટીધારક સીલના રક્ષણ માટેના કરારમાં સહીઓ કરી. ત્યારથી યુ.એસ. તથા રશિયાએ સીલના વ્યાપારી હેતુ માટેના શિકાર પર અંકુશ મૂકી દીધેલો છે.
ગિરીશભાઈ પંડ્યા
નિયતિ મિસ્ત્રી