બેન્ડિગો : ઑસ્ટ્રેલિયાના ખંડના વિક્ટોરિયા રાજ્યમાં ઉત્તર તરફ આવેલું શહેર. મૂળ નામ સૅન્ડહર્સ્ટ. ભૌગોલિક સ્થાન : 36° 46´ દ. અ. અને 144° 17´ પૂ. રે. મેલબૉર્નથી ઉત્તરમાં 150 કિમી. અંતરે તે આવેલું છે. ઑસ્ટ્રેલિયન આલ્પ્સનું નૈર્ઋત્ય વિસ્તરણ રચતા ઓછી ઊંચાઈવાળા પર્વતોના ઉત્તર ઢોળાવો પર તે વસેલું છે.
બેન્ડિગોની આબોહવા સૂકી ઉપઅયનવૃત્તીય છે. ઉનાળા(જાન્યુઆરી)નું તાપમાન 21° સે. જેટલું અને શિયાળા(જુલાઈ)નું તાપમાન આશરે 7° સે. જેટલું રહે છે. અહીં આ બે મહિના અનુક્રમે સૌથી ગરમ અને સૌથી ઠંડા ગણાય છે. અહીં સરેરાશ વરસાદ આશરે 635 મિમી. પડે છે.
19મી સદીમાં વિક્ટોરિયા રાજ્યમાં થયેલા સુવર્ણ ધસારા વખતે તે દુનિયાનાં મોટાં ગણાતાં સુવર્ણખનન કેન્દ્રો પૈકીના એક મહત્વના કેન્દ્ર તરીકે ખૂબ જાણીતું બનેલું. તે પછીનાં લગભગ સો વર્ષ અહીં સોનાનું ખાણકાર્ય બંધ પડ્યા બાદ આ શહેર ઔદ્યોગિક તથા વેપારી મથકમાં ફેરવાયું છે. તેના આગળપડતા ઉદ્યોગોમાં ખાદ્યપ્રક્રમણ, સુતરાઉ કાપડ તથા ઇજનેરી માલસામાનનો સમાવેશ થાય છે. અહીંની ખાદ્યપેદાશો આખા ઑસ્ટ્રેલિયામાં વેચાય છે. આ કારણે અહીંની ઘણી પેઢીઓને નિકાસી વેપાર મળી રહે છે. આ ઉપરાંત તે સમૃદ્ધ કૃષિવિષયક પેદાશો તથા ફળોનું મથક તથા મરઘાં-ઉછેર કેન્દ્ર અને મદ્ય-ઉત્પાદન-કેન્દ્ર બની રહેલું છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી બેન્ડિગોમાં પ્રવાસનઉદ્યોગ પણ વિકસતો જાય છે. માટીમાંથી બનાવેલી જાતજાતની કલાત્મક ચીજો, 60 મીટરની ઊંડાઈ સુધી બતાવાતી સેન્ટ્રલ ડેબોરાહની ખાણ, સૅન્ડહર્સ્ટ નગર, મોહેર ફાર્મ, ઈસ્ટરનો વાર્ષિક મેળો વગેરે પ્રવાસીઓ માટેનાં અહીંનાં મહત્વનાં આકર્ષણો છે.
ઑસ્ટ્રેલિયાનાં બધાં રાજ્યોમાં વિક્ટોરિયા રાજ્ય તેના સ્થાપત્ય માટે પણ જાણીતું બનેલું છે. સ્થાપત્યોમાંથી અહીંના મૂળ વસાહતીઓ વિશે તથા સુવર્ણ ધસારાઓ વિશેની માહિતીનો આબેહૂબ ચિતાર મળી રહે છે. બૅન્ડિગો ઍંગ્લિકન અને કૅથલિક પંથના પાદરીઓના મઠનું મથક પણ છે.
બૉક્સિગંમાં પ્રવીણ એવા ‘બેન્ડિગો’ ઉપનામ ધરાવતા અહીંના એક ભરવાડ પરથી આ શહેરને ‘બેન્ડિગો’ નામ અપાયું હોવાનું કહેવાય છે. 1851માં ‘બેન્ડિગો ક્રીક’માં સોનું મળે છે એવી માહિતી ફેલાવાથી અહીં હજારો ખાણિયા આવતા ગયા, ત્યારે આ સ્થળ થોડા વખત માટે તંબૂઓનું નગર બની ગયેલું. 1858 સુધીમાં તો તેના સુવર્ણક્ષેત્રની આસપાસ 23,928 જેટલી વસ્તી થઈ ગયેલી. આ અગાઉ 1855માં અહીં નગરપાલિકા સ્થપાઈ હતી. 1871માં તો તે શહેર બની ગયું હતું. અહીં પ્રથમવાર તો કાંપમય નિક્ષેપોમાંથી સોનું મળતું હતું; ત્યારપછી 1872માં તે ક્વાર્ટ્ઝ-શિરાઓ સાથે ખાણોમાંથી તે મળતું થયું.
1954માં અહીંની છેલ્લામાં છેલ્લી ખાણ બંધ પડી ત્યારપછીથી તે અન્ય ઉદ્યોગો તરફ વળ્યું છે. 1851થી 1954 સુધીના ખનનગાળા દરમિયાન અહીંથી 6,00,000 કિગ્રા. જેટલું સોનું મેળવવામાં આવેલું છે. આજે તો બેન્ડિગો ફાઉન્ડ્રીઓ, કારખાનાં અને રેલમાર્ગોની સુવિધા સાથેનું એક ઔદ્યોગિક શહેર બની રહેલું છે.
ગિરીશભાઈ પંડ્યા