બેન્ટોનાઇટ (bentonite) : માટીનો એક વિશિષ્ટ પ્રકાર. તે નરમ, નમનીય હોય છે અને મોટા પ્રમાણમાં શોષણશક્તિનો ગુણધર્મ ધરાવે છે. યુ.એસ.માં વાયોમિંગના ક્રિટેસિયસ સ્તરોમાં ફૉર્ટ બેન્ટૉન નજીક સર્વપ્રથમ વિશિષ્ટ પ્રકારની, ખૂબ જ કલિલ સુઘટ્ય માટી મળી આવેલી હોવાથી સ્થળના નામ પરથી તેને બેન્ટોનાઇટ નામ અપાયેલું છે. તેને જ્યારે પાણીમાં રાખવામાં આવે છે ત્યારે તે તેના મૂળ કદ કરતાં અનેકગણી ફૂલે છે, પરંતુ પાણીમાં તેનું ઓછું પ્રમાણ નાખવાથી તેની સ્નિગ્ધતામાં ફેર પડે છે અને કલિલ ઘનદ્રાવણ બની રહે છે. વાયોમિંગમાં મળી આવેલી આ માટી પર પછીથી કરવામાં આવેલાં અન્વેષણો દ્વારા જાણવા મળ્યું કે તે મોન્ટમોરિલોનાઇટ-મૃદ ખનિજોથી બનેલું વધુ પ્રમાણમાં કલિલ અને સુઘટ્ય માટીદ્રવ્ય છે અને જ્વાળામુખી ભસ્મની સ્વસ્થાનિક (in situ) પરિવર્તનપેદાશ છે. ઘણા ખનિજશાસ્ત્રીઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓ હવે તેને માટીના ગુણધર્મોના કોઈ સંદર્ભ વિના જ માત્ર ‘બેન્ટોનાઇટ’ નામથી જ ઓળખે છે; આ ઉપરાંત, આ પર્યાય ઉત્પત્તિસ્થિતિના કોઈ સંદર્ભ વિના કોઈ પણ કલિલ, સુઘટ્ય, વધુ પ્રમાણમાં ફૂલી શકતી માટી માટે પણ વપરાય છે.

ઉત્પત્તિ : બેન્ટોનાઇટમાં જોવા મળતી પરરૂપ (pseudomorph) ભસ્મકણિકાઓની પ્રાપ્તિ પરથી તેનું માતૃદ્રવ્ય જ્વાળામુખીજન્ય ભસ્મ હોવાનો નિર્દેશ મળી રહે છે. તેમાં રહેલાં અગ્નિકૃત ઉત્પત્તિવાળાં લાક્ષણિક ખનિજોની હાજરી પણ તેની ભસ્મજન્ય ઉત્પત્તિનો પુરાવો પૂરો પાડે છે. આ પુરાવો નિર્દેશ કરે છે કે ભસ્મની જમાવટ દરમિયાન કે પછીથી તરત જ જ્વાળામુખી કાચકણિકાઓનું મોન્ટમોરિલોનાઇટમાં રૂપાંતર થયેલું છે. પરિવર્તન-પ્રક્રિયામાં ભસ્મના કુદરતી કાચનું વિકાચીકરણ (devitrification) થઈને મોન્ટમોરિલોનાઇટમાં સ્ફટિકીકરણ થયું હોય છે. ભસ્મ ઘણી વાર સિલિકાનું વિશેષ પ્રમાણ પણ ધરાવતી હોવાનું માલૂમ પડેલું છે. બેન્ટોનાઇટમાં આ સિલિકા ક્રિસ્ટોબેલાઇટ સ્વરૂપે રહેલું હોય છે.

ઉપયોગો : બેન્ટોનાઇટનું વિશેષ વ્યાપારી મૂલ્ય અંકાય છે. તેલને રંગવિહીન કરવા માટે, પાણીને નરમ બનાવવા માટે, બીબાઢાળ રેતીના બંધક તરીકે, ઉદ્દીપકોની બનાવટમાં તેમજ તેલના કૂવા તૈયાર કરવા માટે વપરાતા શારકામ પંકને ઘટ્ટ બનાવવામાં પૂરક તરીકે બેન્ટોનાઇટ વપરાય છે. તેના ભિન્ન ભિન્ન ગુણધર્મને કારણે સ્થાનભેદે મળતી બેન્ટોનાઇટનો જે તે આર્થિક ઉપયોગ નક્કી થતો હોય છે. અમુક સ્થળની બેન્ટોનાઇટ શારકામ પંક માટે, બીજા સ્થળની બેન્ટોનાઇટ ઉદ્દીપક તરીકે કે તેલરંગનાબૂદી માટે યોગ્ય નીવડતી હોય છે.

પ્રાપ્તિ : બેન્ટોનાઇટ લગભગ બધા જ દેશોમાંથી અને જુદી જુદી વયના ખડકોમાંથી મળી રહે છે, જેમ કે ક્રિટેસિયસ અને તે પછીના વયના ખડકોમાં તેનું પ્રમાણ વિશેષ જોવા મળેલું છે. જૂના વયના ખડકોમાં તેનું વિકૃતીકરણ થયેલું હોવાથી તે નષ્ટ પામેલી છે. એવી બેન્ટોનાઇટ ખાસ ફૂલી શકતી નથી, કલિલ ગુણધર્મ પણ ધરાવતી હોતી નથી, તેથી તેને મેટાબેન્ટોનાઇટ નામથી ઓળખવામાં આવે છે. બેન્ટોનાઇટના સ્તરો થોડાક મિમી.થી 15 મીટરની જુદી જુદી જાડાઈના હોઈ શકે છે. તેનો રંગ પણ પરિવર્તનશીલ રહે છે, તેમ છતાં સ્થાનભેદે તે સફેદ રાખોડી, પીળા, પીળા-લીલા રંગોમાં મળી આવે છે. ખવાણ પામેલી વિવૃતિઓમાં તે જાળાકાર રચનાવાળી હોય છે. સુકાવાથી તે સંકોચાય છે અને વાંકીચૂકી ગેડ પડી જાય છે. ઉપર દર્શાવેલી ઉત્પત્તિના સંદર્ભમાં જોતાં, ભૂસ્તરીય કાળક્રમમાં મળતા ભસ્મના બધા જ સ્તરો કાંઈ બેન્ટોનાઇટમાં પરિવર્તન પામેલા હોતા નથી. દરિયાઈ સ્તરોમાં પણ તે ઘણી વાર જોવા મળેલી છે, જે બતાવે છે કે સમુદ્રજળમાં પણ ભસ્મનું બેન્ટોનાઇટમાં પરિવર્તન થયેલું હોય છે.

યુ.એસ.નાં વાયોમિંગ, ઍરિઝોના, મિસિસિપીમાંથી; ઇંગ્લૅન્ડ, જર્મની, યુગોસ્લાવિયા, રશિયા, જાપાન, અલ્જીરિયા અને આર્જેન્ટીનામાંથી બેન્ટોનાઇટના વિશાળ જથ્થા મળે છે. ભારતમાં તે ગુજરાત, રાજસ્થાન અને જમ્મુમાંથી મળે છે. ગુજરાતમાં અમરેલી, કચ્છ, ખેડા, જામનગર, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાંથી બેન્ટોનાઇટ મળે છે.

ગિરીશભાઈ પંડ્યા