બેનેડિક્ટ, રૂથ ફુલ્ટન (જ. 5 જૂન 1887, ન્યૂયૉર્ક સિટી; અ. 17 સપ્ટેમ્બર 1948, ન્યૂયૉર્ક સિટી) : પ્રખ્યાત અમેરિકન મહિલા માનવશાસ્ત્રી. પિતા તબીબી સંશોધન અને વાઢકાપ-વિદ્યામાં આગળપડતા નિષ્ણાત હતા. પિતાના અવસાન પછી તેઓ સ્થળાંતર કરીને માતા સાથે મધ્યપશ્ચિમ અમેરિકામાં વસ્યાં હતાં. પાછળથી તેઓ બફેલોમાં સ્થાયી થયાં. 1909માં સ્નાતક થયાં અને 1914માં સ્ટૅનલી બેનેડિક્ટ સાથે તેમનાં લગ્ન થયાં. 1919માં ન્યૂયૉર્કમાં ‘ન્યૂ સ્કૂલ ફૉર સોશિયલ રિસર્ચ’ના માનવશાસ્ત્ર વિભાગમાં જોડાયાં. ત્યાં તેમને તે સમયના પ્રખ્યાત માનવશાસ્ત્રી ઍલેક્ઝાંડર ગોલ્ડન વાઇઝરને મળવાનું થયું. તેમણે તેમને કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર ફ્રાન્સ બોઆસના માર્ગદર્શન હેઠળ કામ કરવા માટે પ્રેરણા આપી. તદનુસાર કોલંબિયા યુનિવર્સિટીમાં કામ કરતાં તેમને મહિલા માનવશાસ્ત્રી માર્ગરેટ મીડ સાથે પરિચય થયો. તેમણે એલ. એ ક્રૉબરના
માર્ગદર્શન હેઠળ કૅલિફૉર્નિયાના સેરાનો ઇંડિયન્સ વિશે સંશોધન કર્યું. 1923માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી બોઆસના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમના સંશોધનનો વિષય ‘ધ કૉન્સેપ્ટ ઑવ્ ધ ગાર્ડિયન સ્પિરિટ ઇન નૉર્થ અમેરિકા’ હતો. તેમણે આ અભ્યાસમાં જોયું કે આ ઇન્ડિયનોમાં પિતૃ-આત્મા દરેક કાર્યમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. આનંદ, સુખ-દુ:ખ બધું તેના થકી હોવાનું મનાય છે. તેના આદેશ પ્રમાણે જીવન ગતિશીલ બને છે. જૂથના સભ્યોની વર્તનપ્રણાલીનું તે ઘડતર કરે છે. આ સ્થિતિ તેમના ઉત્સવો, વિધિઓ, રિવાજો, તહેવારો વગેરેમાં પણ પ્રતિબિંબિત થતી જોવા મળે છે. આમ જૂથની સાંસ્કૃતિક પ્રણાલિકાઓ પિતૃ-આત્મા દ્વારા પ્રભાવિત થતી હોવાનું તેમણે દર્શાવ્યું. દરમિયાન કોલંબિયા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રમાં તેમની વ્યાખ્યાતા તરીકે પસંદગી થઈ. તે પછી 1925માં ઝૂની અને કોચોટી જાતિના અને 1926માં પીમા જાતિના અભ્યાસો કર્યા. પીમા જાતિના અભ્યાસમાંથી તેમણે ‘સાંસ્કૃતિક ભાત’(culture pattern)ની વિભાવના વિકસાવી. 1934માં તેમનું પ્રખ્યાત પુસ્તક ‘પૅટર્ન્સ ઑવ્ કલ્ચર’ પ્રગટ થયું. તે પછી જાપાની સંસ્કૃતિનો અભ્યાસ કર્યો અને ‘ધ ક્રિસૅન્થમમ ઍન્ડ ધ સ્વૉર્ડ’ પુસ્તક 1946માં બહાર આવ્યું. તેમાં જાપાની રાષ્ટ્રીયતાની વિલક્ષણતા બતાવાઈ છે. 1942માં કોલંબિયા યુનિવર્સિટીમાં તેઓ માનવશાસ્ત્રનાં પ્રાધ્યાપક તરીકે નિમાયાં.
માનવશાસ્ત્રમાં તેમનું મહત્વનું અર્પણ તે ‘પૅટર્ન્સ ઑવ્ કલ્ચર’. વળી ફ્રાન્સ બોઆસ તથા ક્રૉબર જેવા માનવશાસ્ત્રીઓના માર્ગદર્શન હેઠળ ક્ષેત્રકાર્ય દ્વારા વધુ ને વધુ ઊંડાણભર્યા અભ્યાસો કરવાની એક પગદંડી કંડારીને તેમણે માનવશાસ્ત્રમાં ક્ષેત્રકાર્ય – પદ્ધતિનું મહત્વ સ્થાપિત કર્યું.
અરવિંદ ભટ્ટ