બેનેગલ, શ્યામ (જ. 14 ડિસેમ્બર 1934, હૈદરાબાદ) : સમાંતર સિનેમાનું આંદોલન જગાવનાર ક્રાંતિકારી હિન્દી ફિલ્મસર્જક. તેમના પિતા છબીકાર હતા. તેમણે સોળ મિમી. ચલચિત્ર માટેનો એક કૅમેરા શ્યામને ભેટ આપ્યો હતો. આમ તેમને ચલચિત્રક્ષેત્રે દીક્ષા મળી. બેનેગલે હૈદરાબાદમાં એક ફિલ્મ સોસાયટીની સ્થાપના કરી. આ સોસાયટીના ઉપક્રમે પહેલી ફિલ્મ ‘પથેર પાંચાલી’ પ્રદર્શિત કરી. અર્થશાસ્ત્ર સાથે એમ.એ. થયા બાદ બેનેગલ મુંબઈ આવ્યા અને વિજ્ઞાપનની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા. ‘અંકુર’(1973)થી ફિલ્મનિર્માણની શરૂઆત કરી. આ ફિલ્મે સમીક્ષકોને આશ્ચર્યચકિત કરી દીધા. ચૌદ વર્ષ વિજ્ઞાપનની દુનિયામાં કામ કરનાર વ્યક્તિ આવી સુંદર ફિલ્મ આપી શકે તે તેમની કલ્પનામાં ન હતું. આવી અનેરી સિદ્ધિ માટે બેનેગલને ‘પદ્મભૂષણ’થી નવાજવામાં આવ્યા. તત્કાલીન સોવિયેત સંઘનો નહેરુ પુરસ્કાર તથા હોમી ભાભા ફેલોશિપ મેળવનાર શ્યામ બેનેગલે કદીયે વ્યાવસાયિક સિનેમા સમક્ષ મસ્તક ઝુકાવીને કામ કર્યું નથી. તેમણે દૂરદર્શન માટે નહેરુની કૃતિ ઉપરથી ‘ભારત  – એક ખોજ’ નામની 53 ભાગની શ્રેણી બનાવી.

શ્યામ બેનેગલ

તેમણે સર્જેલી મુખ્ય ફિલ્મોની યાદી : ‘અંકુર’ (1973), ‘નિશાંત’ (1975), ‘મંથન’ અને ‘ભૂમિકા’ (1976), ‘કોંડુરા’ (1977), ‘જુનૂન’ (1978), ‘કલયુગ’ (1980), ‘સૂરજ કા સાતવાં ઘોડા’ (1992), અને ‘ગાંધી સે મહાત્મા’ (1997).

પીયૂષ વ્યાસ