બેનેટ, (એનૉક) આર્નલ્ડ

January, 2000

બેનેટ, (એનૉક) આર્નલ્ડ (જ. 27 મે 1867, સ્ટૅફર્ડશાયર, હૅન્લી, ઇંગ્લૅન્ડ; અ. 27 માર્ચ 1931, લંડન) : અંગ્રેજ નવલકથાકાર અને નાટ્યકાર. શિક્ષણ ન્યૂકૅસલ મિડલ સ્કૂલમાં. લંડન યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા બાદ પિતાની જેમ વકીલ થવાની ઇચ્છા, પરંતુ તેમની સાથે ઉગ્ર મતભેદ થતાં લંડનમાં કારકુન તરીકે માત્ર 21 વર્ષની ઉંમરે નોકરી સ્વીકારી. વધારાની આવક માટે લેખનમાં ઝંપલાવ્યું. તેમની એક વાર્તા જાણીતા સામયિક ‘યલો બુક’માં પ્રસિદ્ધ થઈ. ‘ટિટબિટ્સ’ સામયિકે તેમને 20 ગિનીનું રોકડ ઇનામ આપ્યું. 1893માં ‘વુમન’ નામના સામયિકમાં નજીવા વેતનથી જોડાયા. તેમણે સૌંદર્ય-પ્રસાધનો અને સૌંદર્યની જાળવણી માટે ટૂંકી નોંધો લખી; એટલું જ નહિ, પરંતુ પ્રેમભંગથી હતાશ થયેલાઓ માટે બે બોલ પણ લખ્યા. આ એક આગવો અનુભવ હતો, જે તેમની કૃતિઓમાં સ્ત્રીમાનસને સમજવા માટેનું કારણ બન્યો હોય તેમ લાગે છે. 1896માં તેમણે ‘જર્નલ’ નામનું સામયિક શરૂ કર્યું, જેમાં તેમના જમાનાનું અને પોતાના શિસ્તભર્યા જીવનનું હૂબહૂ દર્શન કરાવતા લેખો લખ્યા છે. કંઈક અંશે આત્મકથનાત્મક એવી તેમની પ્રથમ નવલકથા ‘ધ મૅન ફ્રૉમ ધ નૉર્થ’(1898)ના સર્જન બાદ હંમેશ માટે નોકરીને તિલાંજલિ આપી અને શેષ જીવન વાચન-લેખનને અર્પણ કર્યું.

આર્નલ્ડ બેનેટ (એનૉક)

1902–1912 દરમિયાન બેનેટ ફ્રૉન્તેનબ્લૉમ, ફ્રાન્સમાં રહ્યા. કહે છે કે વરસે દહાડે તે 5 લાખ શબ્દો સહેજે લખતા. તરંગી અને મોજમજાના જીવનની અભિવ્યક્તિ ‘ધ ગ્રાન્ડ બૅબિલૉન હોટેલ’ (1902), ‘ધ કાર્ડ’ (1911) અને ‘મિસ્ટર પ્રૉહેક’ (1922)માં થઈ છે. ‘ધી ઓલ્ડ વાઇવ્ઝ ટેલ’ (1908) દ્વારા બેનેટનું સ્થાન તે સમયના શ્રેષ્ઠ નવલકથાકારોમાં નિશ્ચિત થઈ ચૂક્યું. કેટલેક અંશે પછીના સમયની તેમની ‘ક્લેહેંગર’ (1910), ‘હિલ્ડા લેસવેઝ’ (1911), ‘ધીસ ટ્વેન’ (1916), ‘ધ રોલકૉલ’ (1918), ‘રાઇસિમૅન સ્ટેપ્સ’ (1923) અને ‘ઇમ્પીરિયલ પૅલેસ’ (1930) જેવી નવલકથાઓ તેમની પ્રતિષ્ઠાનું જતન કરતી હોય તેમ જણાય છે.

‘ધી ઓલ્ડ વાઇવ્ઝ ટેલ’ બર્સલી ગામના એક કરિયાણાના વેપારીની પુત્રીઓ કૉન્સ્ટન્સ અને સોફિયા બેન્સની કથા છે. તેમની કિશોરાવસ્થાથી તે સમાજ પરત્વેનો તેમનો ભ્રમ ભાંગી ગયો ત્યાં સુધીની, એકમેકનાં વિરહ અને મિલનની આ વાત છે. કૉન્સ્ટન્સ ઠરેલ અને બુદ્ધિશાળી યુવતી છે. તેનું લગ્ન એકંદરે ધનિક પરંતુ દેખીતી રીતે તો સત્ત્વ વગરના સૅમ્યુઅલ પૉવી સાથે થયું છે. પૉવી દુકાનમાં મુખ્ય મદદનીશ છે. બંનેનું જીવન બર્સલીમાં વીતે છે. સોફિયા વધુ લાગણીશીલ અને તરંગી સ્વભાવની મહિલા છે. જિરાલ્ડ સ્કેલ્સ નામના ધંધાદારી અને પૈસાપાત્ર પર્યટક સાથે તે ભાગી જાય છે. જિરાલ્ડને જીવનમાં કોઈ ખાસ ધ્યેય નથી. બંને પૅરિસમાં જતાં રહે છે. પૅરિસમાં સોફિયાને હલકા માણસોના હાથમાં સોંપી જિરાલ્ડ ત્યાંથી રફુચક્કર થઈ જાય છે. સોફિયા પર્યટકો માટે નિવાસસ્થાન બનાવે છે. તેનું જીવન સંઘર્ષમય બની રહે છે. અંતે બે બહેનોનું આકસ્મિક, સુભગ મિલન થાય છે. બંને શેષ જીવન બર્સલીમાં વિતાવે છે.

‘માઈલસ્ટોન્સ’ (1912) તેમનું સફળ નાટક છે. જોકે બેનેટને કીર્તિ અપાવી છે નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓએ. તેમની યુવાવસ્થાનાં સંસ્મરણોને અનુલક્ષીને માટીકામ માટે સુપ્રસિદ્ધ એવા ‘ફાઇવ ટાઉન્સ’ની પશ્ચાદભૂમિકામાં તેમણે કેટલીક નવલકથાઓ લખી છે. આ ઉપરાંત ‘ધ ગ્રિમ સ્માઇલ ઑવ્ ધ ફાઇવ ટાઉન્સ’ (1907) અને ‘ધ મૅટાડૉર ઑવ્ ધ ફાઇવ ટાઉન્સ’ (1912) તેમના નોંધપાત્ર વાર્તાસંગ્રહો છે.

ખાસ જાણીતાં નહિ તેવાં અને સામાન્ય, ઘરાળુ જીવન જીવતાં પાત્રોમાં બેનેટે ખાસ રસ દાખવ્યો છે.

રંજના હરીશ