બેનાસરફ, બરુજ (Benacerraf, Baruj) (જ. 29 ઑક્ટોબર 1920, કૅરેકસ, વેનેઝુએલા) : ઈ. સ. 1980ના તબીબી વિદ્યા અને દેહધાર્મિક વિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. જીન ડૉસેટ અને જ્યૉર્જ ડી. સ્નેલ સાથે તેમણે કોષની સપાટી પરની અને જનીનો દ્વારા નિયંત્રિત પ્રતિરક્ષાલક્ષી સંરચનાઓ અંગે સંશોધન કરવા માટે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. તેઓ 1940માં અમેરિકા દેશાંતર કરીને ગયા અને ઈ. સ. 1950થી 1956 સુધી તેઓ પૅરિસ ખાતે અને ત્યારબાદ ન્યૂયૉર્ક મેડિકલ સ્કૂલ ખાતે કામ કરીને 1970માં હાર્વર્ડ યુનિવર્સિટીના પેથૉલોજી વિભાગમાં પ્રાધ્યાપક તરીકે નિમાયા. તેમણે ગિની પિગ પર સંશોધન કરીને H-2 વિખંડિકા (segment) પર આવેલા પ્રતિરક્ષાભાવ(immune response)લક્ષી જનીનોને શોધી બતાવ્યા, જે પ્રત્યારોપણ દ્વારા દાન મળેલા અવયવનો સ્વીકાર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ ત્રણેયનાં સંશોધનોએ હાલ અવયવદાનની પ્રક્રિયામાં ઘણી ઉપયોગી જાણકારી મેળવી આપી. કોઈ આદાતા(recipient)ને જ્યારે અવયવનું દાન કરવામાં આવે છે (પ્રત્યારોપણ, transplant) ત્યારે તે કયા દાતાનો અવયવ સ્વીકારશે તે જાણવા માટે તપાસ કરવામાં આવે છે. તે સમયે માનવ શ્વેતકોષી પ્રતિજનપ્રણાલી(human leucocyte antigen system, HLA system)ની તપાસ કરાય છે. આ HLA પ્રણાલી સાથે સંલગ્ન જનીનો આ જ H-2 વિખંડિકાના સભ્યો છે. તેમનાં આ સંશોધનોએ અવયવોના પ્રત્યારોપણની દિશામાં મહત્વની સફળતા અપાવી છે.
શિલીન નં. શુક્લ