બેદુઇન : મધ્યપૂર્વના રણપ્રદેશોમાં ટોળીઓમાં વિચરતી અરબ જાતિના લોકો. આ લોકો તેમના જીવનનિર્વાહ માટે પાણીની તેમજ તેમનાં ઊંટો, ઘેટાં, બકરાં માટેની ગોચરભૂમિની શોધમાં પરંપરાગત રીતે રણોમાં ભટકતા રહે છે. આશરે 10 લાખ જેટલા બેદુઇનો પૈકીના ઘણાખરા મુસ્લિમ છે અને અરબી ભાષાની કેટલીક બોલીઓનો ઉપયોગ કરે છે, તેઓ તંબુઓમાં રહે છે. તેમનાં જ પ્રાણીઓની વાળવાળી ચામડીમાંથી બનાવેલો પોશાક પહેરે છે. તેઓ ઘણુંખરું દૂધની પેદાશો, ખજૂર અને ચોખાનો ખોરાક લે છે. તેમનાં પશુઓનાં માંસ તથા દૂધની બનાવટોનો આસપાસનાં ગામડાંઓમાં વેપાર કરે છે અને તેના બદલામાં ચપ્પાં, છરીઓ, માટલાં તથા તેમની જરૂરિયાતની ચીજો લે છે.
સ્વભાવે તેઓ ખૂબ જ સ્વમાની, પોતાનું ગૌરવ જાળવવાવાળા હોય છે. તેઓ સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવે છે. તેઓ હિંમતવાન, ઉદાર મનવાળા તથા પોતાની જાતિને વફાદાર હોય છે. સ્વમાનને ભોગે કોઈ સમાધાન કરતા નથી, જાતિઓ જાતિઓ વચ્ચે ક્યારેક લોહિયાળ ઝઘડામાં ઊતરી પડતાં પણ ખચકાતા નથી.
વીસમી સદીના ઉત્તરાર્ધકાળ દરમિયાન તેમની વસ્તીમાં વધારો થયો હોવાથી, કેટલાક બેદુઇનોએ વિચરતું જીવન છોડી દીધું છે. પહેલાં ગ્રામીણ બનેલા, પરંતુ હવે તેઓ શહેરી જીવન તરફ વળ્યા છે. સ્વાસ્થ્ય-સંભાળ, બાળકોનાં શિક્ષણ તથા નોકરીઓના લાભો માટે તેઓ સ્થાયી જીવન જીવતા થયા છે. આથી રણોમાં વિચરતી જાતિના લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. મધ્ય અરબસ્તાનના ઘણા દેશોએ બેદુઇનોના સ્થાયી વસવાટ માટે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે, કેટલીક સરકારોએ તેમને ખેતી કરવા ભૂમિ ફાળવી આપી છે, કેટલાકને પશુપાલનના વ્યવસાય માટે પ્રેર્યા છે, તો કેટલાક દેશોએ તેમને આવાસો પણ બાંધી આપ્યા છે.
ગિરીશભાઈ પંડ્યા