‘બેદિલ’, મિરઝા અબ્દુલકાદિર (જ. – અઝીમાબાદ; અ. 1721, દિલ્હી) : હિંદમાં થઈ ગયેલા છેલ્લા મહાન ફારસી કવિ. તેઓ મુઘલકાળના શાહજાદા મોહમ્મદ આઝમના દરબાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે 1 લાખથી વધુ કાવ્યપંક્તિઓની રચના કરી છે. મુઘલયુગના આ છેલ્લા મહાન ફારસી કવિ ‘બેદિલ’ને પોતાના સમયના અમીર-ઉમરાવો અને વિદ્વાનો માનની ર્દષ્ટિએ જોતા અને તેમાંના ઘણાખરા તેમની મુલાકાત અર્થે પણ આવતા હતા. તેમાં શુકરલ્લાખાન, નિઝામુલમુલ્ક આસફજાહ અને અમીરુલ ઉમરા સૈયદ હસન અલી વગેરે મુખ્ય છે.
કહેવાય છે કે મોહમ્મદ આઝમના દરબારમાં પ્રવેશ મેળવ્યા બાદ એક સમયે શાહજાદાએ પોતાની શાનમાં એક કસીદહ (પ્રશસ્તિકાવ્ય) રચવાની ફરમાશ કરી ત્યારે કવિએ તેનો ઇન્કાર કર્યો અને દરબારી સેવા છોડીને દિલ્હી ચાલ્યા ગયા. અહીં તેમણે દુન્યવી સંબંધોનો ત્યાગ કરીને એકાંતવાસ અપનાવ્યો.
‘બેદિલે’ ગદ્ય અને પદ્ય બંનેમાં પોતાની કલમ અજમાવી છે. તેમની ગઝલોમાં ઉચ્ચકક્ષાના તાત્વિક વિચારો, ઊર્મિ અને ભાવનાઓ વ્યક્ત થયાં છે. તેમની મસ્નવીઓ પણ ઉચ્ચ દરજ્જાની છે. ‘બેદિલ’ના કુલ્લિયાતમાં ગઝલો, મસ્નવીઓ અને બોધદાયક પદોનો સમાવેશ થયેલો છે.
તેમની ગદ્યરચનાઓમાં ‘નુકાત’ નામે એક કૃતિ મળી આવી છે. ગદ્ય અને પદ્ય બંને પ્રકારની તેમની રચનાઓમાં તસવ્વુફનો રંગ જોવા મળે છે. તેમની શૈલી ઉપમાપ્રચુર છે; તેમાં સચ્ચાઈનો – હકીકતનો પ્રાણ ધબકતો જોવા મળે છે.
ઈસ્માઈલ કરેડિયા