બેદનાર ઉલ્કા : પ્રતિષ્ઠિત અસમિયા કવિ તથા લેખક અંબિકાગિરી રૉયચૌધરી(1885–1967)ની જાણીતી કૃતિ (1964). એ તેમનો છેલ્લો કાવ્યસંગ્રહ હતો. તેમાંનાં 47 ઊર્મિકાવ્યો તથા ગીતો દેશભક્તિની ઉત્કટતા અને માનવતા માટેના જુસ્સાથી ભરપૂર છે. તેમાં લાગણીઓની અભિવ્યક્તિ અને ઊંડાણ અંગે કવિની પરિપક્વતા વ્યક્ત થાય છે. રાષ્ટ્રીય પ્રગતિ અને જીવનનાં ઊંચાં મૂલ્યોમાં તેમની શ્રદ્ધાની જોશીલી હિમાયતને કારણે સમકાલીન અસમિયા સાહિત્યમાં આ કૃતિએ મહત્વપૂર્ણ ફાળો આપ્યો હોવાનું મનાય છે.
દેશનાં અસંખ્ય અનિષ્ટો સામેની કવિની ઉગ્ર જેહાદ એમાં છતી થાય છે. દેશમાં બેસુમાર ચાલતી રુશવતખોરી, કૃપણતા, સત્તા તથા મોભાની લોલુપતાએ માનવતાનો હ્રાસ કર્યો છે તેવી લાગણી એક સન્નિષ્ઠ રાષ્ટ્રવાદી તરીકે તેમણે તેમનાં કાવ્યોમાં પ્રગટ કરી છે.
પિંગળ અને છંદોની રચનાના નિયમોને વળગી રહ્યા વિના પણ કવિએ કાવ્યનું સમષ્ટિમાન્ય રૂપ સિદ્ધ કર્યું છે. તે તેમને શ્રેષ્ઠ કવિઓની હરોળમાં સ્થાન અપાવી રહે છે. બેદનાર ઉલ્કામાં તેમણે તેમના સમય કરતાં ઘણા આગળના કેટલાક વિચારોનું લોકશાહીની ભૂમિકાએ સાર્વત્રિક પરિપ્રેક્ષ્યમાં નિરૂપણ કરવાનો પ્રયત્ન કર્યો છે.
તેમની આ કૃતિને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો (1966).
બળદેવભાઈ કનીજિયા