બેડેકર, વિશ્રામ (જ. 13 ઑગસ્ટ 1906, અમરાવતી) : મરાઠી નવલકથાકાર, નાટ્યકાર તથા ફિલ્મનિર્માતા. એમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી.ની ઉપાધિ મેળવી હતી. એમનું મરાઠી સાહિત્યને પ્રથમ પ્રદાન તે ‘બ્રહ્મકુમારી’ (1933) નાટક હતું. આ નાટક તેમણે માસ્ટર દીનાનાથની ‘બલવંત સંગીત નાટક મંડળી’ માટે લખ્યું હતું. એમાં પૌરાણિક પાત્ર ગૌતમ ઋષિની પત્ની અહલ્યા કે જેને ઇન્દ્રે ફસાવી હતી, તેની કથાનું તેમણે પોતાની આગવી રીતે ર્દશ્યાંકન કર્યું છે. ફિલ્મ-ક્ષેત્રે તેમણે ‘બળવંત પિક્ચર્સ’ દ્વારા નિર્મિત ‘કૃષ્ણાર્જુન યુદ્ધ’ ચલચિત્રના સહદિગ્દર્શક તરીકે શરૂઆત કરી હતી (1934). 1935માં તેમણે આ ચલચિત્રના બીજા સહાયક દિગ્દર્શક વા. ના. ભટના સહયોગથી ‘ભટ-બેડેકર’ ચલચિત્ર-નિર્માણ-સંસ્થાની સ્થાપના કરી હતી. ‘ઠકીચે લગ્ન’, ‘સત્યાંચે પ્રયોગ’ અને ‘લક્ષ્મીચા ખેળ’ જેવી હાસ્યપ્રધાન ફિલ્મોનું નિર્માણ તેમણે કર્યું હતું. ત્યારબાદ ફિલ્મવિષયક વધુ અધ્યયન માટે તેઓ જર્મની ગયા; પરંતુ બીજું વિશ્વયુદ્ધ (1939–45) ફાટી નીકળતાં એમને તુરત પાછા ફરવું પડ્યું. યુદ્ધની ભીષણતાનું ચિત્ર એમણે એમની ‘રણાંગણ’ (1939) નવલકથામાં આપ્યું છે. મરાઠી નવલકથા-સાહિત્યમાં બીજા વિશ્વયુદ્ધના આંખે દેખ્યા બનાવોનું ચિત્રણ કરતી એ એકમાત્ર નવલકથા છે. એ પછી એમણે ફિલ્મ માટેની કથા લખવા માંડી, જેમાં પ્રભાત પિક્ચર્સ દ્વારા નિર્મિત ‘શેજારી’ (1941), ‘અમર ભૂપાળી’ (1951) અને રાજકમલ કલામંદિર દ્વારા નિર્મિત ‘પહિલા પાળણા’ (1942), ‘વાસુદેવ બળવંત’ અને ‘રુસ્તમ સોહરાબ’ ફિલ્મો અત્યંત લોકપ્રિય થઈ, જે એમની ર્દશ્ય-શ્રાવ્ય કલાની દ્યોતક બની. મરાઠી ચલચિત્રક્ષેત્રે ખૂબ લોકપ્રિય બનેલા ‘રામશાસ્ત્રી’ ચલચિત્રની પટકથા અને દિગ્દર્શનમાં પણ તેઓ સહભાગી થયા હતા. ત્યારપછી એ પુન: નાટક તરફ વળ્યા ને એમણે ‘નરો વા કુંજરો વા’ (1962) અને ‘વાજે પાઉલ આપુલે’ (1964) નાટકો રચ્યાં અને છેવટે ‘ટિળક આણિ આગરકર’ નામનું (1980) ચરિત્રાત્મક નાટક પણ લખ્યું.
‘રણાંગણ’ નવલકથા કથાનક અને કથનશૈલીની ર્દષ્ટિએ મરાઠી સાહિત્યની એક અનન્ય કૃતિ ગણાય છે. એમાં યુદ્ધ-દાઝ્યા બે પ્રણયીઓની કથા છે.
એમણે ‘ટિળક આણિ આગરકર’ નાટકમાં મહારાષ્ટ્રની બે મહાન વિભૂતિઓ વચ્ચેનાં ભિન્ન ભિન્ન પાસાં ર્દશ્યાંકિત કર્યાં છે. ‘એક ઝાડ આણિ દોન પંખી’ તે એમની આત્મકથા છે, જે 1985માં સાહિત્ય અકાદમીના ઍવૉર્ડ માટે પસંદ થયું હતું.
લોકમાન્ય ટિળક અને વિનોબા ભાવેના જીવન પર તેમણે ફિલ્મ ડિવિઝન માટે વૃત્તચિત્રો તૈયાર કર્યાં હતાં. 1951થી 1981ના 3 દાયકા દરમિયાન તેમણે 6 ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું હતું.
1938માં તેમણે સિનેમૅટોગ્રાફીના અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડની મુલાકાત લીધેલી અને તે દરમિયાન તેમણે હસ્તાક્ષર તજ્જ્ઞનો ડિપ્લોમા પણ મેળવ્યો હતો.
ચન્દ્રકાન્ત મહેતા