બેડેકર, વસંત હરિકૃષ્ણ

January, 2000

બેડેકર, વસંત હરિકૃષ્ણ (જ. 7 નવેમ્બર 1929, આપ્ટે, મહારાષ્ટ્ર) : ભારતમાં સંગ્રહાલયવિદ્યાની શાખાઓમાં નૂતન મ્યુઝિયૉલૉજીના પ્રણેતા. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. માતા ઇન્દિરા અને પિતા હરિકૃષ્ણ. પિતા ચિત્રકાર હોવાથી બાળપણથી એ સંસ્કારોની અસર હતી અને તેથી ચિત્રો દોરતા થયેલા. કલાના ઊંડાણને પામતાં પહેલાં તત્વજ્ઞાનનો અભ્યાસ અનિવાર્ય લાગ્યો; આથી 1951થી 1954માં તત્વજ્ઞાન મુખ્ય વિષય રાખીને મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી. 1957માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી કલા-વિવેચન શાસ્ત્રનો વિષય લઈને અનુસ્નાતક થયા અને તેની સાથે અનુસ્નાતક કક્ષાના ડિપ્લોમા માટે મ્યુઝિયૉલૉજી વિષયનો અભ્યાસ કર્યો. ભારતમાં સૌપ્રથમ આ અભ્યાસક્રમ અહીં દાખલ થયો હતો. 1974માં કલા-વિવેચનમાં ‘પ્રૉબ્લેમ્સ ઍન્ડ પૉસિબિલિટિઝ ઑવ્ ફૉર્મલ ક્રિટિસિઝમ વિથ સ્પેશિયલ રેફરન્સ ટુ ઇન્ડિયન મિનિયેચર પેઇન્ટિંગ્ઝ’ વિષય પર મહાનિબંધ લખીને તેમણે પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. આ મહાનિબંધનું ‘સ્ટાઇલિસ્ટિક એપ્રોચ ટૂ ઇન્ડિયન મિનિયેચર પેઇન્ટિંગ્ઝ’ના નામે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ પ્રકાશન કર્યું છે.

1961માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સંગ્રહાલય-વિદ્યામાં વ્યાખ્યાતા તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી. સંગ્રહાલયમાં એ સમયે કલાત્મક, અપ્રાપ્ય અને ઐતિહાસિક અગત્ય ધરાવતી વસ્તુઓને એકઠી કરી તેનો દસ્તાવેજી પુરાવો બનાવવો અને એ પ્રાચીન વસ્તુઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સંરક્ષણ કરવું એ પ્રથા પ્રચલિત હતી. આ પરંપરાગત પ્રણાલીથી એક પગથિયું આગળ વધી તેમણે સંગ્રહાલયમાં  સંચાલન-વ્યવસ્થાને પણ એટલું જ મહત્વ આપ્યું. સંગ્રહાલયની ગુણવત્તા, મુલાકાતીઓની જરૂરિયાત, વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, પ્રદર્શન, ગોઠવણી અને નવસંસ્કરણ જેવી બાબતોને તેમણે મહત્વ આપ્યું. ત્રીજી અતિ મહત્વની બાબત તે સંગ્રહાલયવિદ્યાનું શૈક્ષણિક પાસું. સંગ્રહાલયવિદ્યાના ઉચ્ચ અભ્યાસ માટે નેધરલૅન્ડ્ઝ જવા શિષ્યવૃત્તિ મળી. ત્યાંથી અભ્યાસ કરીને પાછા આવ્યા બાદ યુરોપીય સંગ્રહાલયવિદ્યાને કેવી રીતે અપનાવી શકાય તે હેતુથી તેના વિવિધ વિષયોને નવા શિક્ષણ-માળખામાં ગોઠવ્યા. 1961થી 1987 સુધી તેઓ શૈક્ષણિક કાર્યમાં પ્રવૃત્ત રહ્યા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સંગ્રહાલયવિદ્યા, કલા-વિવેચન અને કલા-ઇતિહાસના વિષયોમાં છાત્રોને પીએચ.ડી. કરાવવા માટે માર્ગદર્શક તરીકે તેઓ માન્ય થયા. 1978માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા તેમના ‘સો યુ વૉન્ટ ગુડ એક્ઝિબિશન’ પુસ્તકનું પ્રકાશન થયું. તેમાં સંગ્રહાલયના મુલાકાતીઓને અને આસપાસના વિસ્તારોને લક્ષમાં રાખી વિવિધ શૈક્ષણિક પ્રદર્શનો અને પ્રવૃત્તિઓની શક્યતાઓ દર્શાવી છે. પોતાની વિશિષ્ટ કલાસૂઝ અને સંગ્રહાલયના આદર્શોને લક્ષમાં રાખીને ભારતનાં અનેક સંગ્રહાલયોના પ્રદર્શનખંડની તેમણે ગોઠવણી કરી આપી છે.

તેમને ગુજરાત રાજ્ય સંગ્રહાલય વિભાગના તજ્જ્ઞ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ભારત અને વિદેશોમાં સંગ્રહાલય-વિદ્યાને લગતાં અનેક વ્યાખ્યાનો આપ્યાં અને પરિસંવાદોનું આયોજન કર્યું. અનેક દેશોનાં સંગ્રહાલયોની મુલાકાત લઈ તેમનો અભ્યાસ કર્યો. 1972માં કૅનેડા અને ફ્રાન્સમાં પરંપરાગત સંગ્રહાલય-વિદ્યાની એક નવી શાખા નૂતન મ્યુઝિયૉલૉજીનો આવિષ્કાર થયો. આ નવતર સંગ્રહાલયવિદ્યાની પ્રવૃત્તિ વર્તમાન વિશાળ સંગ્રહાલયોની પ્રવૃત્તિને સંપૂર્ણ અનુરૂપ નથી. આજનાં સંગ્રહાલયો પદાર્થલક્ષી, સૌંદર્યલક્ષી અને પ્રાચીનતાને મહત્વ આપનારાં છે અને વધુ ને વધુ મુલાકાતીઓ તે જોવા આવે, સૌંદર્ય માણે અને તેનો અભ્યાસ કરે એવો તેમનો હેતુ રહ્યો છે.

નૂતન મ્યુઝિયૉલોજીનું મુખ્ય ધ્યેય છે વિવિધ વિસ્તારોમાં પોતાની વસાહતોમાં એવાં માહિતી-કેન્દ્રો કે સંગ્રહાલયો વિકસાવવાં કે જેથી એ વિસ્તારની જાતિની સંસ્કૃતિ તથા રીત-રિવાજોનું જતન થાય અને તેમને જીવંત રૂપે જોઈ-જાણી શકાય. આ અભિગમને 1986માં વસંત બેડેકર ભારતમાં લાવ્યા અને તેનો પ્રચાર અને પ્રસાર શરૂ કર્યો. તેમનું કહેવું છે કે ભારતની એક અબજની વસ્તી સામે માત્ર 450 જેટલાં સંગ્રહાલયો છે, જે સંખ્યાપ્રમાણની ર્દષ્ટિએ ઓછાં છે. વસાહતવાર સામૂહિક મ્યુઝિયમ કે માહિતીકેન્દ્ર શરૂ કરવાની દિશામાં તેઓ કાર્યપ્રવૃત્ત થયા. મહારાષ્ટ્રના રાયગઢ પાસે કોરલાઈ ગામમાં તેમણે એક સામૂહિક કેન્દ્ર રચ્યું અને એ વિસ્તારના સાંસ્કૃતિક વારસાનું જતન કરવા સાથે તે પ્રતિ સૌને સભાન કર્યા. આમ તેમણે ત્યાં રહીને ત્યાં વસતા વૃદ્ધ લોકો પાસેથી જ તેમની મૂળ જીવનશૈલી, રીત-રિવાજો, સંસ્કૃતિ, કળા, પહેરવેશ, ગીતો તથા દંતકથાઓ વગેરેને લગતી સંસ્કારસામગ્રી તથા જાણકારી એકત્રિત કરી એક કેન્દ્ર બનાવ્યું અને આવાં કેન્દ્રો સ્થાપવા અનેકને પ્રેર્યા ને પ્રવૃત્ત કર્યા. 1995માં નૅશનલ મ્યુઝિયમ, દિલ્હી દ્વારા બેડેકરે લખેલા ‘ન્યૂ મ્યુઝિયૉલૉજી ઑવ્ ઇન્ડિયા’ પુસ્તકનું પ્રકાશન થયું છે. હાલ તેઓ વડોદરામાં ન્યૂ મ્યુઝિયૉલૉજીના વિચારનો પ્રચાર-પ્રસાર કરવામાં પ્રવૃત્ત છે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં મુલાકાતી વ્યાખ્યાતા પણ છે. સૂરતના સરદાર પટેલ સંગ્રહાલયના સલાહકાર તરીકે પણ તેઓ સેવા આપે છે.

સોનલ મણિયાર