બેડેકર, માલતી (જ. 1 ઑક્ટોબર 1905, આવાસ, જિલ્લો રાયગડ) : ભારતીય સમાજની પછાત સ્ત્રીઓની સમસ્યાઓને વાચા આપનાર મરાઠીનાં અગ્રણી લેખિકા. મધ્યમવર્ગના એક પરિવારમાં જન્મ. શિક્ષણ ઘોડનદી, હિંગણે અને મુંબઈ ખાતે. એસ.એન.ડી.ટી. વિશ્વવિદ્યાલયની એમ.એ.ની સમકક્ષ ગણાતી પદવી ‘પ્રદેયાગમા’ (પી.એ.) તેમણે મેળવી હતી. 1923થી 1933 દરમિયાન હિંગણે ખાતેની કન્યાશાળામાં પ્રથમ શિક્ષિકા અને એક વર્ષ બાદ મુખ્ય અધ્યાપિકા (1924–33); 1937થી 1940 દરમિયાન સોલાપુર ખાતે મુંબઈ રાજ્યના શિક્ષણ અને કલ્યાણ ખાતામાં ‘મહિલા-પર્યવેક્ષિકા’ના પદ પર કામ કર્યું. 1952થી 1962 દરમિયાન ‘મહિલા-સેવાગ્રામ’ સંસ્થામાં માનાર્હ સેવા આપી. આ સમગ્ર ગાળા દરમિયાન (1923થી 1962) ગુનાખોરી સાથે સંકળાયેલી જમાતો તથા અનાથ, વિધવા, ત્યક્તા સ્ત્રીઓની વિવિધ સમસ્યાઓનો ઊંડાણથી અભ્યાસ કર્યો, જેનો પડઘો તેમની સાહિત્યિક કૃતિઓમાં પડ્યો છે. 1925થી લેખનકાર્યની શરૂઆત.

માલતી બેડેકર
તેમના વિપુલ સાહિત્યસર્જનમાં અલંકારશાસ્ત્ર પરનો તેમનો ગ્રંથ ‘અલંકારમંજૂષા’ (1931); હિંદુ કાયદાઓનું સાદી ભાષામાં અને લોકભોગ્ય શૈલીમાં વિવરણ કરતો ગ્રંથ ‘હિંદુ વ્યવહાર ધર્મશાસ્ત્ર’ (1932) (અન્ય સાથે લેખન); ‘વિભાવરી શિરૂરકર’ નામના તખલ્લુસ સાથે પ્રકાશિત થયેલ પ્રથમ વાર્તાસંગ્રહ ‘કળ્યાંચે નિ:શ્વાસ’ (1933); ‘હિંદોળ્યાવર’ (1934), ‘વિરલેલે સ્વપ્ન’ (1935), ‘બળી’ (1950), ‘જાઈ’ (1952), ‘શબરી’ (1962) એટલી નવલકથાઓ; ‘પારધ’ (1947) અને ‘હિરા જો ભંગલા નાહી’ (1949) એ બે નાટકો તથા ‘સ્ત્રીજીવનાવરીલ મનસ્વિનીચે ચિંતન’ (1971) એ તેમનો લલિત-નિબંધસંગ્રહ – આ પ્રકારે વૈવિધ્યપૂર્ણ કૃતિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘ઘરાલા મુકલેલ્યા સ્ત્રિયા’ (1962) નામનો તેમનો સમાજશાસ્ત્રીય સંશોધનલેખ પણ ઉલ્લેખનીય છે. તેમના 3 ગ્રંથો ‘શબરી’, ‘બળી’ અને ‘ઘરાલા મુકલેલ્યા સ્ત્રિયા’ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત થયા છે. તેમની મોટાભાગની નવલકથાઓનો ગુજરાતીમાં અનુવાદ થયો છે. ‘સાખરપુડા’ નામની મરાઠી ચલચિત્રની પટકથા પણ તેમની નવલકથા પર આધારિત છે.
વિલેપાર્લે (મુંબઈ), ગ્વાલિયર અને નાસિક ખાતે યોજાયેલ વિભાગીય સાહિત્ય સંમેલનો તથા 1981માં મુંબઈ ખાતે યોજાયેલ મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદે તેમની વરણી થઈ હતી. વળી, ઇંદોર, કરાડ, નાગપુર અને જળગાવ ખાતે યોજાયેલ મહિલા પરિષદોનું તથા બોહરા સામાજિક પરિષદનું અધ્યક્ષપદ પણ તેમણે શોભાવ્યું હતું.
તેમના પતિ વિશ્રામ બેડેકર મરાઠીના અગ્રણી સાહિત્યસર્જક તરીકે જાણીતા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે