બેડનૉર્ત્સ જોહાનેસ જ્યૉર્જ (Bednorz, J. Georg) (જ. 16 મે 1950, ન્યુઅનકર્ચેન, પશ્ચિમ જર્મની) : સિરેમિક દ્રવ્ય-(ચિનાઈ માટી)માં અતિવાહકતા(superconductivity)ની શોધમાં અત્યંત મહત્વની સફળતા મેળવવા માટે 1987નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો અને અન્ય અર્ધભાગ એલેક્સ કે. મ્યુલરને પ્રાપ્ત થયો હતો.
જોહાનેસના પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક તથા માતા પિયાનો શિક્ષિકા હતાં. શરૂઆતમાં માતા-પિતાએ તેમને શાસ્ત્રીય સંગીત શીખવવાના પ્રયત્નો આદર્યા, પરંતુ જોહાનેસે યુનિવર્સિટી ઑવ મુન્સ્ટરમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાં સ્ફટિક વિજ્ઞાન(crystallography)નો અભ્યાસ કર્યો. તેમના શિક્ષકોએ તેમને અનુભવ મેળવવા માટે ઉનાળુ રજાઓ IBM ઝ્યુરિક રિસર્ચ લૅબોરેટરીમાં મુલાકાતી વિદ્યાર્થી તરીકે પસાર કરવાની ગોઠવણ કરી. અહીં તેમની મુલાકાત ભવિષ્યના સહયોગી ઍલેક્સ મ્યુલર સાથે થઈ તદુપરાંત એક રચનાત્મક વાતાવરણનો અનુભવ થયો, જેનો પ્રભાવ તેમની વૈજ્ઞાનિક સંશોધનો કરવાની પદ્ધતિ પર પડ્યો. 1977માં અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે ETH ઝ્યુરિકમાં હાઈની ગ્રાનીચેર અને ઍલેક્સ મ્યુલરના માર્ગદર્શન નીચે પીએચ.ડી.ની પદવી માટે સંશોધનકાર્ય શરૂ કર્યું. પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ તેઓ IBM પ્રયોગશાળામાં જોડાયા અને અહીં મ્યુલર સાથે અતિવાહકતા અંગેનાં સંશોધનોમાં અગત્યનો ભાગ ભજવ્યો. 1983માં જોહાનેસ અને મ્યુલરે ચિનાઈ માટી(સિરેમિક)નાં દ્રવ્યોના વિદ્યુત ગુણધર્મોનો પદ્ધતિસર અભ્યાસ કર્યો અને 1986માં તેઓએ લૅન્થેનમ બૅરિયમ કૉપર ઑક્સાઇડમાં અતિવાહકતા ઉત્પન્ન કરવામાં સફળતા મેળવી. 1987માં જોહાનેસ અને મ્યુલરને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર એનાયત થયો. ‘IBM ફેલો’ તરીકે બેડનૉર્ત્સની નિમણૂક થઈ.
1987માં તેમને ફ્રિટ્ઝ લંડન મેમોરિયલ પારિતોષિક તથા હેવલેટ–પેકાર્ડ યુરોફિઝિક્સ ઇનામ પ્રાપ્ત થયા. તે ઉપરાંત તેમને માર્સેલ બેનોઈસ્ટ ઇનામ તથા જેમ્સ મૅકગ્રોડી ઇનામ મળ્યાં છે. ગોટિન્ગન એકૅડેમીએ તેમને ડૅની હાઈનમૅન ઇનામથી નવાજિત કર્યા છે.
પૂરવી ઝવેરી