બેટ દ્વારકા : ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ઓખામંડળ તાલુકામાં આવેલો એક બેટ. ભૌગોલિક સ્થાન : તે 22° 27´થી 22° 29´ ઉ. અ. અને 69° 5´થી 69° 9´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ બેટ ઉપર ‘બેટ’ નામનું ગામ વસેલું છે. નજીકનાં અન્ય નાનાં ગામોમાં બાલાપુર, ખંભાળા અને પારનો સમાવેશ થાય છે. આ બેટની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 7 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 4 કિમી. જેટલી છે. તે દ્વારકાથી ઈશાનમાં આશરે 30 કિમી.ને અંતરે, ઓખામંડળના મુખ્ય છેડાથી 5 કિમી.ને અંતરે તેમજ ઓખા બંદરેથી પૂર્વમાં કચ્છના અખાતના દક્ષિણ મુખદ્વાર પર આવેલો છે. તેનો આકાર શંખ જેવો હોવાથી તેને બેટ શંખોધ્ધાર પણ કહે છે. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પોસિત્રાનો અખાત આવેલો છે. આ અખાતમાં નાનામોટા ઘણા ટાપુઓ છે, તે પૈકી કેટલાક તરતા અને કેટલાક ડૂબેલા છે. તેમની કુલ સંખ્યા આશરે 64 જેટલી છે. તરતા ટાપુઓની સંખ્યા 31 છે. બેટની ઉત્તરે ચાંદરી પરવાળાનો ખરાબો તથા પૂર્વ તરફ પાગોનો ખરાબો આવેલા છે. બેટની ઈશાનમાં તેમજ દક્ષિણે રેતાળ ખડકો છે, જ્યારે ઉત્તર કિનારો પંકભૂમિવાળો છે. સમુદ્રકિનારો ખૂબ જ છીછરો છે, તેની ઊંડાઈ માત્ર 2થી 5 મીટર જેટલી છે.
ભૂપૃષ્ઠ-આબોહવા : સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તાર સહિત દ્વીપકલ્પ ગોંડવાના ખંડનો એક ભાગ હતો. ગોંડવાના ખંડમાંથી આ ભાગ છૂટો પડ્યા પછી ક્યારેક તેમાંથી નાનામોટા ટાપુઓ પણ છૂટા પડ્યા. તે પૈકીનો બેટ ટાપુ એટલે બેટ દ્વારકા. આ ટાપુ દરિયાઈ રેતાળ ખડકોનો બનેલો છે. બેટની ઈશાન દિશામાં આ પ્રકારના ખડકો વિવૃત બનેલા છે. દક્ષિણ તરફનો ભાગ ખડકાળ મેજભૂમિ (tableland) જેવો છે. તેની ઊંચાઈ સમુદ્રસપાટીથી 16થી 29 મીટર જેટલી છે. ટૂંકમાં આ બેટ અસતમળ ભૂપૃષ્ઠ ધરાવે છે.
જાન્યુઆરી માસમાં અહીં ઠંડીનું પ્રમાણ વિશેષ રહે છે, દિવસ અને રાત્રિનાં સરેરાશ તાપમાન અનુક્રમે 26° સે. અને 11.6° સે. જેટલાં રહે છે. માર્ચથી મે દરમિયાન દિવસ અને રાત્રિનાં સરેરાશ તાપમાન અનુક્રમે 36.3° સે. અને 25.1° સે. જેટલાં રહે છે. અહીં વર્ષભેદે સરેરાશ વરસાદ 200થી 700 મિમી. જેટલો પડે છે.
વનસ્પતિજીવન-મત્સ્યજીવન : અહીંની આબોહવા સામાન્યપણે માફકસરની સૂકી રહેતી હોવાથી ઝાડી-ઝાંખરાંવાળી વનસ્પતિ વિશેષ જોવા મળે છે; તેમાંયે મુખ્યત્વે તો બાવળ, થોર અને મોદડનાં વૃક્ષો નજરે પડે છે. સમુદ્રકિનારે સુંદરી (મૅન્ગ્રોવ) પ્રકારની વનસ્પતિમાં ચેરનાં વૃક્ષો મુખ્ય છે. દક્ષિણ કિનારો છીછરો અને પંકભૂમિવાળો છે. તે પોસિત્રાના અખાતના એક ભાગરૂપ ગણાય છે. ત્યાં વિન્ડોયેન ઑઇસ્ટર નામની મોતી પકવનારી માછલીનું પ્રમાણ વધુ છે. તેમને પકડીને નાનાં કુદરતી મોતી મેળવાય છે. બેટની ઉત્તરે આવેલા ખુલ્લા સમુદ્રકિનારેથી પાપ્લેટ, સુરમાઈ, ધરાગોલ અને ઝિંગા પ્રકારનાં મત્સ્ય મળી રહે છે.
વસ્તી-વસાહત-વ્યવસાય : 1971ની વસ્તીગણતરી મુજબ આ ટાપુને શહેરી વિસ્તાર તરીકે ગણવામાં આવેલો છે. તે સમયે અહીંની કુલ વસ્તી 3,671 જેટલી હતી. બેટ ગામ આ ટાપુને પશ્ચિમ કિનારે વસેલું છે, તે બેટ બંદર તરીકે પણ ઓળખાય છે. પાકાં મકાનોથી બનેલા અહીંના આવાસો મોટેભાગે સમુદ્ર કિનારાની નજીક આવેલા છે. વસાહત મુખ્યત્વે મુસ્લિમ ખારવાઓની બનેલી છે. તેઓ માછલાં પકડવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.
જોવાલાયક સ્થળો : હનુમાન પૉઇન્ટ તરીકે ઓળખાતા, ટાપુના પૂર્વ છેડા પર હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર પાસે હિન્દુ-મુસ્લિમ ધર્મનું ઐક્ય દર્શાવતું ચૌર્યાસી ધૂણીનું સ્થાનક પણ છે. દક્ષિણ કાંઠે અભયા માતાનું મંદિર અને પશ્ચિમ કાંઠે આદિનારાયણનું મંદિર છે. ત્યાંથી થોડે દૂર મોતીસાગરની એક ગુફા આવેલી છે. તે બૌદ્ધ ગુફા જેવી જણાય છે. અહીં આવેલા શંખનારાયણ મંદિરનો જીર્ણોદ્ધાર કચ્છના મહારાવશ્રીએ કરેલો. અહીંનાં રામમંદિરો પૈકી કચોરિયા નામનું મંદિર વધુ જાણીતું છે. વળી અહીં રણછોડસાગર, રત્નમાળા, ગોપી અને શંખ એવાં ચાર તળાવ આવેલાં છે. શંખતળાવ પાસે પંચેશ્વર, બાણેશ્વર અને ધીંગેશ્વર જેવાં શિવમંદિરો પણ ખૂબ જાણીતાં છે. અન્યત્ર જોવા મળે છે તેમ, આ બેટ પર મુસ્લિમોની વસ્તી છે અને અહીં હાજી કરમાણી પીર, ગેબલશા પીર, શેખ પીર અને સીદીબાબા પીરની દરગાહો પણ આવેલી છે. જન્માષ્ટમી અહીંનો મુખ્ય ઉત્સવ છે, તે દિવસે અહીં લગભગ અઢીથી ત્રણ હજાર જેટલા લોકો દર્શનાર્થે આવે છે. આ રીતે આ બેટ પર હિન્દુ, બૌદ્ધ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે.
ઇતિહાસ : પુરાણ અને ગર્ગસંહિતામાં બેટ દ્વારકાને શંખોધ્ધાર તરીકે ઓળખાવેલો છે. કેટલાકે તેનો દુર્જય દ્વારકા કે સોકોતરા તરીકે પણ ઉલ્લેખ કર્યો છે. મહાભારતકારે કુશસ્થલીની ભૂમિમાં અંતર્દ્વીપનું જે વર્ણન કર્યું છે તે હાલનું બેટ દ્વારકા હોવું જોઈએ તેમ મનાય છે. મહાભારતના વનપર્વમાં પણ મુદ્રાઓની જે માહિતી આપી છે, તેમાં પિંડારક તીર્થની જે હકીકત છે તે તીર્થ બેટ દ્વારકા હોય તેમ જણાય છે. અહીંની લોકવાયકા મુજબ પુણ્યજનો અને નાગલોકોએ અહીં આવીને પોતાનાં થાણાં સ્થાપ્યાં હતાં. શ્રીકૃષ્ણે અહીં આવીને આ પ્રદેશનું નવસંસ્કરણ કરીને પોતાનો રમણદ્વીપ બનાવેલો.
કાળાંતરે આ પ્રદેશમાં ભૌગોલિક ફેરફારો થતાં, અહીં સાંસ્કૃતિક પ્રવાહો પણ બદલાયા. જળમાર્ગે આરબો અને પશ્ચિમના લોકો પણ આવ્યા હશે. આ બેટ પશ્ચિમના લોકોને આવવા માટેનું પ્રવેશદ્વાર પણ બન્યું હશે. તે સમયે અહીંના બારા(બાલાપુર)માં વહાણો લાંગરતાં-વહાણવટીઓ તેને ‘બેટ તો માનું પેટ’ નામથી નવાજતા. જળમાર્ગની જેમ ભૂમિમાર્ગે પણ કેટલીક જાતિઓએ અહીં પ્રવેશ મેળવેલો, તેમાં મુખ્યત્વે તો વલભીના રાજાઓ, સૈન્ધવો અને ચાવડા રજપૂતો હતા.
ઈ.સ.ની પાંચમીથી સાતમી સદી સુધી અહીં બૌદ્ધ ધર્મનું વર્ચસ્ હતું. સાતમી સદી પછી અહીં આરંભડામાં વાઘેર ઠાકોરનું શાસન હતું. રાજા શિવસાંગણ તેનો વહીવટ સંભાળતો. 996માં આ બેટ પર રાજા ગજકરણે સત્તા મેળવી, ત્યારબાદ કનકસેનના વંશજ હેરતજીએ ગાદી પ્રાપ્ત કરી. 1100માં રાજા જામ રાવળે અહીં હરિમંદિર બંધાવ્યું. તે પછીથી સુલતાન મહંમદ બેગડાના સરદાર અઝીઝે બેટ પર આક્રમણ કરીને અહીંનો કોટ ધરાશાયી કર્યો. આથી આ બેટને કંજરકોટ નામ પણ મળ્યું હશે એમ મનાય છે. બારમીથી તેરમી સદી દરમિયાન અહીં અનેક સંતો પધાર્યા હશે એમ ઐતિહાસિક નોંધ પરથી કહી શકાય છે. તેમાં જ્ઞાનેશ્વર, વિદ્વાન પંડિત હેમાદ્રિ, આચાર્ય મધ્વ, રામાનંદ, કબીર અને ગુરુ નાનક મુખ્ય હતા. 1804માં અંગ્રેજો અહીં આક્રમણ કરીને 14 કરોડનું દ્રવ્ય લૂંટી ગયા. ત્યારબાદ ગાયકવાડ ખંડેરાવે સત્તા હાંસલ કરી. તેમણે અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને ગોવર્ધનનાથજીના એક નવા મંદિરનું નિર્માણ કર્યું.
આજે બેટ દ્વારકામાં 14 નાનાં સ્થાનકો આવેલાં છે. આ પૈકી અભયા કે આદ્યેશ્વરીનાં સ્થાનો મુખ્ય છે. તેમાં પ્રાચીન યંત્રો મૂકેલાં છે. જૂની સંસ્કૃતિના અવશેષરૂપ હરપ્પા યુગની ઠીકરીઓ, તેમજ પ્રાચીન તામ્રલેખો અને શિલ્પો અહીંથી મળી આવ્યાં છે. ભારતની સામુદ્રિક સંસ્થાના અધ્યક્ષ શ્રી એસ. આર. રાવે દ્વારકાના સમુદ્રકિનારે ઊંડા જળવિસ્તારોમાં સંશોધનો કરીને દ્વારકા નગરીના અવશેષો શોધી કાઢ્યા છે. એ કારણે આ વિસ્તાર મહત્વનો છે.
નીતિન કોઠારી