બેટસન, વિલિયમ (જ. 1861, વ્હિટ્બી યૉર્કશાયર; અ. 1926, લંડન) : આધુનિક જનીનવિદ્યા(genetics)નો પાયો નાંખનાર પ્રખર બ્રિટિશ વિજ્ઞાની. આદ્યશૂળત્વચીઓ (primitive echinodermis), એક જમાનામાં મેરુદંડી(chordates)ના પૂર્વજો હતા તેની સાબિતી તુલનાત્મક ગર્ભવિદ્યાના આધારે (1885) આપનાર બેટસન ડાર્વિનના ખાસ સમર્થક હતા. સતત ભિન્નતાને અધીન રહીને ઉત્ક્રાંતિ ઉદભવતી નથી; ઉત્ક્રાંતિનો પાયો અસતત (discontinuous) ભિન્નતામાં રહેલો છે એવી માન્યતા બેટસન ધરાવતા હતા. આનુવંશિક લક્ષણો સંતાનોમાં કઈ રીતે ઊતરતાં હશે તેના અભ્યાસ પરથી આકસ્મિક ભિન્નતાઓને સમજાવી શકાય તેવો વિચાર કરી તેની ચકાસણી માટે તેમણે વનસ્પતિ તેમજ પ્રાણીઓ પર આનુવંશિકતાને લગતા ઘણા પ્રયોગો આદર્યા.
દરમિયાન બેટસને ઑસ્ટ્રિયન બિશપ ગ્રેગૉર મેન્ડેલનો ‘વનસ્પતિ-સંકરણલક્ષી પ્રયોગો’ લેખ વાંચ્યો. અને મેન્ડેલે નિરીક્ષણ કરેલ વનસ્પતિઓમાં વારસાગત લક્ષણોનું સંચારણ કઈ રીતે થાય છે તેનો બેટસનને ખ્યાલ આવ્યો. બેટસન અને તેમના સાથી પ્યુનેટે પ્રાણીઓનાં સંતાનોમાં વારસાગત લક્ષણો કઈ રીતે ઊતરે છે તે સમજવા પ્રયોગો કરવા માંડ્યા. આ પ્રયોગોનાં કેટલાંક પરિણામો મેન્ડેલનાં તારણોને સારી રીતે અનુકૂળ નીવડ્યાં. વળી પ્રાણીઓમાં વિભિન્ન લક્ષણો એકબીજાં સાથે સંકળાયેલાં હોય છે તેનું અવલોકન કર્યું. એક જ પ્રાણીમાં સાથે જોવા મળતાં આ બે જોડિયાં લક્ષણોને ‘શૃંખલિત’ (linked) ગણવામાં આવે છે. એક જ રંગસૂત્ર પરનાં બે જનીનો એકબીજાંની સાવ નજીક આવ્યાં હોય, તો તેની અસર હેઠળ ઉદભવતાં લક્ષણો શૃંખલિત હોય છે એટલે કે એક જ પ્રાણીમાં તે આવેલાં હોય છે.
બેટસને પોતે કરેલ કેટલાક પ્રયોગોનાં પરિણામોનું અર્થઘટન ખોટી રીતે કરવાથી મૉર્ગનના રંગસૂત્ર-સિદ્ધાંત(chromosome theory)નો તેમણે વિરોધ કર્યો; પરંતુ અન્ય વૈજ્ઞાનિકો તેમના અભિપ્રાય સાથે સંમત ન થયા અને તેમણે મૉર્ગનના સિદ્ધાંતને અપનાવ્યો.
1908માં બેટસન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જનીનવિદ્યાના પ્રાધ્યાપક નિમાયા, પરંતુ પછી 1910માં તેઓ ‘જૉન ઇનિસ હૉર્ટિકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ’ના સંચાલક તરીકે જોડાયા. બેટસને આ ઇન્સ્ટિટ્યૂટને ‘જનીન સંશોધન’શાળામાં ફેરવી દીધી.
બેટસને લખેલાં પુસ્તકોમાં ‘Mendel’s Principles of Heredity’ (1902) અને ‘Problems of Genetics’ (1913) ગણનાપાત્ર છે.
મ. શિ. દૂબળે