બેટવા (નદી) : હોશંગાબાદની ઉત્તરે વિંધ્ય હારમાળામાંથી નીકળતી ઉત્તર ભારતની નદી. જૂનું નામ વેત્રવતી. તે મધ્યપ્રદેશના ભોપાલ, વિદિશા, ગુના અને શિવપુરી જિલ્લાઓમાંથી પસાર થાય છે અને ઈશાન તરફ વહે છે. ત્યાંથી તે ઉત્તરપ્રદેશના ઝાંસી અને જાલોરમાં પ્રવેશે છે અને કુલ 610 કિમી. સુધીના અંતરમાં વહીને હમીરપુરની નજીક પૂર્વ તરફ યમુના નદીને મળે છે. નદીનો ઉપરવાસનો ભાગ જળવ્યવહાર માટે અનુકૂળ નથી. ત્યાં તે માળવાના ઉચ્ચપ્રદેશમાંથી પસાર થઈ, બુંદેલખંડના ઊંચાણવાળા ભાગને કોતરીને આગળ વધે છે. જમની અને ધસાણ એ બે તેની મહત્વની શાખા-નદીઓ છે. બેટવા નદી ઝાંસી જિલ્લાના દુકવાણ અને દેવગઢ ખાતે અવરોધાય છે. ત્યાં તેના પ્રવાહનો લાભ લઈ બે જળાશયો તૈયાર કરવામાં આવ્યાં છે.
તેમાંથી સિંચાઈ તેમજ જળવિદ્યુત માટેની સુવિધા મળી રહે છે. તેના પાણીથી આશરે 3,20,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે.
બોટવા નદીના તીરે બુંદેલ શાસકોનાં ઐતિહાસિક સ્મારકો અને સમાધિઓ આવેલ છે.
ગિરીશભાઈ પંડ્યા