બૅટલશિપ પોટેમકિન, ધ

January, 2000

બૅટલશિપ પોટેમકિન, ધ : ચલચિત્રજગતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગયેલું મહત્વપૂર્ણ રશિયન મૂક ચિત્ર. નિર્માણ-વર્ષ : 1925; નિર્માતા : યાકોવ બ્લ્યોખ; દિગ્દર્શન અને સંપાદન : સર્જેઇ આઇઝેન્સ્ટાઇન; પટકથા : સર્જેઇ આઇઝેન્સ્ટાઇન અને નીના એગેઝાનોવા-શુત્કો. છબીકલા : એડવર્ડ તિસે, વી. પોપોવ; સંગીત : ઍડમન્ડ મિઝલ. મુખ્ય કલાકારો : ઍલેક્ઝાન્ડર એન્તોનોવ, વ્લાદિમિર બાર્સ્કી, ગ્રિગોરી ઍલેક્ઝાન્દ્રોવ, મિખાઇલ ગોરોનોરોવ. અવધિ 65 મિનિટ.

ચલચિત્રકળાની ર્દષ્ટિએ અનેક રીતે નોંધપાત્ર ગણાતા આ ચિત્રનું નિર્માણ રશિયાની 1905ની ક્રાંતિની 20મી જયંતી નિમિત્તે કરાયું હતું. 24 વર્ષના દિગ્દર્શક આઇઝેન્સ્ટાઇને થોડીક હકીકત અને થોડીક કલ્પનાનું મિશ્રણ કરીને યુદ્ધજહાજ પોટેમકિન પર થયેલી સૈનિક ક્રાંતિનું આ ચિત્રમાં નિરૂપણ કર્યું છે. યુદ્ધજહાજ પોટેમકિન પર તૈનાત સૈનિકોની સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. એમાંય જ્યારે તેમને વાસી માંસ ખોરાકમાં પીરસાય છે ત્યારે કેટલાક સૈનિકો તે ખાવાની ના પાડે છે. ના પાડનાર સૈનિકોને ઠાર કરવાનો આદેશ આપવામાં આવે છે. આ આદેશનો જ્યારે અમલ કરાતો હોય છે ત્યારે ઉપસ્થિત સૈનિકોમાંનો એક મારાઓને પૂછે છે કે તેઓ કોની સાથે છે, સૈનિકો સાથે કે અધિકારીઓ સાથે ? આ જોઈને એક અધિકારી ગોળી ચલાવે છે જેમાં એક સૈનિકનું મોત થાય છે. તેને પગલે જહાજ પર બળવો ફાટી નીકળે છે. જહાજ પર કબજો કરીને સૈનિકો તેને ઓડેસાના કિનારે લઈ જાય છે. ઓડેસાના કામદારો બળવાખોર સૈનિકોને ટેકો આપે છે. ઝાર સામે થયેલા આ બળવાને કચડવા દળો આવી પહોંચે છે. ભારે રક્તપાત થાય છે. દરિયાકિનારા તરફ જતાં પગથિયાં પર જે રીતે કત્લેઆમ થાય છે તે ર્દશ્યો ઘેરી છાપ મૂકી જાય છે. અત્યાર સુધીમાં અનેક ચિત્રોમાં એક યા બીજી રીતે આ ર્દશ્યોનો ઉપયોગ કરાયો છે. એક જ ફ્રેમમાં એકથી વધુ ર્દશ્યોને એકબીજાં પર ‘સુપર-ઇમ્પોઝ’ કરવાની કળા–‘મોન્ટાજ’–(montage)નો દિગ્દર્શકે સુંદર ઉપયોગ કર્યો છે. મોન્ટાજનો એ પછી અનેક ચિત્રોમાં ઉપયોગ થતો રહ્યો છે.

હરસુખ થાનકી