બેજિન્ગ (પેકિંગ) : ચીનનું પાટનગર તથા શાંગહાઈ પછી દેશમાં બીજા ક્રમે આવતું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 39° 55´ ઉ. અ. તથા 116° 25´ પૂ. રે. તે પેકિંગ નામથી પણ ઓળખાય છે. ઝિલી અથવા પો હે અથવા બોના અખાતથી અંદરના ભૂમિભાગમાં આશરે 160 કિમી.ને અંતરે ઉત્તર ચીનના મેદાની વિસ્તારમાં તે વસેલું છે. બેજિન્ગ તેનાં સુંદર મહેલો, મંદિરો, દરવાજાઓ અને પાષાણ-દીવાલો માટે જાણીતું બનેલું છે. તે ઘણા લાંબા કાળથી વિશ્વવિદ્યાલયો તથા કલાભંડારો ધરાવતું હોવાથી તેને ચીનના સાંસ્કૃતિક મથક તરીકે ગણાવેલું છે. છેલ્લાં 2,000 કે તેથી વધુ વર્ષોથી વારંવાર પસંદગી પામીને ચીનની સરકારનું તે મુખ્ય વહીવટી મથક રહ્યું છે. માગોલ, મિંગ તેમજ મંચુવંશી શહેનશાહોએ અહીં મહાલયો તથા મંદિરોનું નિર્માણ કરેલું છે. આજે ચીનની કેન્દ્રીય સરકારના લગભગ બધા જ અગ્રણીઓ બેજિન્ગમાં જ વસે છે.
શહેર : બેજિન્ગ એક શહેર હોવા ઉપરાંત મહાનગર પણ છે. એટલું જ નહિ, તે જિલ્લાસમકક્ષ બેજિન્ગ–વિશિષ્ટ મ્યુનિસિપલ વિસ્તાર–(17,800 ચોકિમી.)નો પણ સમાવેશ કરે છે. 1993 મુજબ મુખ્ય શહેરની વસ્તી 65.6 લાખ જેટલી, જ્યારે સમગ્ર વિસ્તારની વસ્તી આશરે 1 કરોડ 20 લાખ (1994) જેટલી છે. જિલ્લા-વિસ્તારમાં એના મધ્યભાગમાંનું મૂળ શહેર (જૂનું શહેર), અસંખ્ય પરાં અને તેની બહારના ભાગની ખેતભૂમિ આવેલાં છે. જૂના શહેરમાં અંદરનું શહેર (inner city) તથા બહારનું શહેર (outer city) એવા બે લંબચોરસ વિભાગો છે. અગાઉ આ બંને વિભાગોને ફરતી કોટની દીવાલ હતી, તેને ક્રમે ક્રમે પાડી નાખવામાં આવેલી છે. રસ્તાઓ અને ભૂગર્ભીય રેલમાર્ગ જૂના શહેરની મૂળ સીમાને અનુસરતા ચાલ્યા જાય છે.
અંદરના શહેર વિભાગમાં ‘ફરબિડન સિટી’ અને ‘ઇમ્પીરિયલ સિટી’ નામથી જાણીતા બે ભાગ પડે છે. ફરબિડન સિટીમાં જૂના, ચીની શહેનશાહોના મહેલો આવેલા છે. સામાન્ય જનતા માટે ત્યાં પ્રવેશ-નિષેધ રહેતો, તેથી એ પ્રમાણેનું નામ પડેલું છે. હવે તો એ બધી ઇમારતોને સંગ્રહાલયોમાં ફેરવવામાં આવેલી છે. આ નિષિદ્ધ શહેરને ફરતે ઇમ્પીરિયલ શહેરનો ભાગ આવેલો છે. તેમાં ઉદ્યાનો, સરોવરો તથા સામ્યવાદી ચીની નેતાઓના આવાસો આવેલા છે. ઇમ્પીરિયલ શહેરની દક્ષિણ ધારે ‘તિએનાનમૅન’ નામથી જાણીતું બનેલું સ્વર્ગીય શાંતિનું પ્રવેશદ્વાર (Gate of Heavenly Peace) આવેલું છે (ચિત્ર 1). તેની સામેના ભાગમાં તિએનાનમૅન ચોક છે, જ્યાં રાષ્ટ્રીય તહેવારો ટાણે આતશબાજી તેમજ લશ્કરી કૂચ યોજાય છે. આ ચોકની અડોઅડ જનતા માટેનો વિશાળ સભાખંડ, સંસદ ઇમારત, ક્રાંતિ-સંગ્રહાલય અને ઐતિહાસિક સંગ્રહાલય આવેલાં છે. ચોકની દક્ષિણે ચૅરમૅન માઓનો સ્મારકખંડ છે, ત્યાં સ્મૃતિ રૂપે તેમની ચીજવસ્તુઓ જાળવી રાખવામાં આવેલી છે.
બહારના શહેરમાં વેપારી, આવાસી અને ઉદ્યાન-વિભાગો આવેલા છે. આ બાહ્ય શહેરની દક્ષિણ સીમા પર ‘ટેમ્પલ ઑવ્ હેવન’ આવેલું છે. ચીની શહેનશાહો ત્યાં સારા કૃષિપાકો થાય તે માટે પ્રાર્થના કરતા. ઉનાળામાં શહેનશાહો જ્યાં રહેવા જતા તે ગ્રીષ્મ મહેલ પણ અહીં જ છે. જૂના શહેરના વાયવ્ય ભાગમાં મિંગવંશી શહેનશાહોની કબરો આવેલી છે. ચીનની ભવ્ય ગણાતી દીવાલ પણ બેજિન્ગની ઉત્તરે નજીકમાંથી જ પસાર થાય છે.
દુનિયાનાં અન્ય શહેરોની જેમ જ અહીં બેજિન્ગમાં પણ ઘણાંખરાં ઘર જૂનાં છે. મોટાભાગના લોકો એક માળનાં મકાનોમાં રહે છે. મકાનો વૃક્ષોની હારવાળા સાંકડા માર્ગો પર આવેલાં છે. મુખ્ય રાજમાર્ગથી બધી દિશાઓ તરફ આવી મકાન-હરોળો વિસ્તરેલી છે. જૂના શહેરની પૂર્વ અને દક્ષિણ તરફનાં પરાંઓમાં સામ્યવાદીઓએ કારખાનાં નાખ્યાં છે. પરાંઓની ઉત્તર અને વાયવ્ય તરફ નવા બહુમાળી આવાસો પણ બંધાયા છે. વાયવ્ય તરફ બેજિન્ગ તથા કિંઘુઆ યુનિવર્સિટી આવેલી છે.
લોકો : બેજિન્ગની મોટાભાગની વસ્તી હૅન નામથી ઓળખાતા રાષ્ટ્રીય જાતીય સમૂહની બનેલી છે. અમુક પ્રમાણમાં મંચુઓ અને મૉંગોલ લોકો પણ અહીં રહે છે. અહીં વસતી લઘુમતી કોમોએ હૅન લોકોના રિવાજો અને પહેરવેશ અપનાવી લીધા છે. શહેરના લગભગ બધા જ લોકો રાષ્ટ્રની સત્તાવાર ગણાતી મૅન્ડેરિન ભાષાનો ઉપયોગ કરે છે.
શિક્ષણ-સંસ્કૃતિ : બેજિન્ગમાં લગભગ બધાં જ બાળકો પ્રાથમિક શાળાઓમાં જાય છે, તે પૈકીનાં મોટાભાગનાં બાળકો માધ્યમિક શાળાઓમાં ઓછામાં ઓછા એક વર્ષ માટે તો જાય છે જ. શહેરમાં 30 જેટલી કૉલેજો, ટૅકનિકલ કૉલેજો અને યુનિવર્સિટીઓની સગવડ છે. બેજિન્ગ ખાતે આવેલું પુસ્તકાલય ચીનનું મોટામાં મોટું પુસ્તકાલય ગણાય છે. અહીં 25થી વધુ થિયેટરો છે તથા અહીંની ઑપેરા અને બેલે કંપનીઓ સમગ્ર દેશમાં કાર્યક્રમો આપે છે.
અર્થતંત્ર : જ્યારથી સામ્યવાદીઓએ ચીનનો કબજો લીધો અને વર્ચસ્ જમાવ્યું ત્યારથી તેમણે આ નગરમાં કારખાનાં નાખ્યાં છે. તેમાં રસાયણો, વીજાણુ-સામગ્રી, ખેતી માટેની યાંત્રિક સામગ્રી, લોખંડ-પોલાદ તથા સુતરાઉ કાપડનું ઉત્પાદન લેવાય છે. હુન્નરકૌશલ્ય ધરાવતા કારીગરો પૉર્સેલિન, સોફા-પડદાનાં કાપડ તથા ટાઇલ્સ બનાવે છે. શહેરની બહારના ભાગમાં આવેલાં ખેતરોમાં કપાસ, ફળો, અનાજ અને શાકભાજીની ખેતી થાય છે. ત્યાં લોકો બતકાં, માછલી અને ડુક્કરોનો પણ ઉછેર કરે છે અને સાથે સાથે ટોપલીઓ, રાચરચીલાંની ચીજો જેવી હલકી ઔદ્યોગિક પેદાશો પણ બનાવે છે.
વહીવટ : બેજિન્ગ હેબેઇ (Hebei) પ્રાંતમાં આવેલું છે, પરંતુ તેનો વહીવટ પ્રાંતીય વહીવટથી સ્વતંત્ર છે. ચીની સામ્યવાદી પક્ષની સમિતિ સરકારી નીતિઓ નક્કી કરે છે અને સ્થાનિક અગ્રણીઓ તેનો અમલ કરે છે.
જોવાલાયક સ્થળો : (1) તિએનાનમૅન ચૉક : બેજિન્ગની મધ્યમાં આવેલું જાણીતું ઐતિહાસિક સ્થળ; ભવ્ય ચૉક. અહીં લશ્કરી કૂચ, રાજકીય રેલી, આતશબાજી જેવા કાર્યક્રમો યોજાય છે. ચૉકની આજુબાજુ મહત્વની ઇમારતો છે. (2) બીહાઈ સરોવર : બેજિન્ગની મધ્યમાં આવેલાં ત્રણ સરોવરો પૈકીનું એક. તેની આજુબાજુ મંદિરો અને પેવિલિયનો સહિતનો રમણીય ઉદ્યાન છે. (3) હૉલ ઑફ સુપ્રીમ હાર્મની : બેજિન્ગમાં આવેલું જાણીતું સ્થાપત્ય. 1627માં ચિઆંગ રાજાએ બંધાવ્યું હતું, જે ટાઇ-હેમ્ટીએન (Tai-ho-Tian) અથવા હૉલ ઑફ સુપ્રીમ હાર્મની તરીકે ઓળખાય છે (ચિત્ર 2). (4) ચીનની દીવાલ : દુનિયાની લાંબામાં લાંબી ભવ્ય દીવાલ. તેનો પ્રથમ ભાગ ઈ. પૂ. પાંચમી સદીમાં બંધાયેલો, તે પછી વખતોવખત સત્તરમી સદી સુધી તેનું નિર્માણકાર્ય થતું રહેલું. બેજિન્ગથી નજીકનાં બદાલિંગ અને મુતિઆન્યૂ ખાતે ઘણા લોકો આ દીવાલ જોવા માટે જાય છે. (5) ગ્રીષ્મ મહેલ : જૂના શહેનશાહો માટેનું ઉનાળાનું નિવાસ-સ્થળ. ત્યાં મહાલયો તથા પેવિલિયનો, સરોવરો, ઐતિહાસિક ર્દશ્યચિત્રોને જાળવવામાં આવેલાં છે. અહીંનો પ્રથમ મહેલ બારમી સદીમાં બંધાયેલો.
પછીના શહેનશાહોએ અન્ય ઇમારતોનું નિર્માણ કરેલું છે. (6) ગ્રેટ રેડ ગેટવે : અહીંથી મિંગ શહેનશાહોની કબરો તરફ જવાય છે. મિંગવંશી કબરોના આ સંકુલમાં 13 જેટલી કબરો છે. આ પૈકીની 1572થી 1620 દરમિયાનના શાસક શહેનશાહ વાં લી(Wan Li)ની કબરનું ખનન કરવામાં આવેલું છે. (7) ટેમ્પલ ઑવ્ હેવન : ચીનનું ખૂબ જાણીતું બનેલું મંદિર. અહીં કોટ સહિતના ઉદ્યાનની અંદર મહત્વના પ્રસંગો માટે ઉપયોગમાં લેવાતી ઇમારતો પણ છે. અહીં દર્શાવેલ ચિત્ર 3 સારા કૃષિપાકો માટેના પ્રાર્થનાખંડનું છે. તે સ્થાપત્યનો ભવ્ય તથા અજબ નમૂનો ગણાય છે. આખીય ઇમારત ખીલા જડ્યા વગરના લાકડામાંથી બનાવેલી છે.
ઇતિહાસ : સંભવત: ઈ. પૂ. 2000ના અરસામાં બેજિન્ગ એક વેપારી મથક તરીકે સ્થપાયું હતું. આશરે ઈ. પૂ. 400થી 200 વચ્ચેના ગાળામાં તે એક નાના યેન રાજ્યની રાજધાની તરીકે ઉપયોગમાં લેવાતું હતું. મંચુરિયાના ખિતાનોએ ચીન પર આક્રમણ કરીને 905માં અહીં લીઓ વંશના શાસનની સ્થાપના કરેલી. તેમણે સ્થાપેલાં બે રાષ્ટ્રીય પાટનગરો પૈકી બેજિન્ગ પણ હતું. ખિતાન લોકો આ સ્થળને યેનજિંગ નામથી ઓળખતા. આજે પણ આ નામ ક્યારેક ઉપયોગમાં લેવાય છે.
તેરમી સદીના અંત વખતે મૉંગોલોએ ચીન જીતી લીધેલું અને યુઆન વંશનું શાસન શરૂ કરેલું. મૉંગોલ અગ્રણી કુબ્લાઈખાને બેજિન્ગને શિયાળુ પાટનગર રાખેલું તથા શહેરના વિકાસ માટે બાંધકામની શરૂઆત કરેલી. 1275માં આ સ્થળે ઇટાલિયન વેપારી માર્કો પોલો આવેલો. તેણે તેની સુંદરતાનાં વખાણ કરેલાં છે.
1368માં મિંગ વંશ અહીં સત્તા પર આવ્યો અને નાનજિંગને પાટનગર બનાવ્યું. 1421માં પાટનગરના આ સ્થળ(નાનજિંગ)ને ખેસવીને તેઓ બેજિન્ગ ખાતે લઈ ગયા, ત્યારે તેઓ તેને બેપિંગ (ઉત્તરના શાંતિસ્થળ) તરીકે ઓળખતા હતા, પરંતુ પછીથી તેને બેજિન્ગ (ઉત્તરનું પાટનગર) નામ આપેલું. 1644માં મિંગ વંશને હઠાવીને અહીં મંચુ વંશ આવ્યો. તેમણે બેજિન્ગને વિસ્તાર્યું, ઘણાં મહેલો તથા મંદિરોનું નિર્માણ કર્યું.
1860માં ગ્રેટબ્રિટન અને ફ્રાન્સે ચીનમાં, વિશેષે કરીને બેજિન્ગ ખાતે તેમના રાજદ્વારીઓને રહેવા દેવા માટે ફરજ પાડીને અનુમતિ મેળવી. 1900માં બૉક્સરો નામથી જાણીતા બનેલા ચીનના એક જૂથે પરદેશીઓને ચીનમાંથી હાંકી કાઢવાનો પ્રયાસ આદરેલો. તેમણે એક જર્મન રાજદ્વારીની હત્યા કરી અને ઉત્તર ચીનમાં રહેતા ઘણા ચીની ખ્રિસ્તીઓને પણ મારી નાખ્યા. આથી જર્મની, ઇટાલી, યુ.એસ., રશિયા, જાપાન સહિતના આઠ દેશોએ ભેગા મળી લશ્કરને તૈયાર કરી બેજિન્ગ પર હુમલો કર્યો, શહેરના ઘણા ભંડારોનો નાશ કર્યો. 1912માં છેલ્લા મંચુ શહેનશાહનું પતન થયું ત્યારે અહીંના સ્થાનિક ઉમરાવ યોદ્ધાઓના જૂથે બેજિન્ગનો કબજો મેળવી લીધો.
1919ના પ્રારંભમાં જાપાને શાનડોંગમાં આવેલાં અમુક બંદરો પર પોતાનો અંકુશ જમાવી દીધો; તે જ વર્ષના મેની ચોથી તારીખે બેજિન્ગના વિદ્યાર્થીઓએ ચીન પરની જાપાનની આ કામગીરી માટે વિરોધી ચળવળ કરી, જે ‘મે ચોથીની ચળવળ’ (May Fourth Movement) તરીકે ઓળખાઈ. તેમનું ધ્યેય ચીનનાં ગૌરવ અને તાકાત પાછાં મેળવવાનું હતું.
1928માં ચીની નૅશનલ પાર્ટીએ ઉમરાવ યોદ્ધાઓ પાસેથી બેજિન્ગ પરનો કાબૂ પાછો મેળવી લીધો. આ પક્ષના નેતા ચાંગ-કાઇ-શેકે નાનજિંગને ચીનનું પાટનગર બનાવ્યું અને બેજિન્ગનું નામ બેપિંગ કર્યું. 1937માં જાપાને ચીનને બેજિન્ગની દક્ષિણે આવેલા માર્કો પોલો બ્રિજ ખાતે હરાવ્યું અને શહેરનો કબજો લીધો. 1945માં રાષ્ટ્રીય દળોએ બેજિન્ગ પાછું મેળવી લીધું. 1949માં ચીની સામ્યવાદીઓએ ચીન પર તેમની સત્તા જમાવી.
1949ના ઑક્ટોબરની પહેલી તારીખે માઓ ઝેદોંગે ચીનની પ્રજાસત્તાક લોકશાહી માટે ઘોષણા કરી. સામ્યવાદીઓએ શહેરને ફરીથી બેજિન્ગ નામ આપ્યું અને તેને દેશનું પાટનગર બનાવ્યું. તેમણે નવી ઇમારતોનું નિર્માણ કર્યું, પરાંઓમાં ઉદ્યોગ સ્થાપ્યા અને સહકારી ખેતરોનું આયોજન કર્યું.
1966માં માઓએ બેજિન્ગની યુનિવર્સિટીઓ બંધ કરાવી. તેમણે વિદ્યાર્થીઓના રેડગાર્ડ્ઝ એકમોની રચના કરી અને જે લોકો માઓની નીતિઓને અનુસરે નહિ તેમને દૂર કરવાની વ્યૂહરચના ગોઠવી. રેડગાર્ડ્ઝ એકમોએ બેજિન્ગની નાગરિક સરકારને હઠાવવામાં પણ મદદ કરી. આ રીતે માઓને વફાદાર રહે એવા નાગરિક તથા લશ્કરી અધિકારીઓને હસ્તક સત્તાનાં સૂત્રો આવે એવું ગોઠવી દેવાયું.
માઓના અવસાન (1976) બાદ ત્રણ વર્ષે 1979માં ફરીથી સત્તાનાં સૂત્રો લોકસરકાર પાસે આવી ગયાં. 1989માં અસંખ્ય ચીની લોકોએ વધુ લોકશાહી લાભો મેળવવાના હેતુથી તિએનાનમૅન ચોક ખાતે ભેગા થઈને દેખાવો યોજેલા, પરંતુ લશ્કરે તેમનો બળવો કચડી નાંખ્યો. તેમાં સેંકડો વિરોધીઓની હત્યા થયેલી.
1976માં બેજિન્ગ વિસ્તારમાં થયેલા ભયંકર ભૂકંપથી તારાજી થયેલી. ભૂકંપનું કેન્દ્ર તાંગશાન શહેર નજીક હતું. આ ભૂકંપથી આશરે 2.5 લાખ જેટલા લોકોનાં મૃત્યુ થયેલાં તથા માલમિલકતનું મોટા પાયા પર નુકસાન થયેલું.
ગિરીશભાઈ પંડ્યા