બેજહૉટ, વૉલ્ટેર (જ. 3 ફેબ્રુઆરી 1826, લેંગપૉર્ટ, સમરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 24 માર્ચ 1877, ઇંગ્લૅન્ડ) : રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના અંગ્રેજ વિદ્વાન. 1848માં તેઓ લંડનની યુનિવર્સિટી-કૉલેજમાંથી અનુસ્નાતક થયા. ત્યારબાદ ત્રણ વર્ષ કાયદાનો અભ્યાસ કર્યો. 1851માં તેઓ પૅરિસ ગયા અને ત્યાં લુઈ નેપોલિયન સામેના વિપ્લવ વિશે લેખો લખ્યા અને આંખોદેખી માહિતીને આધારે નેપોલિયનનો બચાવ કર્યો. આ કારણે તેઓ રૂઢિચુસ્ત બ્રિટિશ નાગરિકોમાં ચર્ચાસ્પદ બન્યા હતા. પછીનાં છ–સાત વર્ષ દરમિયાન તેમણે અંગ્રેજ મહાનુભાવો વિશે વિપુલ પ્રમાણમાં નિબંધો લખ્યા, જેમાં મિલ્ટન, શેક્સપિયર, ગિબન, સર વૉલ્ટર સ્કૉટ જેવા અગ્રણી નેતાઓનો સમાવેશ થયો હતો. તેમના આ લેખોએ ‘ધી ઇકૉનોમિસ્ટ’ના સ્થાપક અને પત્રકાર જેમ્સ વિલ્સનનું ધ્યાન ખેંચ્યું. આ જ સામયિકના તંત્રી તરીકે તેમણે પાછળથી પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને ક્રમશ: વ્યવસાયી પત્રકાર બની રહ્યા. આ કારકિર્દી દરમિયાન તેમણે પ્રશ્નોના ઊંડાણમાં જઈ તલસ્પર્શી અભ્યાસની ટેવ કેળવી.

તેમના વ્યાપક અભ્યાસના આધારે તેમનો પ્રથમ ગ્રંથ ‘ઇંગ્લિશ કૉન્સ્ટિટ્યૂશન’ (1867) પ્રગટ થયો, જે બ્રિટનના બંધારણના અભ્યાસ અંગેનો સીમાચિહ્નરૂપ ગ્રંથ ગણાય છે. તેમાં તેમણે બંધારણીય સુધારાઓની ભલામણ કરી તથા કૅબિનેટ પ્રથામાં સાચી સત્તાનું કેન્દ્રબિંદુ ક્યાં હોય છે તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય રીતે તેઓ પોતાને ‘રૂઢિચુસ્ત ઉદારમતવાદી’ તરીકે ઓળખાવતા.

વૉલ્ટેર બેજહૉટ

‘ફિઝિક્સ ઍન્ડ પૉલિટિક્સ’ (1872) અને ‘લૉમ્બાર્ડ સ્ટ્રીટ’ (1873) તેમના અન્ય જાણીતા ગ્રંથો છે. તેમાંના પ્રથમ ગ્રંથમાં નૃવંશવિદ્યાની નવી શોધોને રાજકીય સંદર્ભમાં સમજવાનો તથા તેને વિકસતાં સમાજો અને રાષ્ટ્રોના સંદર્ભમાં પ્રયોજવાનો પ્રયાસ કર્યો છે. ‘લૉમ્બાર્ડ સ્ટ્રીટ’માં 1850થી 1870 વચ્ચેનાં વર્ષોના નાણાબજારના પ્રવાહોને મૂલવવાનો તેમણે પ્રયાસ કર્યો છે.

રક્ષા મ. વ્યાસ