બેજર, ફ્રેડરિક (જ. 27 એપ્રિલ 1837, ડેન્માર્ક; અ. 22 જાન્યુઆરી 1922, કોપનહેગન) : 1908ના શાંતિના નોબેલ પુરસ્કારના સહવિજેતા. જીવનની શરૂઆતમાં બેજરે લશ્કરમાં ફરજ બજાવી અને પ્રશિયાની લડાઈ પછી છૂટા થતાં તેમણે સ્કૅન્ડિનેવિયાની એકતા, શાંતિ, સહકાર અને સ્ત્રીઓની મુક્તિ માટે કાર્ય શરૂ કર્યું. તેમણે ડેનિશ સ્ત્રી સંઘની રચના કરી. ડેન્માર્કને તટસ્થ રાષ્ટ્ર તરીકે વિકસાવવા તેમણે પ્રયત્ન શરૂ કર્યો. યુરોપનાં તે સમયનાં રજવાડાં અને રાજ્યો વચ્ચે નાનાંમોટાં યુદ્ધો થતાં રહેતાં ત્યારે બેજરે કરેલા શાંતિના પ્રયત્નો અદભુત ગણાતા હતા.
1891માં બર્નમાં ‘ઇન્ટરનૅશનલ પીસ બ્યૂરો’ની સ્થાપના માટે સ્કૅન્ડિનેવિયન શાંતિ પરિષદમાં તેમને પ્રેરણા મળી. તેની રચના કરી તેમણે 1907 સુધી તેના પ્રમુખ તરીકે વિશ્વશાંતિ માટે કાર્ય કર્યું. 1877થી 1879 સુધી તેમણે ‘ફોક ઈવનન’ (‘લોકોના મિત્ર’) નામના સામયિકના તંત્રી તરીકે પોતાના આદર્શો લોકોમાં પ્રસરાવ્યા હતા. તેમના જીવન દરમિયાન તેમણે ચૌદ આંતરસાંસદ પરિષદોમાં ભાગ લઈ શાંતિ, સ્ત્રીમુક્તિ અને સહકાર માટે કાર્ય કર્યું. તેમણે ચૌદ શાંતિ પરિષદોમાં સક્રિય હાજરી આપી. તેમના આ શાંતિકાર્ય માટે 1908માં સ્વિડિશ ક્લાસ પી. આમોલ્ડસન સાથે સંયુક્ત રીતે શાંતિનું નોબેલ પારિતોષિક મળ્યું હતું.
પુષ્કર ગોકાણી