બેકન, ફ્રાન્સિસ (જ. 28 ઑક્ટોબર 1909, ડબ્લિન; અ. 1992) : એકલતા અને ત્રાસને નિરૂપતા આઇરિશ અગ્રણી આધુનિક ચિત્રકાર. પિતા ઘોડાને તાલીમ આપનાર હતા. ઘેર ખાનગી રાહે ટ્યૂશન લઈને ચિત્રકળાની તાલીમ લીધી. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયન ચિત્રકાર રૉય દ મૈસ્ટ્રેની મિત્રતાથી પણ કલાભ્યાસમાં ફાયદો થયો. 1945 સુધી તેઓ સ્વીકૃતિ અને પ્રસિદ્ધિથી દૂર રહ્યા. 1945 પછી તેમને વિશ્વભરમાં અપૂર્વ પ્રસિદ્ધિ મળી, જેને માટે તેમની શક્તિશાળી અંગત શૈલી જવાબદાર હતી. ફોટોગ્રાફ, ફિલ્મ અને અન્ય ચિત્રકારોનાં ચિત્રો પર તેમનાં ચિત્રો આધારિત હોય છે. આ નવી ચિત્રકૃતિઓમાં મૂળ કૃતિઓનું તેઓ પોતાની આગવી શૈલીમાં જોરદાર વિકૃતીકરણ કરે છે, જે તેમની સ્વકીય ખાસિયત ગણાય છે.
હિંસક અને ભડક રંગોમાં ચીતરેલાં એકલવાયાં માનવપાત્રો અસહ્ય અને ગૂંગળાવી નાંખે તેવો ત્રાસ અનુભવી રહ્યાં હોય તેવો ભાસ દર્શકને થાય છે. આ રીતે તેઓ આધુનિક ઔદ્યોગિક સમાજે કરેલી માનવીની હાલતને ઉઘાડી પાડે છે. ભય, ત્રાસ અને ગુસ્સો એ તેમનાં ચિત્રોનો મુખ્ય ભાવ છે. ગતિ-સ્થિતિનું ચિત્રણ પણ તેમના રસનો વિષય હતો.
અમિતાભ મડિયા