બેકન, ફ્રાન્સિસ ટૉમસ

January, 2000

બેકન, ફ્રાન્સિસ ટૉમસ (જ. 1904; અ. 1992) : બ્રિટનના નામાંકિત ઇજનેર તેમજ વ્યવહારોપયોગી ફ્યુઅલ સેલના ડિઝાઇન-આલેખક. તેમણે કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કર્યો હતો. 1925–40 દરમિયાન તેમણે સર ચાર્લ્સ પાર્સન માટે ઇજનેર તરીકે કામ કર્યું. સબમરીન માટે હાઇડ્રોજન-ઑક્સિજનના ફ્યુઅલ-સેલના ઉપયોગની તેમણે ભલામણ કરી. 1941–46 દરમિયાન તેઓ ‘ઍન્ટી-સબમરીન એસ્ટાબ્લિશમેન્ટ’ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે (1945–56) સંશોધન-પ્રયોગો કરતા રહ્યા. 1956થી ’62 દરમિયાન તેમણે નૅશનલ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલના મુખ્ય સલાહકાર તરીકે સેવા આપી. 1971–73 દરમિયાન તેમણે ઍટમિક એનર્જી ઑથૉરિટીમાં પણ એ જ પ્રકારની સેવા આપી. અમેરિકાના અવકાશયાનમાં ગતિશક્તિ (power), ગરમી અને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે એ માટેની તેમની ડિઝાઇનનો સૌપ્રથમ વ્યવહારુ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમને રૉયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા હતા (1973), અને પ્રથમ ‘ગ્રોવ મેડલ’ 1991માં તેમને એનાયત કરાયો હતો.

મહેશ ચોકસી