બેઇકલૅન્ડ, લિયો હેન્ડ્રિક (જ. 14 નવેમ્બર 1863, ઘેન્ટ, બેલ્જિયમ; અ. 23 ફેબ્રુઆરી 1944, બેકન, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ‘બેકેલાઇટ’ની શોધ દ્વારા આધુનિક પ્લાસ્ટિક-ઉદ્યોગની સ્થાપનામાં મદદરૂપ થનાર અમેરિકન ઔદ્યોગિક રસાયણના નિષ્ણાત. બેઇકલૅન્ડે 21 વર્ષની ઉંમરે યુનિવર્સિટી ઑવ્ ઘેન્ટમાંથી ડૉક્ટરેટ મેળવી તે જ યુનિવર્સિટીમાં 1889 સુધી અધ્યાપનકાર્ય કર્યું. 1889માં મધુરજની માટે અમેરિકા ગયા અને ત્યાં જ પરામર્શક (consultant) તરીકે સ્થાયી થયા. 1893માં તેમણે ‘વેલૅક્સ’ નામનો ફોટોગ્રાફિક કાગળ બનાવ્યો, પણ 1899માં કોડાક કંપનીના જ્યૉર્જ ઇસ્ટમૅનને તેના હક દસ લાખ ડૉલરમાં વેચી દીધા. થોડાં વર્ષોના સંશોધન બાદ 1905માં તેમણે ફીનૉલની ફૉર્માલ્ડિહાઇડ (મિથેનૉલ) સાથે સંઘનનપ્રક્રિયાનો અભ્યાસ કર્યો. તેમણે જોયું કે યોગ્ય પરિસ્થિતિમાં એક કાળો ઘન પદાર્થ મળે છે, જે કઠણ તથા અદ્રાવ્ય તાપ-ર્દઢ (thermosetting) રેઝિન છે. 1909થી તેમણે આ પદાર્થ મોટા પાયે બનાવવા માંડ્યો તથા પૂરકો (fillers) ઉમેરી તેમાંથી બેકેલાઇટ નામનું પ્લાસ્ટિક મેળવ્યું. આ પદાર્થ એક બહુલક સંયોજન છે, જેમાં બેન્ઝીન વલયો મિથિલિન (CH2) સમૂહ દ્વારા 1, 3 તથા 5 સ્થિતિમાં જોડાયેલાં હોય છે. તે ત્રિપરિમાણાત્મક બહુલક છે, જેનો અણુભાર ખૂબ મોટો હોય છે.
તેમનાં સંશોધનો માટે તેમણે અનેક ચંદ્રકો મેળવ્યા હતા. 1924માં તેઓ અમેરિકન કેમિકલ સોસાયટીના પ્રમુખ પણ હતા.
જ. પો. ત્રિવેદી