બેઇઓવુલ્ફ : ઍંગ્લોસૅક્સન ભાષાની પશ્ચિમ બોલીમાં લખાયેલી, 3,182 પંક્તિમાં પ્રસરતી સૌથી જૂની અંગ્રેજી કાવ્યકૃતિ. તેની એકમાત્ર ઉપલબ્ધ હસ્તપ્રત બ્રિટિશ મ્યૂઝિયમમાં છે. આઠમી સદીના કોઈ ઍંગ્લિયન કવિએ તે કાવ્ય લખ્યું હોવાની માન્યતા છે. મૌખિક પરંપરામાં જળવાયેલું આ કાવ્ય નૉર્ધમ્બરલૅંડમાં આઠમી સદીમાં આજના સ્વરૂપને પામ્યું હોય તેમ લાગે છે. કાવ્યની પાર્શ્વભૂમિ દક્ષિણ સ્કૅન્ડિનેવિયા છે. સમય લીધો છે પાંચમી–છઠ્ઠી સદીનો. આમાં બ્રિટનનો કોઈ સંદર્ભ નથી. તેમાં સ્કૅન્ડિનેવિયન ઇતિહાસ, યહૂદી, ખ્રિસ્તી કે મુસલમાનથી ભિન્ન મૂર્તિપૂજક પ્રજાની પુરાણકથાઓ અને કેટલીક ખ્રિસ્તી માન્યતાઓનું અજબગજબનું સંમિશ્રણ થયું છે. કાવ્યનો નાયક બેઓલ્ફ છે. તેના જીવનનાં પરાક્રમોનું બ્યાન કવિ કરે છે. તેનો સંઘર્ષ અડધો મનુષ્ય અને અડધો રાક્ષસ ગ્રેન્ડેલ સાથે છે. ગ્રેન્ડેલે ડેન્માર્કના રાજવી હોધ્ગરના રાજ્યમાં આતંક મચાવ્યો હોય છે. બેઓલ્ફ ગ્રેન્ડેલ અને તેનું વેર લેવા ધસી આવેલ તેની માતાનો અને પાછળથી આગ ઓકતા એક રાક્ષસનો વધ કરે છે. વિજયી બેઓલ્ફનો સર્વત્ર જયજયકાર થાય છે. તે પોતાના વતન ગીટલૅંડ પરત થાય છે અને પોતાના પરાક્રમની વાત સૌ સ્વજનોને કરે છે. રાજા હાયજિલેક તરફથી તેને મોટી જાગીર પ્રાપ્ત થાય છે. લગભગ પચાસ વર્ષ સુધી એ જાગીર પર તે શાસન કરે છે. પોતાની જૈફ ઉંમરે પણ જોસ્સો અને શૌર્ય દાખવી અન્ય યોદ્ધા વિગ્લેફની મદદથી ભયંકર રાક્ષસનો વધ કરે છે. જોકે આ યુદ્ધમાં બેઓલ્ફ પોતે પણ સખત રીતે ઘવાય છે. વિગ્લેફ પોતાના મિત્ર બેઓલ્ફના અંતિમ શ્વાસ પહેલાં રાક્ષસનો વિપુલ ભંડાર મેળવી લે છે. કાવ્યને અંતે બેઓલ્ફની દફનવિધિ માટેની આખરી તૈયારીનું વર્ણન છે. જોકે આ ક્ષણે ગીટલડની પ્રજા ઉપર આવનાર મહાસંકટ માટેની આગાહી કરવામાં આવે છે. આ કાવ્યનો મધ્યવર્તી વિચાર બેઓલ્ફનાં પરાક્રમ, યુદ્ધનૈપુણ્ય અને કીર્તિગાથા છે. તેમાં આવતાં પર્વઉત્સવો, મિજબાનીઓ અને શૂરવીરોનાં યુદ્ધો વાચકને પુરુષપ્રધાન સામંતશાહીના સમાજનું દર્શન કરાવે છે. બેઓલ્ફના અનામી કવિએ એકલે હાથે આ કાવ્ય લખ્યું હશે તેમ માનવામાં આવે છે.

વિ. પ્ર. ત્રિવેદી