બેંટન, વિલિયમ (બર્નેટ) (જ. 1 એપ્રિલ 1900, મિનિયાપોલિસ, યુ.એસ.; અ. 18 માર્ચ 1973, ન્યૂયૉર્ક સિટી) : ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ (1943–73) અને અન્ય ભાષાઓમાં રચાયેલ એન્સાઇક્લોપીડિયાના મુખ્ય સંપાદક. યુ. એસ. પ્રકાશન વિભાગના મુખ્ય વહીવટદાર ‘બેંટન ઍન્ડ બાઉલ્સ’ નામની જગપ્રસિદ્ધ વિજ્ઞાપન પેઢીના સ્થાપક. યુનિવર્સિટી ઑવ્ શિકાગોના વાઇસ પ્રેસિડન્ટ અમેરિકાની સરકારમાં આસિસ્ટન્ટ સેક્રેટરી ઑવ્ સ્ટેટ. યુનેસ્કોમાં યુ.એસ.ના પ્રતિનિધિ (1963–69). યુ.એસ. સેનેટમાં કનેક્ટિકટ રાજ્યમાંથી બે વાર ચૂંટાયેલા સભ્ય. પિતા પ્રાધ્યાપક, ધર્મપ્રસારક અને કેળવણીકારોની વંશપરંપરા પૈકીના. માતા શાળામાં મુખ્યશિક્ષિકા અને છાત્રાલયનાં ગૃહમાતા. શિક્ષણ મિનેસોટા રાજ્યની નૉર્થફીલ્ડની કાર્લટન કૉલેજ તથા પાછળથી યેલ યુનિવર્સિટીમાં, યેલ રેકર્ડના અધ્યક્ષ. 1921માં ગ્રૅજ્યુએટ. મહાન કેળવણીકાર રૉબર્ટ એમ. હચિન્સનના ઘનિષ્ઠ મિત્ર.
વિજ્ઞાપનના વ્યવસાયમાં રસ. ન્યૂયૉર્ક અને શિકાગોમાં તે ક્ષેત્રે સક્રિય. ‘ચેસ્ટર ઍન્ડ બાઉલ્સ’ના ભાગીદાર. 1929માં ‘બેંટન ઍન્ડ બાઉલ્સ’ નામની વિજ્ઞાપન પેઢી સ્થાપી જે અમેરિકાની પ્રવર્તેલ મહાન તીવ્ર મંદી વખતે પણ અડીખમ રહેલી. રેડિયો કાર્યક્રમને વિજ્ઞાપન દ્વારા પુરસ્કૃત કરવાનો સૌપ્રથમ વિચાર તેમણે કર્યો. 1935માં તેમની પેઢીની ગણના દુનિયાની તે પ્રકારની 6 માતબર પેઢીઓમાં થતી હતી. બેંટને તે વેચી ત્યારે તેના 10 લાખ ડૉલર ઊપજ્યા હતા. તેમના વિજ્ઞાપન અને રેડિયોના બહોળા અનુભવનો લાભ તેમણે યુનિવર્સિટીને આપ્યો. આમાંથી તેમણે ‘યુનિવર્સિટી ઑવ્ શિકાગો રાઉન્ડ ટેબલ’ નામના જાણીતા રેડિયો-ફૉરમની સ્થાપના કરી. સીઅર્સ કૉર્પોરેશન પાસેથી ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ના પ્રકાશનહક લઈને યુનિવર્સિટીને સોંપવા માટે બેંટને જાતે ગણનાપાત્ર આર્થિક મદદ કરી. બેંટનના અવસાન બાદ યુનિવર્સિટીના ભંડોળમાં એન્સાઇક્લોપીડિયાની એકઠી થયેલ રૉયલ્ટી ગુણોત્તરમાં વધતાં 4 કરોડ 78 લાખ ડૉલર જેટલી થઈ હતી.
1945માં યુનિવર્સિટીમાંથી બેંટન સ્વેચ્છાએ છૂટા થયા. યુ.એસ.ના આસિસ્ટન્ટ સેક્રેટરી ઑવ્ સ્ટેટના હોદ્દાની રૂએ તેમણે શિક્ષણના ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય કર્યું હતું. યુ.એસ. ઇન્ફર્મેશન સર્વિસને શાંતિકાળમાં કલ્ચરલ એક્સ્ચેન્જ પ્રોગ્રામનું સ્વરૂપ આપ્યું. ‘વૉઇસ ઑવ્ અમેરિકા’માં તેમના વિચારોએ અગત્યની ભૂમિકા ભજવી. યુનેસ્કોમાં અમેરિકાના અભિગમને તેમણે નવી દિશા ચીંધી. અહીં તેમની નિમણૂક યુ.એસ.ના પ્રતિનિધિ તરીકે થઈ (1963–69). ‘ફુલબ્રાઇટ સ્કૉલરશિપ ઍક્ટ’ અને ‘ફૉરિન સર્વિસ ઍક્ટ 1946’ માટે તેમણે જહેમત ઉઠાવી હતી.
1945 પછી પોતાનું સમગ્ર ધ્યાન તેમણે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાને આપ્યું. આ વિશ્વકોશના ઉપયોગની સભાનતા ઊભી કરવાના અને તેના વિસ્તારની યોજનાના કાર્યમાં તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. આ અગાઉ તેમણે ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ફિલ્મ્સ’ (1943) પણ બનાવી હતી. તેમનાં અન્ય પ્રકાશનોમાં ‘54 વૉલ્યૂમ, ગ્રેટ બુક્સ ઑવ્ ધ વેસ્ટર્ન વર્લ્ડ’ (1957); ‘એન્સાઇક્લોપીડિયા બાર્સા’ (સ્પૅનિશ–1957; પૉર્ટુગીઝ–1964); ‘એક્વાયર્ડ કૉમ્પટન્સ પિક્ચર્ડ એન્સાઇક્લોપીડિયા’ (1961); ‘જી. ઍન્ડ સી. મેરિયન કંપની વેબ્સ્ટર્સ ડિક્શનરિઝ’ (1964); ‘એન્સાઇક્લોપીડિયા યુનિવર્સાલિસ’ (ફ્રેન્ચ, 1968–75) અને ‘બ્રિટાનિકા ઇન્ટર એન્સાઇક્લોપીડિયા’ (જાપાની, 1972–1975) નોંધપાત્ર છે. તેમનો ભગીરથ પ્રયાસ તે એન્સાઇક્લોપીડિયાની પંદરમી આવૃત્તિ. તેની પડતર કિંમત 3 કરોડ ડૉલરથી વિશેષ થઈ હતી. જોકે તે પ્રસિદ્ધ થાય તેના એક વર્ષ પહેલાં બેંટનનું અવસાન થયું. ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ની માલિકી તેમની ઇચ્છા મુજબ ‘વિલિયમ બેંટન ફાઉન્ડેશન’ને સોંપવામાં આવી. આ યુનિવર્સિટી ઑવ્ શિકાગોનું સપૉર્ટ ફાઉન્ડેશન હતું. બેંટને લખેલાં અન્ય પુસ્તકોમાં ‘ધિસ ઇઝ ધ ચૅલેન્જ’ (1958) અને ‘ધ વૉઇસ ઑવ્ લૅટિન અમેરિકા’ (1961) નોંધપાત્ર છે. 1968માં યુનિવર્સિટી ઑવ્ શિકાગોએ બેંટનને તેમના નામના જ ‘વિલિયમ બેંટન ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ મેડલ’થી નવાજ્યા તે યુનિવર્સિટીના ઇતિહાસની એક વિલક્ષણ ઘટના છે. વિશ્વકોશોના આ મહાન સંપાદકના જીવનને આવરી લેતો આધારભૂત ગ્રંથ ‘ધ લાઇવ્ઝ ઑવ્ વિલિયમ બેંટન’ (1969) સિડની હાઇમને લખેલો છે.
વિ. પ્ર. ત્રિવેદી