બેંગાલ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી
January, 2000
બેંગાલ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી : ભારતના લોકોની વાસ્તવિક સ્થિતિની માહિતી ભેગી કરીને તેમના વિકાસનાં કાર્યો કરવા સ્થપાયેલી સંસ્થા. તેની સ્થાપના 20 એપ્રિલ 1843ના રોજ બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય અને ગુલામોની મુક્તિ માટે લડત કરનાર જ્યૉર્જ થૉમ્પસનની પ્રેરણાથી કરવામાં આવી હતી. થૉમ્પસન દ્વારકાનાથ ટાગોરના નિમંત્રણથી ભારતમાં આવ્યા હતા. તેમણે કેટલાંક પ્રવચનો આપીને યુવાન બંગાળીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સોસાયટીના પ્રમુખ જ્યૉર્જ થૉમ્પસન અને તેના સેક્રેટરી પિયરીચંદ મિત્ર હતા. રામગોપાલ ઘોષ, દક્ષિણારંજન મુખરજી, તારાચંદ ચક્રવર્તી વગેરે તેના સભ્યો હતા. તેના ઉદ્દેશો આ પ્રમાણે હતા : (1) શહેરોના શિક્ષિત લોકોએ ભેગા થઈને દેશના ભલા માટે પ્રયાસો કરવા; (2) દેશની હાલની સ્થિતિની માહિતી ભેગી કરવી; (3) સરકારે ભરેલાં પગલાં વિશે લોકોનો મત જાણવો; (4) બ્રિટિશ ન્યાયમાં વિશ્વાસ રાખીને સંસ્થાનો કાર્યક્રમ કરવો.
આ સંસ્થાની પ્રવૃત્તિઓથી લોકજાગૃતિ થઈ. આ સોસાયટીની માગણીઓના પરિણામે ડેપ્યુટી મૅજિસ્ટ્રેટના હોદ્દા પર ભારતીયોને નીમવાનો વહીવટી સુધારો કરવામાં આવ્યો. આ સંસ્થા અને લૅન્ડહોલ્ડર્સ સોસાયટીનું 1851માં જોડાણ કરીને ધ બ્રિટિશ ઇન્ડિયન એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી.
જયકુમાર ર. શુક્લ