બૅબેજ, ચાર્લ્સ (જ. 26 ડિસેમ્બર 1792, ટેન્માઉથ, ડેવન–ઇંગ્લૅન્ડ; અ. 18 ઑક્ટોબર 1871, લંડન) : બ્રિટિશ ગણિતશાસ્ત્રી અને સંશોધક. સ્વયંસંચાલિત અંકીય ગણનયંત્ર(digital computer)ના પ્રથમ પ્રણેતા હતા. તેમણે ખાનગી ટ્યૂશનથી શિક્ષણ મેળવ્યું હતું. 1810માં કેમ્બ્રિજ ગયા. ખગોળશાસ્ત્રી હર્ષલને બૅબેજ ખગોળ અંગેની ગણતરીઓમાં સહાયરૂપ થતા હતા. તે દરમિયાન તેમને જણાયું કે ગણતરીઓમાં ઉપયોગમાં લેવાતા કોઠાઓમાં ઘણી ત્રુટિઓ છે, કારણ કે આવા કોઠા યંત્રવત્ અને ચીલાચાલુ રીતોથી બનાવ્યા હતા. આથી ગાણિતિક ગણતરીઓ યંત્રથી કરવાનો વિચાર 1812–13ના અરસામાં બૅબેજ ચાર્લ્સને આવ્યો. પાછળથી દશાંશના આઠ સ્થળ સુધીની ગણતરી કરી શકે તેવું નાનકડું ગણનયંત્ર તેમણે બનાવ્યું. પછી સરકારની મદદથી દશાંશનાં વીસ સ્થળ સુધીની ગણતરી કરી શકે તેવું ગણનયંત્ર બનાવવાની પણ યોજના ઘડી કાઢી.

યુરોપ ખંડમાં થયેલા ગણિતના વિકાસ અંગેની માહિતી અંગ્રેજીમાં રજૂ કરવા અને બ્રિટનમાં વિજ્ઞાનના પુનર્નિમાણ માટે ઍનેલિટિકલ સોસાયટીને મદદ કરી. 1820માં રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટી અને 1834માં રૉયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટીની સ્થાપનામાં તેમણે ફાળો આપ્યો. 1828થી 1839ના ગાળામાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિતના લ્યુકેસિયન પ્રોફેસર તરીકે સેવા આપી.

ઈ.સ. 1830ની અધવચમાં આધુનિક અંકીય ગણનયંત્ર શોધાયું તે પૂર્વે તેમણે ઍનેલિટિક યંત્રની રચના અંગેની યોજનાઓ વિકસાવી હતી. તેમાં પંચકાર્ડની મદદથી ગાણિતિક પ્રક્રિયાઓ માટે સૂચનો કરવામાં આવતાં હતાં, પરંતુ ઝીણવટભરી ટૅકનિકને કારણે આવું એન્જિન પૂર્ણ થઈ શક્યું નહિ. અધૂરું રહેલું આ મૉડેલ લંડનના સાયન્સ મ્યુઝિયમમાં છે.

ચાર્લ્સ બૅબેજ

ગણિતશાસ્ત્ર સિવાયનાં બીજાં ક્ષેત્રોમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. ઇંગ્લૅન્ડમાં આધુનિક પોસ્ટલ પદ્ધતિની સ્થાપના અને વ્યવસ્થાપનમાં તેમનો ફાળો મહત્વનો હતો. વીમાવિજ્ઞાન (actuary)ના કોઠાઓ પણ તેમણે તૈયાર કર્યા હતા. વાહનની ઝડપ માપવા માટેનું યંત્ર સ્પીડૉમિટર તેમણે બનાવ્યું હતું.

શિવપ્રસાદ મ. જાની