બૅફિન ઉપસાગર : ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવવૃત્તથી ઉત્તર તરફ ગ્રીનલૅન્ડ અને બૅફિન ટાપુ વચ્ચે આવેલો અંડાકારમાં પથરાયેલો ઉપસાગર. ભૌગોલિક સ્થાન : 70° ઉ. અ. અને 60´ પ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તેની ઉત્તરે સ્મિથ સાઉન્ડ, પશ્ચિમે લૅન્કેસ્ટર સાઉન્ડ તથા દક્ષિણે ડૅવિડની સામુદ્રધુની આવેલી છે. ઉત્તર તથા પશ્ચિમ તરફથી જળવહન દ્વારા આ ઉપસાગરમાં ધ્રુવીય બરફ પ્રવેશે છે, જે ત્યાંથી બૅફિન ટાપુના કિનારે કિનારે આગળ વધી દક્ષિણ તરફ જાય છે. બરફના આ અપવહન(drift)ને સ્થાનભેદે ‘વેસ્ટ આઇસ’ અથવા ‘મિડલ પૅક’ નામથી ઓળખવામાં આવે છે. આ ઉપસાગરનો દક્ષિણ ભાગ ઑગસ્ટ–સપ્ટેમ્બરમાં જળવ્યવહાર માટે બરફમુક્ત રહે છે.
1545માં આ ઉપસાગરમાં પ્રથમ પ્રવેશનાર અંગ્રેજ નૌકાસફરી જૉન ડેવિસ હતો. આખીયે ઓગણીસમી સદી દરમિયાન વહેલ માછલીઓને પકડવા માટે આ ઉપસાગરને ખૂંદી નાખવામાં આવેલો.
ગિરીશભાઈ પંડ્યા