બૅન્ક્સ ટાપુઓ : નૈર્ઋત્ય પેસિફિક મહાસાગરમાં આવેલા વાનાટુ ટાપુપ્રદેશના ભાગરૂપ ટાપુસમૂહ. અગાઉ તે ન્યૂ હેબ્રાઇડ્ઝ નામથી ઓળખાતો હતો. ભૌગોલિક સ્થાન : આ ટાપુઓ 13°થી 15° દ. અ. અને 167°થી 168° પૂ. રે. વચ્ચે આવેલા છે. આ ટાપુસમૂહમાં કુલ નવ ટાપુઓ આવેલા છે, તે પૈકી સૌથી મોટા ગૌઆ (જૂનું નામ સાન્ટા મારિયા) અને વાનુઆ લાવા છે, આ ઉપરાંત બીજા અસંખ્ય નાના નાના ટાપુઓ પણ છે. આ બધા જ ટાપુઓ મૂળ જ્વાળામુખી શંકુઓના તૂટેલા ભાગો છે. ઘણાખરા તો ગંધકના ઝરાઓ પણ ધરાવે છે. તેમનો કુલ ભૂમિ-વિસ્તાર આશરે 490 ચોકિમી. જેટલો છે.
ટાપુઓના કિનારા પરનાં ઘણાં સ્થાનો સારી બંદરી સુવિધા ધરાવે છે. વાનુઆ લાવા ટાપુ પરનું પેટિસન બંદર તેનું ઉદાહરણ છે. અહીંના ટાપુવાસીઓ મેલેનીશિયન દેખાવવાળા છે, પરંતુ સંસ્કૃતિમાં તેઓ પૉલિનીશિયન છે તથા પૉલિનીશિયન બોલીનો ઉપયોગ કરે છે. આ ટાપુઓનું ‘બૅન્ક્સ’ નામ કૅપ્ટન વિલિયમ બ્લાઇએ તેના દાતા અંગ્રેજ પ્રકૃતિવિદ સર જોસેફ બૅન્ક્સના નામ પરથી આપેલું છે.
ગિરીશભાઈ પંડ્યા