બૅનરજી, જિતેન્દ્રનાથ એન.

January, 2000

બૅનરજી, જિતેન્દ્રનાથ એન. : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત તથા પાલિના વિદ્વાન. કલકત્તા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ એન્શિયન્ટ ઇંડિયન કલ્ચર ઍન્ડ હિસ્ટરી તથા ડિપાર્ટમેન્ટ ઑવ્ પાલિ ઍન્ડ સંસ્કૃતના પ્રાધ્યાપક અને વિભાગીય વડા.

કલકત્તા યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓને ભણાવતાં ભણાવતાં પ્રો. બૅનરજીને હિંદુ મૂર્તિશાસ્ત્રના વ્યવસ્થિત અને ઝીણવટભર્યા અભ્યાસ માટેની સામગ્રીની જરૂર જણાઈ આવી. તેમના પુરોગામી ગોપીનાથ રાવે ‘એલિમેન્ટ્સ ઑવ્ હિંદુ ઇકૉનોગ્રાફી’ના ભાગ–1 (1914) અને ભાગ–2 (1916) પ્રસિદ્ધ કર્યા હતા; તેમાં દરેક મૂર્તિનાં વ્યક્તિગત લક્ષણોના વિકાસ અંગે કાંઈ પણ કહેવાયું નહોતું – એ બૅનરજીને મર્યાદારૂપ લાગ્યું. તેથી બૅનરજીએ ગુપ્ત, પ્રાક્-કુશાણ અને કુશાણ સમયનાં પૂર્ણ શિલ્પ, એક બાજુએ ઉપસાવેલાં શિલ્પ અને સિક્કાઓનો ઘનિષ્ઠ અભ્યાસ કર્યો. જે સમયનાં શિલ્પ કે સિક્કા ઉપલબ્ધ ન હોય તે સમયના અન્ય સાહિત્યિક ઉલ્લેખો, પ્રચલિત પ્રથા ઇત્યાદિનો તેમણે આધાર લીધો અને ભારતીય મૂર્તિવિધાનનાં લક્ષણો અને લઢણો અંગેનાં તારતમ્યો તારવ્યાં : દાખલા તરીકે, કુશાણ રાજા કનિષ્કની અગાઉના સમયમાં બુદ્ધનું માનવસ્વરૂપે નહિ પણ પાદુકા કે ધર્મચક્ર જેવાં પ્રતીકો વડે નિરૂપણ થતું. વળી ભારતીય મૂર્તિવિધાનમાં રહેલ દિવ્યતત્વ તરફ તેમણે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ અભ્યાસના ફળસ્વરૂપે તેમની પાસેથી ‘ડેવલપમેન્ટ ઑવ્ હિન્દુ ઇકૉનોગ્રાફી’ નામનો મહત્વનો ગ્રંથ 1941માં પ્રાપ્ત થયો. તેમાં તેમણે આ ઉપરાંત હિંદુ અને બૌદ્ધ દેવતાઓનાં અંગો અને ઉપાંગોનાં પરિમાણ(માપ)ની ચર્ચા પણ પ્રાચીન ભારતીય ગ્રંથોને આધારે કરી છે. વળી, પ્રાચીન ગ્રીક અને ઇજિપ્શિયન દેવતાઓનાં અંગોનાં પ્રમાણમાપ સાથે હિંદુ-બૌદ્ધ દેવતાનાં અંગોનાં પ્રમાણમાપની ઝીણવટભરી સરખામણી કરી છે. આ વિદ્વત્તાપૂર્ણ ગ્રંથમાં ‘પ્રતિમામાનલક્ષણમ્’નો અંગ્રેજી અનુવાદ પરિશિષ્ટ રૂપે આપેલો છે, જે અગત્યનો ગણાય છે.

પ્રિયબાળાબહેન શાહ

અમિતાભ મડિયા