બૅનક્રૉફ્ટ, ઍન (જ. 1931, ન્યૂયૉર્ક સિટી, યુ. એસ.) : ખ્યાતનામ ફિલ્મ અભિનેત્રી. સૌપ્રથમ તેમણે તુર્ગનેવના ‘ટૉરન્ટ ઑવ્ સ્પ્રિંગ’માં ટેલિવિઝન પર અભિનય આપવાનો પ્રારંભ કર્યો. ત્યારપછી તેઓ રંગભૂમિ તરફ વળ્યાં અને 1959માં ‘ધ મિરેકલ વર્કર’માંના તેમના અભિનય બદલ, તેમને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો ‘ટૉની ઍવૉર્ડ’ મળ્યો. 1962માં તેના ફિલ્મી રૂપાંતરમાં અભિનય આપવા બદલ તેમને ઑસ્કાર ઍવૉર્ડ પણ મળ્યો. તેમનાં અન્ય ચિત્રોમાં ‘ધ સ્લેન્ડર થ્રેડ’ (1965), ‘ધ ગ્રૅજ્યુએટ’ (1968), ‘ધી એલિફન્ટ મૅન’ (1980), ‘84 ચેરિંગ ક્રૉસ રોડ’ (1986) અને ‘ટૉર્ચ સૉંગ ટ્રિલૉજી’(1988)નો સમાવેશ થાય છે.
મહેશ ચોકસી