બૅક્ટ્રિયા : મધ્ય એશિયાનો પ્રાચીન દેશ. એશિયામાં હિંદુકુશ પર્વતમાળા અને અમુદરિયા (ઓક્ષસ) નદી વચ્ચેના પ્રદેશમાં તે આવેલો છે. હાલના અફઘાનિસ્તાનનો થોડો ભાગ અને ઉઝબેકિસ્તાનના પ્રદેશોનો એ બનેલો હતો. તેની ઉત્તર તરફ સોઘડિયાના, પૂર્વ અને દક્ષિણ તરફ હિન્દુકુશ પર્વતો તથા પશ્ચિમે આરાકોસિયા અને અરિયાની સીમાઓ આવેલી છે. તેનો કુલ વિસ્તાર અફઘાનિસ્તાનના આજના બલ્ખ પ્રાંત જેટલો ગણાય. મઝારે શરીફથી 32 કિમી.ને અંતરે આજે જ્યાં બલ્ખ છે ત્યાં એ વખતે તેનું મુખ્ય શહેર બૅક્ટ્રા હતું તેનાં આજે જોવા મળતાં વિશાળ ખંડિયેરો 11 કિમી.ની પરિમિતિવાળાં છે; તેનું પૂરતા પ્રમાણમાં ઉત્ખનન કરવામાં આવેલું નથી. પરંપરાગત રીતે જોતાં ઝોરોસ્ટર (સંભવત: ઈ. પૂ. સાતમી સદી) અને પ્રાચીન ઝોરોસ્ટ્રિયનવાદનું મૂળ સ્થળ અહીં મોટી નદીઓવાળા ફળદ્રૂપ ઉચ્ચપ્રદેશમાં હતું. અહીં પ્રાચીન સમયમાં વિસ્તૃત પ્રમાણમાં સિંચાઈ-પદ્ધતિ પણ અસ્તિત્વ ધરાવતી હતી. બૅક્ટ્રા તે વખતે આજુબાજુના વિસ્તારોને સાંકળતા વ્યાપારી માર્ગોનું મધ્યસ્થ મથક હતું, ત્યાં રેશમ તથા અન્ય ચીની માલ પામીરના ઘાટમાંથી આવતો. આ દેશ બૅક્ટ્રિયાના અથવા ઝરીઅસ્પા તરીકે પણ ઓળખાતો હતો. ઈ. પૂ. 600થી ઈ.સ. 600 દરમિયાન એનું ઘણું મહત્વ હતું. પૂર્વ અને પશ્ચિમ વચ્ચે જમીનરસ્તે ચાલતા વ્યાપારનું તથા ધાર્મિક વિચારો અને કલાને લગતા પ્રવાહોનું એ મિલનસ્થાન હતું. બૅક્ટ્રિયાના પાટનગર તરીકે બૅક્ટ્રા (પ્રાચીન વાહલિક અને અર્વાચીન બલ્ખ) હતું જે બૅક્ટ્રા-ઝરીઅસ્થા તરીકે પણ ઓળખાતું હતું.

બૅક્ટ્રિયાનો પ્રદેશ ફળદ્રૂપ હતો. એનાં બલ્ખ અને ખુલ્મ નામનાં સ્થળોએ પૂર્વ ઇરાનના લોકોએ ઈ.પૂ. 750 આસપાસ વસવાટની શરૂઆત કરી હતી. ઈ.પૂ. 6ઠ્ઠી સદીમાં ઈરાનના સમ્રાટ મહાન સાયરસ 2જાએ તે પ્રદેશ જીતી લીધો હતો. સિકંદરે જ્યારે ઈરાનના રાજા દરાયસ 3જાને હરાવ્યો ત્યારે બૅક્ટ્રિયાના સત્રપ બિસસે પૂર્વમાં તેનો નિષ્ફળ સામનો કર્યો હતો. ઈ.પૂ. 323માં સિકંદરના અવસાન પછી બૅક્ટ્રિયા સેલ્યુક્સ-1 નિકેટરના સામ્રાજ્યનો ભાગ બન્યું હતું.

ઈ. પૂ. 250 આસપાસ બૅક્ટ્રિયાના સેલ્યુસિડ સત્રપ ડિયોડોટસ અથવા એ જ નામના એના પુત્રે બૅક્ટ્રિયામાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. એના વારસ યુથીડેમસને સેલ્યુસિડ રાજા એન્ટીઓક્સ 3જાએ હરાવ્યો છતાં એની સ્વતંત્રતા માન્ય રાખી હતી. યુથીડેમસના વંશજોએ હિંદુકુશ પર્વત અને ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) હિંદ તરફ આગળ વધી ત્યાં ઇન્ડો-ગ્રીક રાજ્યની સ્થાપના કરી હતી. એમના રાજ્યમાં અફઘાનિસ્તાન, મધ્ય એશિયાના થોડા ભાગો અને પાકિસ્તાનના મોટા ભાગના પ્રદેશોનો સમાવેશ થતો હતો. એને પરિણામે મધ્ય એશિયા અને ઉત્તર-પશ્ચિમ હિંદમાં હેલેનિસ્ટિક સંસ્કૃતિનો ઘણો પ્રસાર થયો. ખાસ કરીને કલા, સ્થાપત્ય, સિક્કાઓ અને લેખનકલા પર એની વિશેષ અસર થઈ હતી.

ઈ. પૂ. 128માં ચીનના યુહ-ચિહ લોકોએ હિંદુકુશની ઉત્તરે આવેલા ગ્રીક રાજ્ય અને બૅક્ટ્રિયાને જીતી લઈ ‘તોચારી રાજ્ય’ની સ્થાપના કરી હતી. ઈસુની પ્રથમ સદીમાં બૅક્ટ્રિયાના કુશાન શાસકોએ ઉત્તર-પશ્ચિમ હિંદ તરફ આગળ વધી એમની સત્તાનો વિસ્તાર કર્યો હતો. કુશાનોના કારણે આ વિસ્તારમાં બૌદ્ધ ધર્મનો ઘણો પ્રચાર થયો. ઈસુની 4થી સદીના ઉત્તરાર્ધમાં હેપ્થેલાઇટ લોકો બૅક્ટ્રિયામાં આવીને વસ્યા અને લગભગ 200 વર્ષ સુધી સાસાનિયન લોકો સાથે યુદ્ધો કરતા રહ્યા. ઈ. સ. 565માં પશ્ચિમ તુર્કસ્તાનના લોકોએ હેપ્થેલાઇટોને હાંકી કાઢી ત્યાં પોતાનું શાસન સ્થાપ્યું. એ પછી, ઈસુની 7મી સદીની મધ્યમાં મુસ્લિમોએ એમને હરાવી ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી

ગિરીશભાઈ પંડ્યા