બૅંગકૉક : થાઇલૅન્ડનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 13° 45´ ઉ. અ.  અને 100° 31´ પૂ. રે. વાસ્તવમાં આખો થાઇલૅન્ડ દેશ નાનાં નાનાં નગરો અને ગામડાંઓથી બનેલો છે, અહીં બૅંગકૉક જ એકમાત્ર મોટામાં મોટું શહેર છે. દેશની કુલ વસ્તીના 10 %થી વધુ લોકો આ શહેરમાં રહે છે. શહેરની કુલ વસ્તી 55,72,700 (1993) જેટલી છે. તે થાઇલૅન્ડના અખાતના કિનારા નજીક ચાઓ ફ્રાયા નદીના મુખત્રિકોણ પર વસેલું છે. આ નદીના પશ્ચિમ કાંઠે થાઇલૅન્ડનું એક વખતનું પાટનગર રહી ચૂકેલું થૉન બુરી પણ છે, જ્યારે પૂર્વ કાંઠે ઊભેલું ક્રુંગ થેપ આજે આ મહાનગરની કુલ વસ્તીનો 80 % જેટલો ભાગ આવરી લે છે.

બૅંગકૉક થાઇલૅન્ડનું મુખ્ય બંદર, વાણિજ્યમથક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તેનો કુલ વિસ્તાર આશરે 1,565 ચોકિમી. જેટલો છે. અહીંના લોકો ‘થાઇ’ નામથી ઓળખાય છે. તેઓ આ શહેરને ક્રુંગ થેપ નામથી ઓળખાવે છે. ક્રુંગ થેપનો અર્થ થાય છે દેવદૂતોનું શહેર અથવા સ્વર્ગ-સમું શહેર. ખરેખર તો ક્રુંગ થેપના અક્ષરો તેના સત્તાવાર મૂળ નામના 27 અક્ષરો પૈકીના છે. બૅંગકૉકમાં અગાઉ ઘણીબધી નહેરો આવેલી હતી, તેથી તેને પશ્ચિમના લોકો પૂર્વના વેનિસ તરીકે ઓળખતા હતા.

થાઈલૅન્ડ જમીનની અછતવાળું રાષ્ટ્ર છે. પાટનગર બૅંગકૉક પણ તેનાથી મુક્ત નથી. બૅંગકૉકના તરતા બજારનું એક ર્દશ્ય

આ શહેર ઘણું ઝડપી વિકસતું જતું હોવાથી તે ઘણો વિશાળ વિસ્તાર આવરી લે છે. નદીની નજીકમાં ઘણાં ભવ્ય મંદિરો અને મહેલો આવેલાં છે. થાઇ રાજાઓના નિવાસસ્થાન તરીકે વપરાતો મૂળ ગ્રાન્ડ પૅલેસ નદીકાંઠે જ આવેલો છે, પરંતુ હવે તે વિશેષ પ્રસંગો નિમિત્તે જ ઉપયોગમાં લેવાય છે. આજે તો શાહી કુટુંબ તેનાથી ઈશાન તરફ આશરે 2 કિમી.ના અંતરે આવેલા ચિતલદા પૅલેસમાં વસે છે.

બૅંગકૉક શહેરનો કોઈ ચોક્કસ કહી શકાય એવો આકાર નથી. તે ગમે તેમ પથરાયેલું છે; પરંતુ તે કેટલાક વિભાગોમાં વહેંચાયેલું છે. દરેક વિભાગને પોતાનું આગવું લક્ષણ છે. ક્રુંગ થેપનો જૂનો વિભાગ પશ્ચિમ તરફ નદીકિનારા અને રેલમથકને વીંધીને ઉત્તર-દક્ષિણ રેખાની વચ્ચે આવેલો છે. નવા નિવાસી વિભાગો તેમજ ઔદ્યોગિક વિભાગો જૂના વિભાગ કરતાં બમણા વિસ્તારમાં પથરાયેલા છે. તે રેલમથકથી પૂર્વ તરફ વિકસ્યા છે. ગ્રાન્ડ પૅલેસથી પૂર્વમાં આશરે 5 કિમી. અંતરે આવેલી શેરીઓની આજુબાજુ આધુનિક હોટેલો, કાર્યાલયોની ઇમારતો, સુંદર દુકાનો, રાત્રિક્લબો તેમજ સિનેમાઘરો જોવા મળે છે. અહીંનો નૅશનલ એસેમ્બ્લી ખંડ લશ્કરી છાવણીઓથી વીંટળાયેલો છે. ચાઇનાટાઉન વિસ્તાર તરીકે ઓળખાતા ‘સામપેંગ’માં ગીચ વસ્તી ધરાવતો મુખ્ય વાણિજ્ય-વિભાગ આવેલો છે. અહીં દર ચોકિમી. દીઠ 15,000ની વસ્તી છે. ‘પાહુરત’ નામથી ઓળખાતો ભારતીય વિભાગ તેની સુતરાઉ કાપડની દુકાનો માટે જાણીતો છે. શ્રીમંત કુટુંબો શહેરના પૂર્વ છેડાની ધાર પર ‘બૅંગ કપિ’ વિભાગમાં વસે છે. આ વૈભવી વિસ્તારની દક્ષિણે થાઇલૅન્ડના અખાતને કાંઠે આવેલા બંદર ખ્લાંગ તોઈની આજુબાજુ ગરીબોની ઝૂંપડપટ્ટીઓ તથા સ્થળાંતરવાસીઓના વસવાટો આવેલા છે.

બૅંગકૉકના આશરે 97 % નિવાસીઓ થાઇ તરીકે ઓળખાય છે. દેશની સરકાર તેમનાથી રચાય છે. ચીનાઓની વસ્તી ઓછી હોવા છતાં અન્ય વિદેશીઓ કરતાં વધુ છે, શહેરનો ધંધો પરંપરાગત રીતે તેમના હાથે ચાલે છે. ઘણા થાઇ અને ચીનાઓએ આંતરલગ્નો પણ કરેલાં છે. ચીનાઓએ પોતાનાં થાઈભાષી સ્થાનિક નામો પણ અપનાવ્યાં છે અને તેઓ અહીંના કાયમી નાગરિક પણ બની ગયા છે. વળી અહીં જૂજ સંખ્યામાં ભારતીયો તથા પશ્ચિમી પ્રજા પણ વસે છે.

બૅંગકૉકના પ્રચંડ વસ્તીવિસ્ફોટે શહેરની શિક્ષણપદ્ધતિ પર થોડા પ્રમાણમાં વિપરીત અસર કરી છે. અહીં સરકાર, ખ્રિસ્તી મિશનો તેમજ ચીની કોમ તરફથી જુદા જુદા પ્રકારની શાળાઓ ચલાવવામાં આવે છે. કેટલીક વિશિષ્ટ સંસ્થાઓ પરંપરાગત કલા, હુન્નર, નૃત્ય અને રસોઈકામની તાલીમ આપે છે. અહીં 13 જેટલી તો યુનિવર્સિટીઓ તથા 1 કૅથલિક કૉલેજ આવેલી છે. આ યુનિવર્સિટીઓ પૈકીની 7 સરકારી અને 6 ખાનગી યુનિવર્સિટીઓ છે.

બૅંગકૉકની સંસ્કૃતિ મંદિરપ્રધાન છે. શહેરમાં 400થી વધુ મંદિરો આવેલાં છે. મોટાભાગનાં મંદિરો ચારેબાજુથી કોટથી આરક્ષિત છે. તે પ્રવાસીઓ માટેનાં આકર્ષણસ્થાનો બની રહેલાં છે; એટલું જ નહિ, તે બધાં ધાર્મિક, શૈક્ષણિક કે સામાજિક ઉત્સવો પણ ઊજવે છે. અહીંનું ‘વાટ ફો’ મંદિર જૂનામાં જૂનું અને વિશાળ વિસ્તારવાળું છે. આ મંદિરમાં ભગવાન બુદ્ધની 46 મીટર લાંબી અને 15 મીટર ઊંચી, ઢળેલી અર્ધશાયી મૂર્તિ છે તથા ત્યાં બુદ્ધની જુદી જુદી અનેક મૂર્તિઓનો સંગ્રહ પણ છે. વાટ ફો જાહેર શિક્ષણ માટેનું સર્વપ્રથમ કેન્દ્ર પણ હતું. વાટ ત્રૈમિટ નામના બીજા એક મંદિરમાં ભગવાન બુદ્ધની 3 મીટર ઊંચી અને 5 મેટ્રિક ટનથી વધુ વજનવાળી નક્કર સોનાની મૂર્તિ છે.

અહીંના નૅશનલ મ્યુઝિયમ(અગ્નિ એશિયામાં મોટામાં મોટા ગણાતા સંગ્રહસ્થાન)માં તેમજ નૅશનલ લાઇબ્રેરી ખાતે થાઇલૅન્ડની પરંપરાનો ભવ્ય વારસો જળવાયેલો છે. અહીંના નૅશનલ થિયેટરમાં નૃત્ય, નાટકો અને સંગીતનાં આયોજનો થતાં રહે છે. બૅંગકૉકથી આશરે 30 કિમી.ને અંતરે આવેલા સામત પ્રાકર્ણ ખાતે મુઆંગ બોરન (પ્રાચીન શહેર) આવેલું છે. 80 હેક્ટર વિસ્તારને આવરી લેતું આ પ્રાચીન શહેર જાણે કે થાઇલૅન્ડનાં અતિપ્રસિદ્ધ સ્મારકોના પ્રદર્શન જેવું જણાય છે. સ્વયં બૅંગકૉક ખાતે આવેલું થાઇલૅન્ડ દેશની પ્રતિકૃતિસમું તિમલૅન્ડ જાણે કે રાષ્ટ્ર આખાનું ચિત્ર રજૂ કરતું હોય એમ જણાય છે. અન્ય પ્રવાસી આકર્ષણોમાં શ્વેત હાથી ધરાવતું દસિત પ્રાણીસંગ્રહાલય, થાઈ સંસ્કૃતિધારક ગામ સહિતનો રોઝ ગાર્ડન કંટ્રી રિસૉર્ટ અને થૉન બુરીમાં આવેલાં તરતાં બજારો(floating markets)નો સમાવેશ થાય છે. આ તરતાં બજારોમાં વેપારીઓ અને દુકાનદારોની હોડીઓ ફરતી રહે છે. તે નહેર ખાતે ભેગા થાય ત્યારે ફળો, ચોખા, શાકભાજી તેમજ અન્ય ચીજોનાં ખરીદ-વેચાણ થાય છે.

આ શહેરનું વધુ લાક્ષણિક ગણાતું ર્દશ્ય તો પાશ્ચર સંસ્થા ખાતે નજરે પડે છે, ત્યાં સર્પદંશ માટે પ્રતિકારક રસી બનાવવા માટે ઝેરી સાપોનું ઝેર દિવસમાં બે વાર કાઢી લેવામાં આવે છે. મુઆંગ બોરન નજીકના એક ક્ષેત્ર ખાતે 30,000 મગરમચ્છ છે, કુસ્તીબાજો ત્યાંના કોઈ પણ એકને પસંદ કરીને કુસ્તી લડે છે. થાઇ બૉક્સિગં અહીંની રાષ્ટ્રીય રમત ગણાય છે. તેમાં પગ અને કાંડાંનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. આ ઘટનાનું બૅંગકૉકના દૂરદર્શન પરથી અઠવાડિયામાં બે વાર જીવંત પ્રસારણ પણ કરવામાં આવે છે.

બૅંગકૉક થાઇલૅન્ડનું પાટનગર અને બંદર હોવા ઉપરાંત સડકમાર્ગ, રેલમાર્ગ અને હવાઈ માર્ગના વાહનવ્યવહારનું મુખ્ય કેન્દ્ર પણ છે. અહીંના મોટાભાગના લોકો સરકારી નોકરીઓમાં, નાણા-હેરફેરના વ્યવસાયમાં, પરિવહન તથા પ્રવાસનક્ષેત્રમાં રોકાયેલા છે. ઝવેરાત, ચાંદી, કાંસું અને કીમતી પથ્થરોનો વેપાર અહીંનો વર્ષોજૂનો ચાલ્યો આવતો વ્યવસાય છે. સુતરાઉ કાપડ, બાંધકામ-નિર્માણની ચીજો, ખાદ્ય-પ્રક્રમણ અને વીજાણુ-યંત્રસામગ્રી એ આ દેશના આ શહેરમાં ચાલતા ઉદ્યોગો છે. બંદર-વિભાગમાં આવેલાં કારખાનાંને બાદ કરતાં અહીંનાં મોટાભાગનાં કારખાનાં નાનાં છે. આ કારખાનાંઓમાં આયાતી કાચા માલ પર પ્રક્રિયા કરવામાં આવે છે, વિદેશોમાંથી લવાયેલા ઘટકોનું સંકલન કરીને તૈયાર ચીજવસ્તુઓ બનાવાય છે. ગીચ વસ્તીવાળા શહેરી મધ્યભાગથી દૂર પરાંઓમાં ઉદ્યોગો સ્થાપવાની એક નીતિ 1976થી અમલમાં લવાઈ છે. સમગ્ર દેશમાં આવેલી બૅંકોનો ત્રીજો ભાગ આ શહેરમાં છે, જે દેશની નાણાકીય થાપણોનો 75 % હિસ્સો ધરાવે છે.

બૅંગકૉકનું પરિવહનક્ષેત્ર મૂળ તો નહેર-આધારિત હતું. આ જ કારણે તો આ શહેરને અગાઉ પશ્ચિમી દેશોના પ્રવાસીઓએ પૂર્વના વેનિસ નામથી નવાજેલું, પરંતુ હવે મોટરવ્યવહાર એટલો તો વધી ગયો છે કે નાની નાની નહેરોને પૂરી દેવી પડી છે અને નવા માર્ગો વિકસાવ્યા છે. પરિણામે અહીંના જળપરિવાહને અસર પહોંચી છે. વર્ષાઋતુ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે નિયમિત રીતે પૂરનાં પાણી ફરી વળે છે. અહીં મોટા માર્ગો (express ways) હોવા છતાં આ શહેરનો રોજનો માર્ગવ્યવહાર એટલો તો વધી ગયો છે કે ક્યારેક વાહનોની કતારો કલાકો સુધી થંભી જાય છે.

ખ્લાંગ તોઈ બંદરેથી આખા દેશનો વિદેશી વેપાર ચાલે છે; જરૂરી તૈયાર માલસામાનની આયાત થાય છે અને સોનું, ચાંદી, કલાઈ, રબર તથા ચામડાંની નિકાસ થાય છે. આ ઉપરાંત પ્રક્રમિત માછલીઓ, મકાઈ, ચોખા, ખાંડ અને ટોપિઓકાની તેમજ દેશમાં તૈયાર કરેલાં વાહનો અને વીજસાધનોની પણ નિકાસ થાય છે.

બૅંગકૉક શહેર માટે મત દ્વારા ગવર્નરની ચૂંટણી થાય છે. દેશમાં ઉત્પન્ન કરાતી વીજઊર્જાનો 50 % ભાગ બૅંગકૉક વાપરે છે. ક્યાંક ક્યાંક ક્યારેક વીજ તેમજ જળપુરવઠો ઓછો પડે છે. નહેરો અને ખુલ્લી ગટરોમાં દૂષિત જળ વહેવાથી પ્રદૂષણ પણ ફેલાય છે. જરૂરિયાત વેળાએ યુનાઇટેડ નેશન્સ, યુનેસ્કો, યુનિસેફ, હુ (WHO,) વર્લ્ડ બૅંક અને એસ્કૅપ (ESCAP) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મદદરૂપ નીવડે છે.

મોટાભાગની થાઇ પ્રજા બૌદ્ધ ધર્મમાં ઊંડી શ્રદ્ધા અને પ્રીતિ ધરાવનારી છે.
નીલમ-વર્ણ ભગવાન બુદ્ધનું આ મંદિર બૅંગકૉકનું સૌથી પ્રાચીન મંદિર છે.

ઇતિહાસ : અઢારમી સદીના અંતિમ ચરણ સુધી તો બૅંગકૉક નદીકાંઠા પરનું એકમાત્ર મોટું ગામ માત્ર હતું. 1782માં જનરલ ચાઓ ફ્રાયા ચક્રી રાજા રામ પહેલાનું બિરુદ ધારણ કરી સત્તા પર આવ્યા. તેમણે ચાઓ ફ્રાયા નદીનો ત્રણ બાજુ વળાંકવાળો રક્ષિત ભાગ પસંદ કર્યો અને પશ્ચિમ તથા પૂર્વ કાંઠા પર વસવાટો સ્થાપવાની શરૂઆત કરી. પૂર્વ તરફનો બાકી રહેલો કેટલોક ખુલ્લો વિશાળ કળણવાળો ભાગ તો રક્ષિત જ હતો. રાજા રામ પહેલાએ તેમનો રાજવંશ લાંબો વખત સત્તા પર ચાલુ રહી શાસન કરી શકે તે માટે ત્યાં શહેર વસાવવાનું નક્કી કર્યું. તેઓ અવસાન પામ્યા ત્યાં સુધીમાં એક મહેલનું સંકુલ પણ ખડું કરી દીધું. મહેલની આજુબાજુ તેના રક્ષણાર્થે 4 મીટર ઊંચો, 3 મીટર પહોળો અને 7 કિમી. લાંબો કોટ ચણાવ્યો. આ કોટને 63 દરવાજા અને 15 દુર્ગ પણ બનાવરાવેલા. થાઇ-નિવાસીઓ આ મહેલની ભવ્યતા જોઈને એમ માનતા થયા કે શાહી મહેલ દુનિયાભરમાં વિશિષ્ટ મધ્યવર્તી ભૂમિચિહ્ન (landmark) સમો છે. આ  કારણે મહેલની નજીકમાં ઘણાં મંદિરો બંધાયાં, સરકારી ઇમારતો ઊભી થઈ અને શહેરની પ્રતિષ્ઠા વધી. રાજા રામ બીજા(1809–1824)એ અને રાજા રામ ત્રીજા(1824–1851)એ મઠનું કાર્ય પણ કરે એવાં વધુ મંદિરો, પુસ્તકાલયો, શાળાઓ, દવાખાનાં વગેરે બંધાવ્યાં. રાજા રામ ચોથા(1851–1868)એ શહેરમાં શેરીઓ અને માર્ગોનું નિર્માણ કર્યું, ગ્રાન્ડ પૅલેસને દુરસ્ત કરાવ્યો અને નહેરપ્રણાલીને વિસ્તારી. રાજા રામ પાંચમા(1868–1910)એ શહેરને પશ્ચિમી ઢબનું સ્વરૂપ આપી તેનું આધુનિકીકરણ કર્યું. તેઓ પશ્ચિમી દુનિયામાં ખૂબ ખ્યાતિ પામ્યા એટલું જ નહિ, અહીંના પ્રદેશમાં અન્ના અને સિયામના રાજાની વાર્તાના નાયક તરીકે પણ સ્થાન પામ્યા. પછીથી આ વાર્તા ‘ધ કિંગ ઍન્ડ આઇ’ ગીત રૂપે પણ જાણીતી બની. રાજા રામ પાંચમાએ જૂના કોટની દીવાલ તોડી પડાવી નવા માર્ગો અને પુલો બંધાવ્યા. 1892માં તેમણે વીજળીથી ચાલતી ટ્રામનું ઉદઘાટન કર્યું, 1900માં પ્રથમ રાજ્ય રેલસેવા પણ ખુલ્લી મૂકી. તેમણે તે પછીથી દુનિયાભરમાં મોટો ગણાતો સોનેરી સાગનો ત્રણ મજલા અને 81 ખંડોવાળો ભવ્ય મહેલ બનાવરાવ્યો. રાજા રામ છઠ્ઠા(1910–1925)એ પણ જાહેર હિતની યોજનાઓ ચાલુ રાખી. 1916માં તેમણે ચુલા લાગ કૉર્ન યુનિવર્સિટીની સ્થાપના કરી. તેમણે શહેરના સર્વપ્રથમ જાહેર મનોરંજન સ્થળ તરીકે લુમ્ફિની ઉદ્યાનનું નિર્માણ કર્યું.

1937માં પાટનગર બૅંગકૉક બે નગરપાલિકાઓમાં વિભાજિત થયું : (1) થૉન બુરી, જે 1769થી 1782 સુધી પાટનગર રહેલું તે વિસ્તાર અને (2) ક્રુંગ થેપ. આ બંને નગરયોજનાઓ એ વખતે તો સરખો (બંને મળીને 100 ચોકિમી.) વિસ્તાર ધરાવતી હતી; પરંતુ શહેરની 80 % વસ્તી ક્રુંગ થેપમાં વસતી હતી. 1955માં અને 1966માં થૉન બુરીનો વિસ્તાર વધારવામાં આવ્યો. એ જ રીતે 1942, 1955 અને 1965માં ક્રુંગ થેપનો વિસ્તાર પણ વધારવામાં આવ્યો. 1971માં બંને નગરપાલિકાઓને ભેળવી એક કરી દેવામાં આવી. તે પછીના વર્ષે બૅંગકૉક અને નજીકના બે પ્રાંતોને ભેળવીને ‘ક્રુંગ થેપ મહા નાખોન’ નામથી એક પ્રાંત બનાવવામાં આવ્યો હતો.

ગિરીશભાઈ પંડ્યા